જાપાનને સૌથી પહેલાં મહિલા વડા પ્રધાન મળશે, સત્તાધારી પાર્ટીએ સાને તાકાઈચીનાં નામ પર મહોર મારી

- નવાં વડાપ્રધાન સમક્ષ તાત્કાલિક પડકાર તો ટ્રમ્પ સાથેની શિખર મંત્રણાનો હશે : જેમાં સંરક્ષણ ખર્ચ વધારવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા થશે
ટોક્યો : જાપાનની સત્તાધારી પાર્ટી, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલ.ડી.પી.) એ શનિવારે તેના નવા નેતા તરીકે પૂર્વ આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચીને ચૂંટી કાઢ્યાં છે. તેઓએ પાર્ટીનાં આંતરિક મતદાનમાં કૃષિ મંત્રી શિંજીરો કોઈજુમીને તીવ્ર રસાકસીમાં પરાજિત કર્યા હતા. આથી સામે તકાઈચી દેશનાં સૌથી પહેલાં મહિલા વડાપ્રધાન બની રહેશે. આગામી સપ્તાહે સંસદમાં થનારાં મતદાનમાં એલ ડીમી કોમેઇનો ગઠ બંધનને લીધે તેઓની નિયુક્તિ નિશ્ચિત મનાય છે.
પક્ષનાં આંતરિક મતદાનના પહેલા દોરમાં જ તાકાઈચીને ૧૮૩ અને કોઇજુમીને ૧૬૪ મત મળ્યા હતા. પરંતુ કોઇને સ્પષ્ટ બહુમતિ મળી ન હતી. તે પછી તુર્ત જ બીજા દોરનો રન ઓફ હાથ ધરાયો તેમાં તાકાઇચી વિજયી થયાં.
ઉલ્લેખનીય છે તાકાઇચીની પાર્ટી અલ્ટ્રા રૂઢીવાદી પાર્ટી છે. તે મધ્ય ઓક્ટો.માં થનારાં મતદાનમાં પણ બહુમત પ્રાપ્ત કરી લે તો જાપાનનાં સૌથી પહેલા મહિલા વડાપ્રધાન તરીકે સાને તાકાઈચીનું નામ અંકિત થઇ જશે. તેટલું જ નહીં પરંતુ તેવો જાપાનના ઇતિહાસનાં સૌથી યુવાન વડાપ્રધાન બની રહેશે.
તાકાઈચી સમક્ષ દેશમાં બેકાબુ બની રહેલો મોંઘવારી, બેકારી, વેતનવૃદ્ધિ, સંરક્ષણ અને અર્થતંત્ર મજબૂત કરવાના પડાકરો છે. ઉપરાંત વિદેશી શ્રમિકો ઉપર સખ્ત નિયંત્રણ મુકવાનો પડકાર છે.
નવા વડાપ્રધાન સમક્ષ તાત્કાલિક પડકાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતનો છે. શિખર મંત્રણામાં ટ્રમ્પ તેઓને સંરક્ષણ ખર્ચ વધારવા દબાણ કરશે જ તે નિશ્ચિત મનાય છે. તેઓની ટ્રમ્પ સાથેની મુલાકાત દક્ષિણ કોરિયામાં ઓક્ટોબરના અંતમાં મળનારી એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશનની શિખર પરિષદ પૂર્વે યોજાવા સંભવ છે.








