Get The App

એપસ્ટિન તેના સ્પર્મથી 'સુપર રેસ' સર્જવા માંગતો હતો, ન્યૂ મેક્સિકોના 'બેબી રાન્ચ'ની સનસનીખેજ હકીકત

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
epstein-new-mexico-ranch-genetic-plans


(IMAGE - IANS)

Epstein New Mexico Ranch Genetic Plans: જેફરી એપસ્ટિનના મૃત્યુ પછી વર્ષો બાદ બહાર આવેલા લાખો દસ્તાવેજોમાંથી રોજે રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. આ દસ્તાવેજોમાં એપસ્ટિનના વિચારો અને યોજનાઓ વિશે બીજી એક સનસનીખેજ માહિતી મળી છે. એવા પુરાવા મળ્યા છે કે, ન્યૂ મેક્સિકોમાં આવેલું તેનું વિશાળ ઝોરો રાન્ચ પણ શોષણનો અડ્ડો જ હતું. આ રાન્ચમાં તેણે પોતાના સ્પર્મ (શુક્રાણુ)થી સુપર રેસ એટલે કે અત્યંત સક્ષમ માણસોને જન્મ આપવાની યોજના ઘડી હતી. ચાલો, આ વિશે વિગતવાર વાત કરીએ.  

એપસ્ટિનને તેના શુક્રાણુઓમાંથી 'સુપર રેસ' સર્જવી હતી  

આ દસ્તાવેજો પ્રમાણે, એપસ્ટિને નજીકના સાથીદારો સાથેની ચર્ચામાં કહ્યું હતું કે, હું મારા શુક્રાણુઓથી મહિલાઓને ગર્ભવતી કરીને 'સુપર રેસ' ઊભી કરવા માંગું છું. 'સુપર રેસ' એટલે એવી માનવ જાત જે જિનેટિકલી વધુ બુદ્ધિશાળી, તંદુરસ્ત, શક્તિશાળી અને ચઢિયાતી હોય. તેની આ યોજનાને કેટલાક લોકોએ 'બેબી રાન્ચ યોજના' તરીકે ઓળખાવે છે. આ યોજના વાસ્તવમાં અમલમાં મૂકાઈ હતી કે કેમ તેના કોઈ પુરાવા નથી, પરંતુ એપસ્ટિનની ચર્ચાઓથી સ્પષ્ટ થાય છે કે તે માનવ પ્રજનન અને જૈવિક નિયંત્રણ અંગે અસામાન્ય અને વિવાદાસ્પદ વિચારો ધરાવતો હતો.

અનેક છોકરીઓના શોષણનું સાક્ષી 'ઝોરો રાન્ચ'

ન્યૂ મેક્સિકોમાં આવેલા વિશાળ 'ઝોરો રાન્ચ'માં અનેક છોકરીઓ શોષણ અને દુર્વ્યવહારનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. કોર્ટ જુબાનીઓ અનુસાર, કેટલીક મહિલાઓએ કિશોરાવસ્થામાં એ રાન્ચમાં દુર્વ્યવહારનો સામનો કર્યો હતો. ટૂંકમાં, 'એપસ્ટિન આઇલેન્ડ' તરીકે ઓળખાતા 'લિટલ સેન્ટ જેમ્સ' ટાપુ અને 'ઝોરો રાન્ચ' જેવા સ્થળો પણ હતા, જ્યાં એપસ્ટિને કુકર્મો  કર્યા હતા. હજુ આવા બીજા સ્થળોના નામ ખુલે તો નવાઈ પામવા જેવું નથી. 

આ પણ વાંચો: દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો

એપસ્ટિનને ટ્રાન્સહ્યુમેનિઝમ પ્રત્યે આકર્ષણ હતું? 

એપસ્ટિનના 'સુપર રેસ' બનાવવાના વિચારો પાછળ તેનું 'ટ્રાન્સહ્યુમેનિઝમ' પ્રત્યેનું આકર્ષણ હોવાનું કહેવાય છે. ટ્રાન્સહ્યુમેનિઝમ એટલે ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા માનવ ક્ષમતા વધારવાનો વિચાર. તેના કેટલાક જાણીતા ઉદાહરણો જોઈએ.

- બાયોનિક અંગો(Bionic limbs): કૃત્રિમ હાથ-પગ, જે નર્વસ સિસ્ટમ સાથે જોડાઈને કુદરતી અંગ જેવી કાર્યક્ષમતા આપે છે. ઉદાહરણઃ ફિલ્મ RoboCopમાં એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા પછી તેના શરીરને સાયબોર્ગ ટેકનોલોજીથી ફરી બનાવાય છે. 

