'ઈરાનમાં મિશન લગભગ પૂરું...' જેડી વેન્સનો દાવો, ટ્રમ્પનો ભાવિ પ્લાન પણ જણાવી દીધો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

J D Vence on Iran war : અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સે દાવો કર્યો છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. એક પોડકાસ્ટ દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિઝનને રજૂ કરતા વેન્સે જણાવ્યું હતું કે, અમેરિકાનો ઉદ્દેશ્ય આ યુદ્ધને લાંબુ ખેંચવાનો નથી, પરંતુ નિર્ધારિત સૈન્ય લક્ષ્યોને પૂર્ણ કરીને વહેલી તકે ઈરાનમાંથી બહાર નીકળવાનો છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે ઈરાનમાં તેમના મિશનનો મોટો હિસ્સો લગભગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યો છે.
બે કારણોસર અમેરિકાની સેના મિડલ ઈસ્ટમાં હાજર
વેન્સે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકન સેના અત્યારે ઈરાનમાં મુખ્યત્વે બે કારણોસર હાજર છે: પ્રથમ, ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવો અને બીજું, ભવિષ્યમાં ફરીથી આવી સ્થિતિ ન સર્જાય તે સુનિશ્ચિત કરવું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈરાન પરમાણુ હથિયારો બનાવીને જે ધમકી આપી રહ્યું છે, તેને લાંબા સમય સુધી બેઅસર કરવી એ જ આ ઓપરેશનનો પાયાનો હેતુ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અત્યારે માત્ર એટલા માટે જ જંગ ચાલુ રાખી રહ્યા છે કે એકવાર અમેરિકી સેના ત્યાંથી નીકળે, પછી લાંબા સમય સુધી ફરીથી આવી કાર્યવાહી કરવાની જરૂર ન પડે.
વિશ્વને આપ્યું આશ્વાસન
વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને મોંઘવારી અંગે વેન્સે અમેરિકી જનતા અને વિશ્વને આશ્વાસન આપ્યું છે. તેમણે ગેસ અને તેલની વધતી કિંમતોને 'કામચલાઉ' ગણાવી હતી. વેન્સના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં તણાવને કારણે કિંમતોમાં ઉછાળો આવ્યો છે, પરંતુ જેવું અમેરિકાનું કામ પૂરું થશે અને સેના પરત ફરશે, કે તરત જ કિંમતો ફરીથી નીચે આવી જશે. અમેરિકાનો ઈરાનમાં લાંબો સમય રોકાવાનો કોઈ ઈરાદો નથી અને સૈન્ય ઉદ્દેશ્યો પૂરા થતા જ ગેસના ભાવ સામાન્ય થઈ જશે.









