ટ્રમ્પની બગડતી તબિયત અંગે પ્રવર્તતી ચિંતા વચ્ચે ઉપપ્રમુખ વાન્સે કહ્યું : 'હું પ્રમુખ તરીકે સેવા આપવા તૈયાર છું'

- 79 વર્ષના પ્રમુખ ટ્રમ્પે 78માં વર્ષે પ્રમુખ પદના શપથ લેનાર સૌથી વૃદ્ધ પ્રમુખ
- 41 વર્ષના ઉપપ્રમુખે કહ્યું : 'પ્રમુખ ટ્રમ્પની તંદુરસ્તી ઘણી જ સારી છે તેઓ અખૂટ શક્તિ પણ ધરાવે છે તેથી ચિંતા કરવાની જરૂર નથી'
વૉશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પની તબિયત અંગે ચિંતા પ્રવર્તી રહી છે. તેઓના ડેપ્યુટી જેડી વાન્સે ગુરૂવારે (સ્થાનિક સમય પ્રમાણે) કહ્યું : 'આમ છતાં કરૂણ ઘટના બને તો હું પ્રમુખ તરીકે સેવા આપવા તૈયાર છું'.
ઉલ્લેખનીય છે કે ૭૯ વર્ષના પ્રમુખ ટ્રમ્પે તેઓનાં ૭૮માં વર્ષે પ્રમુખપદના શપથ લીધા ત્યારે તેઓ પ્રમુખ તરીકેના શપથ લેનારા સૌથી વૃદ્ધ પ્રમુખ બની રહ્યા હતા.
ઉપપ્રમુખ જે.ડી.વાન્સે ટ્રમ્પની તબિયત અંગે યુ.એસ.એ ટુડેને આપેલી મુલાકાતમાં કહ્યું ભગવાન ન કરે પરંતુ જો ગંભીર કરૂણ ઘટના (ટ્રમ્પનું મૃત્યુ) બને તો બાકીના સમય પૂરતો હું પ્રમુખ તરીકે અમેરિકાને સેવા આપવા તૈયાર છું. આ સાથે વાન્સે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે અમેરિકાના પ્રમુખની તંદુરસ્તી હજી ઘણી સારી છે.
જે.ડી.વાન્સ અમેરિકાના ઇતિહાસમાં ઉપપ્રમુખપદે આવનારા ત્રીજા સૌથી યુવાન નેતા છે. ૨૦૨૪માં પ્રમુખ પદની ચૂંટણી માટેની ઝૂંબેશ દરમિયાન વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તે સમયના પ્રમુખ જો બાયડેન ઉપર તેઓની તંદુરસ્તી અંગે ઘણા પ્રહારો કર્યા હતા. તેઓએ બાયડેનને સ્વીપીંગ જો પણ કહ્યા હતા.
આ પૂર્વે ટ્રમ્પે કહ્યું હતું કે વાસ્તવમાં ૨૦૨૮ની ચૂંટણીમાં ઉભા રહેવાની મારી ઇચ્છા છે. પરંતુ સંવિધાનના નિયમ અને કાનૂન પ્રમાણે કદાચ તે બની ન શકે તો જે.ડી.વાન્સ જ મારા સ્થાને આવી શકે.
પત્રકારોએ જ્યારે ટ્રમ્પને તેઓની મેઇક અમેરિકા ગ્રેટ આંદોલનના પ્રારંભ સમયે તેમના ઉત્તરાધિકારી વિષે પૂછવામાં આવ્યું ત્યારે જે.ડી.વાન્સનું નામ સૂચવતાં તેમણે કહ્યું મારા પછી (પ્રમુખ પદ માટે) તેઓ (વાન્સ) સૌથી વધુ યોગ્ય વ્યક્તિ છે. વાન્સે તેમ પણ કહ્યું હતું કે તેમની તંદુરસ્તી ઘણી સારી છે અખૂટ શક્તિ પણ ધરાવે છે.









