- ઇરાનના કમાન્ડર ઇન ચીફ, આર્મી વડા, 20 કમાન્ડર અને છ પરમાણુ વૈજ્ઞાાનિકોનાં મોત: અઘોષિત યુદ્ધ
- ઈરાનના વળતા હુમલાના ભયથી ઈઝરાયેલે સમગ્ર દેશમાં ઈમર્જન્સી લાગુ કરી, દુનિયાભરમાં દૂતાવાસો બંધ કર્યા
- ઈઝરાયેલ અને અમેરિકાએ આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે: ઈરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈની ચેતવણી
- ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે દાણચોરીથી 200 ડ્રોન ઈરાનમાં ઘુસાડી સંરક્ષણ સિસ્ટમ ઠપ કરી 200 ફાઈટર જેટ-ડ્રોને 100થી વધુ સ્થળો પર બોમ્બમારો કરતા 100નાં મોત, 400થી વધુ ઘાયલ
દુબઈ : ઈરાને અમેરિકા સહિત અનેક દેશોના આર્થિક પ્રતિબંધો વચ્ચે પણ તે પરમાણુ શસ્ત્રો બનાવવાની નજીક પહોંચી ગયું હોવાની ગુરૂવારે જાહેરાત કરી હતી. જોકે તેની જાહેરાતના કલાકોમાં જ ઈઝરાયેલે ઓપરેશન રાઈઝિંગ લાયન હેઠળ શુક્રવારે વહેલી સવારે ઈરાનના નાતાંજ ખાતે ટોચના પરમાણુ કેન્દ્રો, મિસાઈલ સ્થળોનો નાશ કર્યો હતો. આ હુમલામાં ઈરાનના ટોચના ત્રણ સૈન્ય કમાન્ડર સાથે પરમાણુ વૈજ્ઞાાનિકો પણ માર્યા ગયા હતા. વળતા જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર ૨૦૦થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો. ઈઝરાયેલ અને ઈરાનના આ ઘર્ષણના પગલે મધ્ય-પૂર્વમાં વ્યાપક સ્તરે પૂર્ણ સ્તરનું યુદ્ધ ફાટી નીકળવાની આશંકા છે.
ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની નજીક પહોંચી ગયું હોવાની ચિંતાઓ વચ્ચે ઈઝરાયેલ ઈરાન પર હુમલા કરવાની તૈયારી કરી રહ્યું હોવાની શંકાઓ કલાકોમાં જ સાચી પડી હતી. ઈઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના ૧૦૦ સ્થળો પર ૨૦૦ વિમાનોથી પ્રારંભિક હુમલો કર્યો હતો. ઈઝરાયેલના હુમલામાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડના પ્રમુખ અને એરોસ્પેસ ફોર્સના કમાન્ડર અમીર અલી હાજીજાહેદ, રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર ઈન ચીફ જનરલ હુસૈન સલામી, ઈરાની સેનાના પ્રમુખ જનરલ મોહમ્મદ બઘેરી સહિત ટોચના ૨૦ કમાન્ડરનાં મોત નીપજ્યાં હતાં. ઈરાને આ ત્રણેય ટોચના સૈન્ય અધિકારીઓના મોત થયાની પુષ્ટી કરી હતી. આ સાથે તહેરાન પર ઈઝરાયેલના હુમલામાં ૧૦૦ લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયેલે શુક્રવારે સાંજે વધુ એક વખત ઈરાનના પરમાણુ સ્થળ પર હુમલો કર્યો હતો. આ સાથે ઈરાને તેની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરી દીધી હતી. તહેરાનની દક્ષિણે અન્ડરગ્રાઉન્ડ ફોર્દો પરમાણુ એકમ પર હુમલો કરાયો હતો, પરંતુ ઈરાનની ડિફેન્સ સિસ્ટમે એક ડ્રોન તોડી પાડયું હતું. પશ્ચિમ ઈરાનમાં હમેદન એરબેઝ પર પણ ઈઝરાયેલે હવાઈ હુમલો કર્યો હતો. આ સિવાય ઉત્તર મધ્ય ઈરાનમાં ફરદિઝ શહેરમાં પણ ઈઝરાયેલે હુમલો કર્યો હતો. ઈરાનના મીડિયાએ ઈઝરાયેલના કેટલાક મિસાઈલોને હવામાં આંતર્યા હોવાનો દાવો કર્યો હતો.
