Get The App

BIG NEWS | 'યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા પર ભરોસો', યુક્રેનના નિવેદનથી અમેરિકાને ઝટકો

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
BIG NEWS | 'યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા પર ભરોસો', યુક્રેનના નિવેદનથી અમેરિકાને ઝટકો 1 - image


Ukraine Trusts India’s Role in Peace Talks : અમેરિકાના પ્રયાસો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક બાદ એક બેઠકો છતાં યુક્રેન અને રશિયા યુદ્ધ રોકાઈ રહ્યું નથી. બંને દેશો પોતપોતાની શરતો મુદ્દે જીદ કરી રહ્યા છે. એવામાં હવે યુક્રેને એવું નિવેદન આપ્યું છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી ઈર્ષ્યા કરશે. પહેલેથી જ રશિયાથી ઓઈલ ખરીદવા મામલે ટ્રમ્પ ભારત પર દબાણ કરી રહ્યા છે અને 50 ટકા ટેરિફની જાહેરાત પણ કરી છે. એવામાં યુક્રેનના વિદેશમંત્રી સિબિહાને ભરોસો છે કે યુદ્ધ રોકાવવામાં ભારત જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 

ગુરુવારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને યુક્રેનના વિદેશમંત્રી આન્દ્રેઈ સિબિહાએ ટેલિફોનિક વાતચીત કરી હતી. વાતચીત બાદ જયશંકરે કહ્યું કે ભારત યુક્રેન સંઘર્ષ વહેલામાં વહેલી તકે સમાપ્ત કરી શાંતિ સ્થાપનાનું સમર્થન કરે છે. સિબિહાએ કહ્યું કે તેમણે યુદ્ધની વર્તમાન સ્થિતિ અને શાંતિ સ્થાપના માટે યુક્રેનના પ્રયાસો અંગે જયશંકરને માહિતી આપી. તેમણે પોસ્ટ કરી કહ્યું, કે 'અમે યુદ્ધની પૂર્ણ સમાપ્તિ અને આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રયાસોમાં ભારતની સક્રિય ભૂમિકા પર ભરોસો કરીએ છીએ.' 

યુક્રેનના વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે બંને નેતાઓ આ જ મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન મુલાકાત કરશે. 

નોંધનીય છે કે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક તથા લાંબી ચર્ચા કરી હતી. આ મુલાકાતમાં પુતિન-ટ્રમ્પની મુલાકાત તથા યુક્રેન સંઘર્ષ કેમ રોકી શકાય તે અંગે વિસ્તારથી ચર્ચા થઈ હતી. અગાઉ PM મોદીએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. 

Tags :