જાપાન એરલાઇન્સનું વિમાન દસ જ મિનિટમાં 26 હજાર ફૂટ નીચે આવી ગયું
- શાંઘાઇથી ટોક્યો જતા બોઇંગ વિમાન સાથે અકસ્માત થતાં રહી ગયો
- 36,000 ફૂટની ઉંચાઇ પર હતું ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતા સીધુ 10 હજાર ફૂટે પહોંચી ગયું, 191 મુસાફરોના જીવ જોખમાયા
ટોક્યો : ચીનના શાંઘાઇથી જાપાનની રાજધાની ટોક્યો તરફ જઇ રહેલી જાપાન એરલાઇન્સની ફ્લાઇટ બોઇંગ ૭૩૭માં ટેક્નીકલ ખામી સર્જાતા હવામાં ૩૬ હજાર ફૂટની ઉંચાઇથી ઉતરીને સીધુ ૧૦ હજાર ફૂટની ઉંચા પર આવી ગયું હતું, જેને પગલે વિમાનમાં સવાર ૧૯૧ જેટલા મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. મુસાફરોએ એવુ માની લીધુ હતું કે આ વિમાન હવે સીધુ જમીન પર ક્રેશ થશે, જેને પગલે મોટાભાગના મુસાફરો ઘબરાઇ ગયા હતા અને પોતાની અંતિમ ઇચ્છાઓ પુરી કરતા હોય તેમ વસિયતનામુ લખવા લાગ્યા હતા, જ્યારે કેટલાક મુસાફરોએ પોતાના સગા સંબંધીઓને વીડિયો કોલ કરીને અંતિમ વખત વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.
જાપાન એરલાઇન્સનું આ વિમાન બોઇંગ ૭૩૭ સ્પ્રિંગ જાપાન સાથે સહયોગમાં ચલાવવામાં આવી રહ્યું છે. વિમાને શાંઘાઇના પુડોંગ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, અને જાપાનના ટોક્યોના નેરિટા એરપોર્ટ પર ઉતરવાનું હતું. વિમાનમાં કુલ ૧૯૧ લોકો સવાર હતા. સાંજે ૬.૫૩ કલાકે વિમાન હવામાં ૩૬ હજારથી વધુ ફૂટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું. આ સમયે જ તેમાં અચાનક ટેક્નીકલ ખામી આવી ગઇ. જેને પગલે પાયલટે અચાનક જ વિમાનને નીચે ઉતારવું પડયું હતું, જોકે વિમાન નીચે ઉતારવાની ગતિ એટલી હતી કે માત્ર ૧૦ જ મિનિટમાં તે ૩૬૦૦૦ ફૂટની ઉંચાઇએથી દબડીને ે૧૦ હજાર ફૂટની ઉંચાઇ પર આવી ગયું હતું, એટલે કે આ સમયગાળા દરમિયાન વિમાન ૨૬ હજાર ફૂટ નીચે આવી ગયું હતું.
વિમાન જ્યારે નીચે ઉતરી રહ્યું હતું ત્યારે મુસાફરોને ઇમર્જન્સીમાં ઓક્સિજન માસ્ક આપવામાં આવ્યા હતા. તમામ મુસાફરો મોત ભાળી ગયા હોય તેવો અહેસાસ થતો હતો, તેમણે તાત્કાલીક પોતાના સ્વજનોને અંતિમ સંદેશા મોકલવાનું કે વીડિયો કોલ કરવાનું શરૂ કરી દીધુ હતું. કેટલાક મુસાફરો પોતાનું વસિયતનામુ લખવા લાગ્યા હતા. આખી ફ્લાઇટમાં એક ભયનો માહોલ સર્જાયો હતો અને ઉહાપોહ થઇ ગઇ હતી. ફ્લાઇટની અંદરની સ્થિતિના વીડિયો સામે આવ્યા છે જેમાં મુસાફરોની સ્થિતિને સારી રીતે સમજી શકાય તેમ છે. કેટલાક મુસાફરોને અહેસાસ થઇ ગયો હતો કે તેમનું મોત નિશ્ચિત છે તેથી તેમણે પોતાનો અંતિમ સંદેશો આપતા વીડિયો મોબાઇલમાં ઉતારવાનું શરૂ કરી દીધુ હતું. જોકે પાયલટે હેમખેમ આ વિમાનને અંતે જાપાનના ઓસાકા એરપોર્ટ પર ઇમર્જન્સીમાં ઉતારી લીધુ હતું. આ ઘટનામાં કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલો નથી. જોકે અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ વિમાનની દુર્ઘટના બાદથી જ વિશ્વભરમાં વિમાન અકસ્માતને લઇને એક પ્રકારનો ભયનો માહોલ છે. ખાસ કરીને બોઇંગ વિમાનો પર શંકાઓ વધી રહી છે. જાપાન એરલાઇન્સના આ મુસાફરોને પણ અમદાવાદની આ ગોઝારી દુર્ઘટના યાદ આવી ગઇ હશે.