લગ્ન કરતા પહેલા જાપાનના યુવકોની બાળક ઉછેરવાની તાલીમ,અનોખી ઇકુમેન પરંપરા

ટોકયો,8 જુલાઇ,2025,મંગળવાર
જાપાન વિશિષ્ટ પ્રકારની સામાજિક વ્યવસ્થા ધરાવતો દેશ છે. યુવક યુવતીઓ લગ્નથી દૂર ભાગી રહયા છે અથવા તો ખૂબ રાહ જોયા પછી ખૂબ મોટી ઉંમરે લગ્ન કરે છે. ખાસ કરીને યુવતીઓમાં અપરણીત રહેવાનું પ્રમાણ વધારે જોવા મળે છે.૧૯૭૦ પછી જાપાનમાં લગ્નની સરેરાશ ઉંમર ઘણી વધી છે. ૧૯૭૦માં ૫૦ વર્ષની ઉંમર સુધી લગ્ન નહી કરનારા લોકોનું પ્રમાણ ૫ ટકા હતું. જે હાલમાં ૧૮ ટકા જેટલું છે.જાપાનમાં યુવતીઓ પહેલાની સરખામણીમાં સ્ટડી,કરિયર અને નોકરી વ્યવસાય પર વધારે ભાર મુકવા લાગી છે.
સંતાન હોય અને ઘર બાળકથી ગુંજતું હોય એવું તો ઇચ્છે છે પરંતુ આર્થિક સુરક્ષાને વિશેષ પ્રધાન્ય આપે છે. મોટા ભાગના યુવકો પાસે આર્થિક સુરક્ષા અને સ્થાયી નોકરીઓ ઓછી છે. આથી લગ્ન પછી જીવનમાં આવનારા ફેરફારો અને પારીવારિક જવાબદારીઓમાંથી દૂર ભાગી રહયા છે. આના પરીણામ સ્વરુપ ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરના અપરણીતોની સંખ્યા વધતી જાય છે. જાપાન દુનિયાનો એક માત્ર એવો દેશ છે જયાં વૃધ્ધોની સરેરાશ જનસંખ્યા દુનિયાના કોઇ પણ દેશ કરતા વધારે છે. જે યુવકો લગ્ન ઇચ્છૂક હોય છે તેમને યોગ્ય પાત્ર શોધવામાં ખૂબ રાહ જોવી પડે છે.

જાપાની યુવકો જીવનસાથીની શોધમાં પોતાની તકો વધારવા માટે બાળ ઉછેરની તાલીમ લઇ રહયા છે. આ એવો કોર્ષ જેમાં નાના બાળકને કેવી રીતે રમાડવું, નવડાવવું અને પહેરવાનું વગેરે શીખવામાં આવે છે. આ પ્રકારના કોર્ષ બાળકોના ઉછેરને મહિલાઓના પરિપેક્ષ્યમાં સમજવામાં મદદ મળે છે. આ અનોખી પરંપરાને ઇકુમેન કહેવામાં આવે છે.
બાળકની મનોસ્થિતિ, તે રળતું હોય ત્યારે શું કરવાનું, ડાઇપર કેવી રીતે બદલવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ૨૦૧૭માં ઓસાકા યુનિવર્સિટીએ પ્રથમવાર પુરુષના શરીર પર ૭ કિલો વજન ધરાવતું પ્રેગનન્સી જેકેટ પહેરાવીને મહિલા પ્રેગનન્ટ હોય ત્યારે કેવી સ્થિતિમાં હોય છે તેનો કોર્ષના ભાગરુપે સમજાવવામાં આવે છે. સંભવિત જીવનસાથી સાથે બાળકના ઉછેર બાબતે કેવી રીતે વાતચિત કરવી અને જીવનને બહેતર બનાવવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

લગ્ન માટે ઇકુમન કોર્ષ લાયકાત બની જાય છે
નવજાત બાળકોના પુતળા તૈયાર કરીને પ્રેકિટકલ સમજ પણ આપવામાં આવે છે. આમ તો પોતાના સંતાનની કાળજી રાખવાની જવાબદારી પતિ પત્ની બંનેની છે. એમાં ભાગે પડતી જવાબદારી ઉઠાવવાની હોય છે. મહિલાઓના કામકાજમાં પુરુષો મદદ કરે તે આવકારદાયક બાબત છે પરંતુ બાળ ઉછેરની કુશળતા માટેના સર્ટિફિકેટ કોર્ષ નવાઇ પમાડે છે.
સામાન્ય રીતે ઘરકામ અને બાળકોનો ઉછેર જેવા કામો મહિલાઓ જ કરે છે પરંતુ બદલાતા સમયમાં લગ્નના માર્કેટમાં સર્ટિફાઇડ મુરતિયાની માંગ વધી જાય છે. આવા યુવકોને લગ્ન માટે વધુ લાયક સમજવામાં આવે છે. લગ્ન માટેની વિજ્ઞાાપનોમાં ખાસ કરીને અખબાર અને પત્રિકાઓમાં પણ લગ્ન ઇચ્છૂક પુરુષો પરંપરાગત ઇકુમન કોર્ષનો ખાસ ઉલ્લેખ કરે છે. લગ્ન પછી માત્ર પરીવાર જ નહી મૂરતીયો બાળકો સંભાળમાં પણ ચેમ્પીયન છે તે લગ્ન માટેની વિશેષ લાયકાત બની જાય છે.