- બ્રેઇન-કમ્પ્યુટર ઈન્ટરફેસ(BCI): મગજને સીધું કમ્પ્યુટર અથવા ચિપ સાથે જોડીને સ્મૃતિ, સંચાર અથવા નિયંત્રણ ક્ષમતા વધારવાનો પ્રયાસ. ઉદાહરણઃ Neuralink પ્રોજેક્ટ.

- જિન એડિટિંગ(CRISPR): જિનેટિકલ ફેરફાર કરીને રોગો દૂર કરવું અથવા શારીરિક ક્ષમતા સુધારવી.

- એન્ટિ એજિંગ ટેકનોલોજી: વૃદ્ધાવસ્થાને ધીમી કરવાની અથવા આયુષ્ય વધારવાની વૈજ્ઞાનિક પદ્ધતિ.

- એક્સોસ્કેલેટન સુટ(Exoskeleton): પહેરવા યોગ્ય રોબોટિક સુટ, જે માણસની શક્તિ અને ચાલવાની ક્ષમતા વધારી શકે. ઉદાહરણઃ માર્વેલ ફિલ્મોમાં ટોની સ્ટાર્કનું પાત્ર.

આ બધા પ્રયાસોનો મુખ્ય હેતુ માનવ શરીર અને મગજની કુદરતી મર્યાદાઓને ટેકનોલોજી દ્વારા આગળ વધારવાનો છે. પરંતુ ટીકાકારો માને છે કે આ વિચારધારાનો અતિરેક ક્યારેક 'યુજેનિક્સ' જેવી વિવાદિત માન્યતા તરફ દોરી શકે છે, જેમાં 'શ્રેષ્ઠ' માનવ જાત બનાવવાની કલ્પનાઓ જોડાયેલી હોય છે.

યુજેનિક્સ એટલે શું?

'યુજેનિક્સ'(Eugenics) એ એવી વિચારધારા છે. તેમાં એવું માનવામાં આવે છે કે માનવ જાતને 'વધારે ઉત્તમ' બનાવવા માટે પસંદગીયુક્ત પ્રજનન(selective breeding) અથવા જનીનને લગતું(genetic) નિયંત્રણ કરવું જોઈએ. એટલે કે, 'સારા' ગુણો ધરાવતા લોકો વધુ સંતાન પેદા કરે અને 'અનિચ્છનીય' ગુણો ધરાવતા લોકોના પ્રજનનને મર્યાદિત કરવામાં આવે. 

આ પણ વાંચો: ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો

યુજેનિક્સના વરવા ઉદાહરણો

ઈતિહાસમાં યુજેનિક્સનો વિચાર ખૂબ વિવાદાસ્પદ રહ્યો છે, કારણ કે કેટલાક દેશોમાં તેના આધારે બળજબરીથી સ્ટેરિલાઇઝેશન (વંધ્યીકરણ એટલે કે વ્યક્તિની સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા કાયમી રીતે બંધ કરી દેતી તબીબી પ્રક્રિયા), ભેદભાવ અને માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘન થયા હતા. અમુક ઉદાહરણો જોઈએ તો. 

- નાઝી જર્મનીઃ હિટલરના શાસનમાં 'શ્રેષ્ઠ જાત' બનાવવાના નામે યુજેનિક્સની નીતિ અમલી કરાઈ હતી. લાખો લોકો પર બળજબરીથી સ્ટેરિલાઇઝેશન કરાયું. યહૂદી, અપંગ અને અન્ય સમુદાયો પર થયેલો હત્યાકાંડ પણ આ વિચારધારાથી પ્રેરિત હતો.

- અમેરિકાઃ 1900ના દાયકાની શરૂઆતમાં અમેરિકાના ઘણાં રાજ્યોમાં બળજબરીથી સ્ટેરિલાઇઝેશન કાયદા અમલી કરાયા. 'માનસિક રીતે અયોગ્ય' અથવા 'અનફિટ' મનાતા હજારો લોકો પર સંતાન પેદા ના કરી શકે તેવી સર્જરી કરી દેવાઈ. 

- સ્કેન્ડિનેવિયન દેશોઃ સ્વીડન, નૉર્વે અને ડેનમાર્કમાં પણ 20મી સદીમાં સ્ટેરિલાઇઝેશન પ્રોગ્રામ ચલાવાયા. ખાસ કરીને સ્વીડનમાં હજારો મહિલાઓ પર બળજબરીથી સ્ટેરિલાઇઝેશન કરાયું હતું. 

