જાપાન 10 વર્ષમાં ભારતમાં 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
- ભારત અને જાપાન વચ્ચે 13 કરાર સાથે દાયકાનો રોડમેપ તૈયાર
- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે દેશભરમાં 7,000 કિ.મી.નું હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક તૈયાર કરવાનું લક્ષ્ય : મોદી
- આગામી પાંચ વર્ષમાં ભારતના 50,000 કુશળ-અર્ધ કુશળ કામદારોને જાપાન રોજગારી પૂરી પાડશે
ટોકિયો : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાના બે મોટા અર્થતંત્રો જાપાન અને ચીનના પ્રવાસના ભાગરૂપે શુક્રવારે ટોકિઓ પહોંચ્યા હતા. પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે ૧૫મા શિખર મંત્રણા કરી હતી. આ બેઠકમાં બંને દેશોએ તેમના અર્થતંત્રોને પ્રોત્સાહન આપવા માટે આગામી ૧૦ વર્ષ માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કરારના ભાગરૂપે સંરક્ષણ સહિત ૧૩ સમજૂતી કરાર કર્યા હતા. આ કરારના ભાગરૂપે જાપાન આગામી દાયકામાં ભારતમાં ૧૦ ટ્રિલિયન યેન (અંદાજે રૂ. ૬ લાખ કરોડ)નું રોકાણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી શુક્રવારે જાપાનના પ્રવાસે ટોકિયો પહોંચ્યા હતા. પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા વચ્ચે શુક્રવારે ૧૫મી શિખર મંત્રણા થઈ હતી. આ બેઠકનો આશય ભારત અને જાપાન વચ્ચે વેપાર, રોકાણ અને ઊભરતી ટેક્નોલોજીના ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાનો હતો.
આ શિખર સંમેલનમાં બંને દેશો વચ્ચે ૧૩ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં આર્થિક સુરક્ષા, સ્વચ્છ ઊર્જા, ટેલિકોમ, દવાઓ, મહત્વના ખનીજો અને નવી તથા ઊભરતી ટેક્નોલોજી સહિત કેટલીક પરિવર્તનકારી પહેલોનો સમાવેશ કરાયો છે. વડાપ્રધાન મોદી અને પીએમ ઈશિબાએ આ સમજૂતીઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
શિખર મંત્રણા પછી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મદોીએ જણાવ્યું કે, આજે અમારી ચર્ચાઓ ઉપયોગી અને ઉદ્દેશ્યપૂર્ણ રહી. દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્રો અને જીવંત લોકતંત્રો તરીકે આપણી ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જરૂરી છે. મજબૂત લોકતંત્ર સારી દુનિયાના નિર્માણમાં સ્વાભાવિક ભાગીદાર હોય છે. આજે અમે પોતાની વિશેષ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીમાં નવા અધ્યાયનો પાયો નાંખ્યો છે. અમે આગામી દાયકાનો રોડમેપ તૈયાર કર્યો છે. અમારા વિઝનમાં રોકાણ, ઈનોવેશન, આર્થિક સુરક્ષા, પર્યાવરણ, ટેક્નોલોજી, સ્વાસ્થ્ય, ગતિશિલતા અને લોકો વચ્ચે પારસ્પરિક આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમે આગામી ૧૦ વર્ષમાં જાપાનથી ભારતમાં ૧૦ ટ્રિલિયન યેન (અંદાજે રૂ. ૬ લાખ કરોડ)ના રોકાણનું લક્ષ્ય રાખ્યું છે.
ભારત અને જાપાનના લઘુ, મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સને જોડવા પર વિશેષ ભાર અપાશે. આ કરારના ભાગપરૂપે આગામી પાંચ વર્ષમાં જાપાન ભારતમાંથી ૫૦,૦૦૦ કુશળ અને અર્ધ-કુશળ કર્મચારીઓને રોજગારી પૂરી પાડશે જ્યારે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોડાણ કરશે.
તેમણે ઉમેર્યું કે, ભારત અને જાપાન વચ્ચે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેન મહત્વનો પ્રોજેક્ટ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સાથે દેશભરમાં ૭,૦૦૦ કિ.મી. લાંબુ હાઈસ્પીડ નેટવર્ક બનાવવાનું અમારું લક્ષ્ય છે.
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ ૬ વર્ષ પહેલાંના તેમના વારાણસી પ્રવાસને યાદ કર્યો હતો. તેમણે કહ્યું, મને ઓગસ્ટ ૨૦૧૯માં વારાણસીમાં જવાનું સૌભાગ્ય મળ્યું હતું. હું અનાદી કાળના ભારતીય ઈતિહાસને જોઈને અભિભૂત થયો હતો.