Get The App

જાપાનમાં ચોરી છુપીથી ફોટા પાડનારા કે વિડિયો રેકોર્ડ કરનારાઓથી મહિલાઓ પરેશાન, સરકારની આકરો કાયદો લાવવા તૈયારીઓ

Updated: May 3rd, 2023

GS TEAM

Google News
Google News
જાપાનમાં ચોરી છુપીથી ફોટા પાડનારા કે વિડિયો રેકોર્ડ કરનારાઓથી મહિલાઓ પરેશાન, સરકારની આકરો કાયદો લાવવા તૈયારીઓ 1 - image

નવી દિલ્હી,તા. 3 મે 2023,બુધવાર

જાપાનમાં સેક્સ ક્રાઈમને રોકવા માટે સરકાર વધારે આકરા કાયદા લાગુ કરી રહી છે. આ કાયદા હેઠળ ચોરી છૂપીથી કોઈ મહિલાની આપત્તિજનક તસવીરો ખેંચવા પર કે વિડિયો ઉતારવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. 

જાપાનની સંસદમાં આ બિલ લાવવા માટે સરકાર કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી મહિલાઓની ચોરી છુપીથી તસવીરો ખેંચનારા સામે હળવા કાયદા હેઠળ કાર્યવાહી થતી હતી પણ જાપાન સરકારે લોકોના વધતા જતા રોષને જોતા સેક્સ ક્રાઈમ સામેના કાયદા વધારે આકરા બનાવવાનુ નક્કી કર્યુ છે. નવુ બિલ પાસ થયુ તો બળાત્કારની વ્યાખ્યાનો દાયરો પણ વધી જશે. 

સરકાર જે બિલ લાવવા જઈ રહી છે તેના હેઠળ આવરી લેવાનારી હરકતોને ફોટો વોયેરિઝમ કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ચોરી છુપીથી કોઈ મહિલાની તસવીરો અથવા વિડિયો રેકોર્ડ કરે છે અને તેને યૌન શોષણ માટે કે એ પ્રકારની ગતિવિધિઓ માટે ઉપયોગમાં લે છે તો તેને ફોટો વોયેરિઝમ કહેવાય છે. જાપાનમાં ટુંકા કપડા પહેરતી મહિલાઓના ચોરી છુપીથી ફોટો ખેંચીને કે વિડિયો રેકોર્ડ કરીને અશ્લીલ સાઈટ્સ પર અપલોડ કરવાનુ ચલણ વધેલુ છે. જેને ધ્યાનમાં રાખીને જ નવો કાયદો લાવવા માટે તૈયારી ચાલી રહી છે. 

આ કાયદા હેઠળ સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થિનીઓના ચોરી છુપીથી ફોટો ખેંચવા પર, ડ્રેસિંગ રૂમ કે બેડરૂમમાં વસ્ત્રો બદલી રહેલી મહિલાઓનો વિડિયો રેકોર્ડ કરવા પર કે પબ્લિક ટોયલેટ અથવા તો સ્વિમિંગ પુલના ચેન્જિંગ રૂમમાં કેમેરા લગાવવા સામે તેમજ ઈન્ટરનેટ પર ફોટો કે વિડિયો પોસ્ટ કરવા પર બેન મુકવામાં આવશે અને આ તમામ કૃત્યોને કાનૂની અપરાધ માનવામાં આવશે. 

આ કાયદો લાગુ થશે તો આવા મામલાઓમાં કસૂરવારને ત્રણ વર્ષની સજા થશે અથવા તેને 22000 ડોલર સુધી દંડ ભરવો પડશે. નવો કાયદો બનાવવાનો પ્રસ્તાવ જૂન મહિનામાં સંસદમાં મુકાશે. 

જાપાનમાં 2021ના વર્ષમાં ચોરી છુપીથી મહિલાઓના ફોટો પાડવાના મામલામાં 5000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 2010ની સરખામણીમાં આવા ગુનેગારોની સંખ્યામાં 100 ટકાનો વધારો નોંધાયો હતો. 

જાપાનમાં એક રિપોર્ટ પ્રમાણે એરલાઈન કંપનીઓમાં ફરજ બજાવતી 10માંથી સાત એટેન્ડેન્ટના ચોરી છુપીથી ફોટા પાડવામાં આવે છે. 

જાપાનમાં પુરૂષોની આ પ્રકારની હરકતોને રોકવા માટે મોબાઈ બનાવતી કંપનીઓએ હવે ફોનમાં તસવીર લેતી વખતે ફોન સાયલન્ટ હોય તો પણ કેમેરા શટરનો અવાજ સંભળાય તે પ્રકાનરા ફીચર સામેલ કરવાનુ શરૂ કર્યુ છે. જેથી કેમેરા શટરનો અવાજ સાંભળીને મહિલાઓ સતર્ક રહે. 

ફોટો વોયેરિઝમ સામે દક્ષિણ કોરિયા, સિંગાપુર, બ્રિટન અને જર્મની જેવા દેશો પણ આકરી સજાની જોગવાઈ ધરાવતા કાયદા બનાવી ચુકયા છે. 

Tags :