- જાપાનઃ બીજા વિશ્વયુદ્ધ પછી કેટલાક સમય સુધી જાપાનમાં પણ 'યુજેનિક પ્રોટેક્શન કાયદા' હેઠળ સ્ટેરિલાઇઝેશનના કેસ નોંધાયા હતા. માનવ અધિકારોના ઉલ્લંઘનને કારણે આજના સમયમાં યુજેનિક્સ નૈતિક દૃષ્ટિએ સદંતર અસ્વીકૃત છે. જો કે, એવું કહેવાય છે કે એપસ્ટિનને એ દિશામાં આગળ વધવામાં છોછ નહોતો.

શૈક્ષણિક અને વૈજ્ઞાનિક વર્તુળોમાં પ્રભાવ વધારવાનો પ્રયાસ

એપસ્ટિને શૈક્ષણિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પ્રભાવ વધારવાના પ્રયાસ કર્યા હતા. તેણે સંશોધન પ્રોજેક્ટો, પરિષદો અને કાર્યક્રમોને નાણાકીય સહાય આપી હતી, તેમજ જાણીતા વિજ્ઞાનીઓ અને વિચારકો સાથે સંપર્ક સ્થાપ્યો હતો. આર્થિક સહાય કરીને અને ભવ્ય કાર્યક્રમો યોજીને તેણે પોતાને વૈજ્ઞાનિક પ્રગતિના સમર્થક તરીકે રજૂ કર્યો હતો. એના મૃત્યુ પછી કેટલાક સંશોધકોએ સ્વીકાર્યું હતું કે તેમના સંશોધન પ્રોજેક્ટ્સ માટે એપસ્ટિનની નાણાકીય સહાય સ્વીકારી હોવાને કારણે તેઓ એપસ્ટિનના ભૂતકાળ વિશે ખુલીને નહોતા બોલી શક્યા.

પ્રજનન અને વસ્તી વિશે એપસ્ટિનના વિવાદાસ્પદ વિચારો

કેટલાક લોકોના મતે, એપસ્ટિન ઘણીવાર વસ્તી વૃદ્ધિ અને માનવ પ્રજનન અંગે ચર્ચા કરતો અને ક્યારેક ગરીબ દેશોમાં થતાં વસ્તી વધારા બાબતે વિવાદાસ્પદ દલીલો કરતો. તેની વાતો સાંભળનારા કેટલાક લોકોએ કહ્યું છે કે, એપસ્ટિન માનવ જીવનને માત્ર આંકડાકીય રીતે જોવાનો દૃષ્ટિકોણ રાખતો હતો. આ બાબત ઘણાને અસ્વસ્થ કરી દેતી.

આ પણ વાંચો: ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?

એપસ્ટિને પોતાના મૃત શરીરને ક્રાયોનિક્સ પદ્ધતિથી સાચવવું હતું 

એપસ્ટિનને ક્રાયોનિક્સમાં પણ રસ હતો. ક્રાયોનિક્સ એટલે મૃત્યુ પછી માનવ શરીર અથવા મગજને ખૂબ નીચા તાપમાને(ફ્રીઝ કરીને) સાચવી રાખવાની પ્રક્રિયા, જેથી ભવિષ્યમાં ટેકનોલોજી વિકસે ત્યારે તેને ફરી જીવંત બનાવવાની સંભાવના રહે. એપસ્ટિન પોતાના મૃત શરીરને ક્રાયોનિક્સ પદ્ધતિ દ્વારા સાચવી રાખવા માંગતો હતો. આ વાત તેની ટેકનોલોજી આધારિત અતિભવિષ્યવાદી કલ્પનાઓનો અંદાજ આપે છે.

વણઉકેલ્યા પ્રશ્નો અનેક! 

એપસ્ટિનના વિચારો અને માનસિકતા તેના વ્યક્તિત્વ વિશે ઘણું જણાવી દે છે. તેની કેટલીક કલ્પનાઓ માત્ર વ્યક્તિગત વિવાદોથી આગળ જઈને માનવ પ્રજનન, વૈજ્ઞાનિક પ્રભાવ અને સત્તાના ઉપયોગ વિશે ગંભીર નૈતિક પ્રશ્નો ઊભા કરે છે. તેના 'બેબી રાન્ચ' વિશે બહાર આવી રહેલી વિગતો વૈશ્વિક સ્તરે ચર્ચા અને તપાસનો વિષય બની રહી છે.

એપસ્ટિન તેના સ્પર્મથી 'સુપર રેસ' સર્જવા માંગતો હતો, ન્યૂ મેક્સિકોના 'બેબી રાન્ચ'ની સનસનીખેજ હકીકત 2 - image