Get The App

જાપાનમાં 6.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, સુનામીનું એલર્ટ, લોકોને દરિયાકિનારેથી દૂર રહેવાની સૂચના

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
જાપાનમાં 6.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, સુનામીનું એલર્ટ, લોકોને દરિયાકિનારેથી દૂર રહેવાની સૂચના 1 - image


Japan Earthquake: જાપાનના પૂર્વ કિનારા પર રવિવારે (નવમી નવેમ્બર)ના રોજ 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના પગલે જાપાન હવામાન એજન્સી (JMA) દ્વારા તાત્કાલિક સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઈવાતે પ્રાંતના યમાદા શહેરથી 126 કિલોમીટર પૂર્વમાં માત્ર 10 કિલોમીટરની છીછરી ઊંડાઈએ નોંધાયું હતું.

સુનામીની ચેતવણી અને અસર

અહેવાલો અનુસાર, સ્થાનિક સમય મુજબ સાંજે આશરે 5:03 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ઉત્તર પેસિફિક મહાસાગરમાં ઈવાતે પ્રાંત નજીક હતું. ભૂકંપ એટલો ભયંકર હતો કે આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર ધ્રુજારી અનુભવાઈ હતી. મિયાકો અને યમાડા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 1 મીટર ઊંચા મોજાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેના કારણે ચેતવણી જાહેર કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે જણાવાયું હતું. જો કે,સદનસીબે, તાત્કાલિક કોઈ મોટું નુકસાન થયું નથી. અત્યાર સુધીમાં કોઈ મૃત્યુ કે ઈજાના અહેવાલ મળ્યા નથી.

'રિંગ ઓફ ફાયર' ક્ષેત્રમાં સ્થિત જાપાન

જાપાન વિશ્વના સૌથી વધુ સક્રિય ભૂકંપીય ક્ષેત્રમાં સ્થિત છે, જેને 'રિંગ ઓફ ફાયર' તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં ભૂકંપ આવવા સામાન્ય છે. આ પ્રદેશમાં પેસિફિક પ્લેટ (ટેક્ટોનિક પ્લેટ) ઓખોત્સ્ક પ્લેટની નીચે ધસી રહી છે. પ્લેટો વચ્ચે અચાનક ઘર્ષણ થવાથી ઉર્જા મુક્ત થાય છે અને ભૂકંપ આવે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વિસ્તાર ખૂબ જ સક્રિય હોવાથી અહીં મોટા ભૂકંપનું જોખમ હંમેશા રહે છે. જોકે, ભૂકંપની ચોક્કસ તારીખ અને સમય નક્કી કરવો મુશ્કેલ છે. જાપાન જેવા દેશમાં, જ્યાં ભૂકંપની શક્યતા વધારે છે, ત્યાં સરકાર દ્વારા કરવામાં આવેલી ઉત્તમ પૂર્વ-તૈયારીઓ જાનમાલના નુકસાનને ન્યૂનતમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Tags :