ભારત-પાક. વચ્ચે કોઈ દખલ નહીં કરીએ, અમે તેમને કંટ્રોલ નથી કરતા : જેડી વેન્સ
- પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે : અમેરિકન વિદેશ વિભાગ
- સિંધુ જળ કરાર બે દેશો વચ્ચે થયો, અમારી ભૂમિકા માત્ર મધ્યસ્થી સિવાય કોઈ નથી : વિશ્વ બેન્કની સ્પષ્ટતા
- પહલગામમાં આતંકી હિંસા 'ગેરકાયદે અને અસ્વીકૃત', પાકિસ્તાન વૈશ્વિક શાંતિ માટે જોખમી : અમેરિકન વિદેશ વિભાગ
વોશિંગ્ટન : ભારતના ઓપરેશન સિંદૂરથી રઘવાયું બનેલું પાકિસ્તાન સતત ભારત પર હુમલાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ તેણે ભારે પછડાટનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેણે મદદ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ લંબાવ્યો છે, પરંતુ દુનિયાએ પણ પાકિસ્તાન સામેથી મોં ફેરવી લીધું છે. પાકિસ્તાને અમેરિકા સમક્ષ મદદની હાકલ કરી તો અમેરિકાએ ઉલટાનું તેને આતંકીઓનું સમર્થક ગણાવ્યું અને કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની બાબતમાં અમેરિકા દખલ નહીં કરે. એ જ રીતે સિંધુ નદી કરાર મુદ્દે વિશ્વ બેન્કે પણ પાકિસ્તાનને ફટકો પહોંચાડતા કહ્યું છે કે આ કરારમાં દ્વિપક્ષીય મુદ્દે મધ્યસ્થી સિવાય તેની કોઈ ભૂમિકા નથી.
ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાને આ બાબતમાં દખલ કરવા અમેરિકા સમક્ષ માગ કરી હતી ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ અંગે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિમાં અમેરિકા કોઈ દખલ નહીં કરે. આ અમેરિકાનું કામ નથી. અમે બંને પક્ષોને તણાવ ઘટાડવા માટે પ્રોત્સાહન આપી શકીએ છીએ. પરંતુ અમે યુદ્ધની વચ્ચે તેમાં જોડાઈ શકીએ નહીં, કારણ કે આ અમારું કામ નથી અને અમે તેને કંટ્રોલ નથી કરી શકતા.
જેડી વેન્સે ઉમેર્યું કે, અમેરિકા ભારતીયો કે પાકિસ્તાનીઓને હથિયાર નાંખવાનું કહી શકે નહીં. અમે રાજદ્વારી માધ્યમથી તેનો ઉકેલ લાવી શકીએ છીએ. અમને આશા છે કે વર્તમાન સ્થિતિ કોઈપણ પ્રકારના વ્યાપક પ્રાદેશિક યુદ્ધ અથવા પરમાણુ યુદ્ધમાં બદલાશે નહીં. જોકે, અમને નથી લાગતું કે એવું કંઈક થશે.
અમેરિકન વિદેશ વિભાગે પાકિસ્તાનને મદદ કરવાના બદલે ઉલટાની તેની ઝાટકણી કાઢી હતી. અમેરિકન વિદેશ વિભાગે પાકિસ્તાન પર આતંકી સંગઠનોને સમર્થન આપવાનો આરોપ મૂક્યો હતો અને સ્પષ્ટ કર્યું કે, તેઓ લાંબા સમયથી આ મુદ્દા પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું આવ્યું છે. વિદેશ વિભાગે કાશ્મીરના પહલગામમાં થયેલી આતંકી હિંસાને 'ગેરકાયદે અને અસ્વીકૃત' ગણાવી હતી અને કહ્યું કે વૈશ્વિક શાંતિ માટે તે જોખમી છે. અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બૂ્રસે કહ્યું કે, પાકિસ્તાન આતંકી જૂથોને સમર્થન આપે છે. આ કોઈ નવી વાત નથી. અમે દાયકાઓથી આ મુદ્દો ઉઠાવતા આવ્યા છીએ.
દરમિયાન ભારતે સિંધુ નદીનું જળ બંધ કરી દીધા પછી પાકિસ્તાનને વિશ્વ બેન્કમાંથી પણ મોટો ફટકો પડયો છે. પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેનો સિંધુ જળ કરાર રદ કર્યો ત્યારે પાકિસ્તાની નિષ્ણાતો કહેતા હતા કે ભારત એકતરફી રીતે કરાર રદ કરી શકે નહીં. પરંતુ હવે વિશ્વ બેન્કે પણ સ્પષ્ટ કરી દીધું છે કે સિંધુ જળ કરારનું પાલન કરવા તે ભારતને મજબૂત કરી શકે નહીં. વિશ્વ બેન્કના અધ્યક્ષ અજય બંગાએ કહ્યું કે, આ કરારમાં વિશ્વ બેન્કની ભૂમિકા માત્ર દ્વિપક્ષીય મુદ્દામાં મધ્યસ્થતાની છે. આ સિવાય વિશ્વ બેન્ક તેમાં કશું કરી શકે તેમ નથી.
વિશ્વ બેન્કના અધ્યક્ષ અજય બાંગાએ કહ્યું કે, સિંધુ જળ કરાર બે દેશ વચ્ચે છે અને તેઓ અસહમત થાય તો વિશ્વ બેન્કની ભૂમિકા વિવાદનો ઉકેલ લાવવા માટે એક તટસ્થ નિષ્ણાત અથવા મધ્યસ્થની વ્યવસ્થા કરવા માત્રની છે. અમારે નિષ્ણાતો અથવા મધ્યસ્થોની ફી એક ટ્રસ્ટ ફંડમાંથી આપવાની છે, જે સંધી સમયે વિશ્વ બેન્કે બનાવ્યું હતું. અમારી ભૂમિકા આનાથી વિશેષ કોઈ નથી.