જાપાન અને ભારત પ વર્ષમાં ૫ લાખ સ્કિલ્ડ લોકોનું આદાન પ્રદાન કરશે
જાપાન ભારતથી ૫૦ હજાર લોકો લાવવાનું યોજના બનાવી રહયું છે.
ચંદ્રના દક્ષિણ ધુ્વ ની આસપાસના ક્ષેત્રમાં સંશોધન માટે પણ સહમતિ થવાની શકયતા
ટોક્યો,૨૭ ઓગસ્ટ,૨૦૨૫,બુધવાર
જાપાનના વડાપ્રધાન ઇશિબા શિગેરુ અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી આગળના પાંચ વર્ષોમાં બંને દેશો વચ્ચે ૫ લાખથી વધુ લોકોના આદાન પ્રદાન સંબંધી સમજૂતી પર વિચાર કરી રહયા છે. જાપાનના સમાચારપત્ર એનએચકેના જણાવ્યા અનુસાર ઇશિબા અને મોદી શુક્રવારે જાપાનમાં વાતચીત કરશે જેમાંનો એક મુખ્ય વિષય લોકોના આદાન પ્રદાનને વધારવાનું રહેશે.
જાપાન ભારતથી ૫૦ હજાર લોકો લાવવાનું યોજના બનાવી રહયું છે. આ ઉચ્ચ કૌશલ કર્મીઓ ખાસ કરીને વિજ્ઞાન અને એન્જીનિયરિંગના ક્ષેત્રમાં જાપાનને આર્થિક વિકાસ અને ક્ષેત્રીય પુનરોધ્ધાર માટે મદદ કરશે. બંને નેતાઓ વચ્ચે ચંદ્રના દક્ષિણ ધુ્વ ની આસપાસના ક્ષેત્રમાં સંશોધન માટે પણ સહમતિ થવાની શકયતા છે. ચંદ્રના આ ભાગમાં પાણી હોવાનું માનવામાં આવે છે આથી આ સંશોધન ખૂબ જ મહત્વનું છે.
આ ઉપરાંત એઆઇના વિકાસ, હાઇડ્રોજન ઉર્જા ઉપયોગ, ચિકિત્સા સંશોધન ક્ષેત્રમાં પણ દ્વીપક્ષીય સહયોગની અપેક્ષા છે. આ ઉપરાંત ઇશિબા અને મોદી શનિવારે પૂર્વોત્તરી જાપાનના મિયાગિ પ્રીફેકચરનો પ્રવાસ કરશે અને સેમી કન્ડકટર નિર્માણ ઉપકરણ બનાવવાવાળી કંપનીના ઉત્પાદનનું નીરિક્ષણ કરશે. એવું માનવામાં આવે છે કે અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ અને આપૂર્તિ શૃખલા મજબૂત કરવા માટે નક્કર કામ માટેની શકયતાઓ ચકાસી શકે છે.