Get The App

ગુનાખોરી, ગ્લેમર, ટેક્સ ચોરી અને અબજોપતિ ગ્રાહક! એપસ્ટિને કેવી રીતે ઊભું કર્યું રૂ.5700 કરોડનું સામ્રાજ્ય?

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
Jeffrey Epstein wealth

Inside Jeffrey Epstein's Wealth: અમેરિકાના ન્યાયખાતા દ્વારા જેફરી એપસ્ટિન સંબંધિત દસ્તાવેજો જાહેર કરવાની શરુઆત થતાં વિશ્વભરમાં ફરી એકવાર આ વિવાદાસ્પદ વ્યક્તિની જિંદગી અને એના અપરાધો ચર્ચાસ્પદમા બન્યા છે. જેફરી અબજોપતિ હતો. 2019માં તેના મૃત્યુ પછી તેની કુલ સંપત્તિ લગભગ 578 મિલિયન ડૉલર (5,700 કરોડ રૂપિયા) જેટલી હોવાની જાણ થઈ હતી. કોલેજનું ભણતર પણ પૂરું ન કરી શકેલો માણસ અંગત માલિકીના ટાપુઓ અને મહેલો ખરીદી શકે એટલી અધધધ સંપત્તિ કઈ રીતે ભેગી કરી શક્યો, ચાલો જાણીએ. 

મધ્યમવર્ગમાં શરુ થયેલું જીવન

જેફરી એપસ્ટિનનો ઉછેર એક સામાન્ય, મધ્યમવર્ગી પરિવારમાં થયો હતો. તેનો પરિવાર ન્યુયોર્કના પરાં બ્રુકલિનમાં રહેતો હતો. તેના દાદાદાદી મૂળે યહૂદી હતા. જેફરી ગણિતમાં એટલો હોશિયાર હતો કે તેણે સહપાઠીઓ કરતાં વહેલા શાળાનો અભ્યાસ પૂરો કરી દીધો. પણ, તે કૉલેજ પૂરી ન કરી શક્યો. કોપર યુનિયન અને ન્યુયોર્ક યુનિવર્સિટીમાં થોડો સમય ભણ્યા પછી ડિગ્રી પૂરી કર્યા વિના જ તેણે ભણવાનું છોડી દીધું. કૉલેજ ડ્રોપઆઉટ જેફરીની પહેલી નોકરી ન્યુયોર્કની એક ખાનગી શાળા ‘ડાલ્ટન સ્કૂલ’માં ગણિત અને ભૌતિકશાસ્ત્ર શીખવવાની હતી. તે સમયે કદાચ એને પોતાને પણ કલ્પના નહીં હોય કે એ ભવિષ્યમાં અબજોપતિ બનવાનો હતો.

જેફરીની સંપત્તિનું રહસ્ય: બે ‘અબજોપતિ ગ્રાહક’ અને એક 'કર યુક્તિ'

જેફરી એપસ્ટિને અબજોની સંપત્તિ કઈ રીતે ભેગી કરી, એની સંપૂર્ણ વિગતો હજુ સુધી એક રહસ્ય જ છે, પરંતુ ફોર્બ્સ દ્વારા સમીક્ષા કરાયેલી અદાલતી ફાઇલો, તપાસ મેમો અને નાણાકીય રૅકોર્ડ સૂચવે છે કે, તેનો મોટા ભાગનો ધનસંચય મુખ્યત્વે બે અબજોપતિ ગ્રાહક અને એક 'કર યુક્તિ' પર આધારિત હતો.

1.  બે અબજોપતિ ગ્રાહકો: ‘વિક્ટોરિયાઝ સિક્રેટ’ કંપનીના માલિક ‘લેસ વેક્સનર’ અને અબજોપતિ બિઝનેસમેન ‘લિયોન બ્લેક’ એપસ્ટિનના મુખ્ય ગ્રાહક હતા. 1999થી 2018 વચ્ચે એપસ્ટિનની બે કંપનીઓએ 80 કરોડ ડૉલરની કમાણી કરી હતી. જેફરીની કમાણીમાંથી 75%થી વધુ હિસ્સો આ બે ગ્રાહકો પાસેથી જ આવતો હતો.

2.  કર ચૂકવવાની યુક્તિ: જેફરી એપસ્ટિને અમેરિકાના વર્જિન આઇલૅન્ડ્સ ખાતે બે ટાપુઓ ખરીદ્યા હતા અને એના પર બે કંપનીઓ – ફાયનાન્શિયલ ટ્રસ્ટ કંપની અને સધર્ન ટ્રસ્ટ કંપની – સ્થાપી હતી. ત્યાંની સરકારે જેફરીને કરમાં ખૂબ મોટી છૂટ આપી હતી, જેને લીધે 1999થી 2018 વચ્ચે જેફરીએ લગભગ 300 મિલિયન ડૉલર કરમાં બચાવ્યા હતા! આટલા વર્ષો દરમિયાન જેફરી આ બે કંપનીઓમાંથી 360 મિલિયન ડૉલરના ડિવિડન્ડ કમાયો હતો.

વિસ્તૃત સામાજિક નેટવર્ક અને અન્ય ગ્રાહક હતા

વેક્સનર અને બ્લેક સિવાય પણ એપસ્ટિનના ગ્રાહકોમાં ઘણા મોટા માથાનો સમાવેશ થતો હતો. ફોર્બ્સના જણાવ્યા મુજબ તેના ગ્રાહકોમાં જોન્સન ઍન્ડ જોન્સન કંપનીની વારસદાર એલિઝાબેથ જોન્સન, અબજોપતિ ગ્લેન ડ્યુબિનની હેડ્જ ફંડ હાઇબ્રિજ કેપિટલ મેનેજમેન્ટ, અમેરિકાના ભૂતપૂર્વ ટ્રેઝરી સેક્રેટરી, ઘણા રાજકારણીઓ, નોબલ પારિતોષિક વિજેતાઓ અને પ્રખ્યાત દાતાઓનો સમાવેશ થતો હતો. આ વ્યાપક નેટવર્ક જેફરીની સામાજિક અને વ્યાવસાયિક પહોંચનું પ્રતીક હતું.

ટાપુથી મહેલ સુધી નાણાંની રેલમછેલ હતી

બૅંકમાં અબજો ડૉલર હોવા ઉપરાંત એપસ્ટિને વૈભવી મિલકતો ખરીદવામાં પણ ભારે રોકાણ કર્યું હતું. તેની સંપત્તિમાં વર્જિન આઇલૅન્ડ્સ ખાતેનો ‘લિટલ સેન્ટ જેમ્સ’ નામનો એક ટાપુ (જેને સામાન્ય રીતે ‘એપસ્ટિન આઇલૅન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે), મેનહટ્ટનના અપર ઈસ્ટ સાઇડ, ફ્લોરિડાના પામ બીચ, ન્યુ મેક્સિકો અને પેરિસમાં મહેલો, ફાર્મ અને લક્ઝરીઅસ એપાર્ટમેન્ટ્સનો સમાવેશ થતો હતો. એ બધાની કિંમત કરોડોમાં હતી.