ઈઝરાયેલના સૈન્યે જણાવ્યું હતું કે તેમણે પાંચ તબક્કામાં ઈરાન પર હુમલો કર્યો હતો. પહેલો હુમલો ઈરાનના વરિષ્ઠ અધિકારીઓ પર કરાયો હતો. બીજો હુમલો પરમાણુ વૈજ્ઞાાનિકો પર કરાયો હતો, જેમાં વરિષ્ઠ વૈજ્ઞાાનિકો મોહમ્મદ મેહદી તેહરાંચી અને ફરદૂન અબ્બાસીના મોત થયા હતા. ત્રીજો હુમલો ઈરાનના સર્વોચ્ચ પરમાણુ મથક નતાંઝ અને મિસાઈલ સિસ્ટમ્સ પર કરાયો હતો. ચોથા અને પાંચમા હુમલામાં પશ્ચિમી ઈરાનમાં જમીન પરથી હવામાં પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ અને મિસાઈલ સિક્યોરિટી સિસ્ટમને નિશાન બનાવાઈ હતી. ઈરાન પર શુક્રવારે હુમલા પહેલાં ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે દાણચોરી કરીને તહેરાનમાં વિસ્ફોટક ડ્રોન ઘૂસાડીને વ્યૂહાત્મક સ્થળે ગોઠવી દીધા હતા અને શુક્રવારે તેને એક્ટિવ કરી હુમલા કર્યા હતા. ઈરાને ૧૯૮૦ના દાયકામાં ઈરાક સાથેના યુદ્ધ પછી પહેલી વખત ભયાનક હુમલાનો સામનો કર્યો છે.
ઈરાનના વળતા હુમલાના ભયથી ઈઝરાયેલે દેશમાં ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. નેતન્યાહુએ કેબિનેટ બેઠક બોલાવી હતી. વધુમાં દુનિયાભરમાં તેના દૂતાવાસો બંધ કરી દીધા છે. આ સાથે ઈઝરાયેલે જાહેરાત કરી કે આગામી સૂચના સુધી તેના કોઈપણ દૂતાવાસ પર કોન્સ્યુલ સુવિધાઓ અપાશે નહીં. આ દૂતાવાસ કેટલો સમય સુધી બંધ રહેશે તેની ઈઝરાયેલે જાહેરાત નથી કરી. ઈરાનના હુમલાના ભયથી ઈઝરાયેલે તેનું સૌથી મોટું પ્રાકૃતિક ગેસ ફિલ્ડ પણ અસ્થાયીરૂપે બંધ કરી દીધું છે.ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર ૧૦૦થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો.
જોકે, આ ડ્રોનને ઈઝરાયેલની સરહદ બહાર જ આંતરીને નિષ્ફળ બનાવ્યાનો ઈઝરાયેલે દાવો કર્યો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામનેઈએ ઈઝરાયેલને 'આકરી સજા' કરવાની ચેતવણી આપી હતી. ખામનેઈએ ઈઝરાયેલના હુમલામાં ટોચના અન્ય સૈન્ય અધિકારીઓ અને તેમનો પરમાણુ કાર્યક્રમ ચલાવનારા વૈજ્ઞાાનિકોના માર્યા ગયા હોવાની પણ પુષ્ટી કરી હતી.ખામનેઈએ કહ્યું કે, અમારી સેના ઈઝરાયેલના હુમલાનો જવાબ આપશે. ઈઝરાયેલ અને અમેરિકાએ આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે.
ઈઝરાયેલી સૈન્યના હુમલા પછી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે સવારે કહ્યું કે, ઈઝરાયેલનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઈરાનના જોખમોને ખતમ કરવાના ટાર્ગેટેડ સૈન્ય અભિયાનના ભાગરૂપે તહેરાન પર હુમલો કરાયો છે. આ જોખમોના સમાપ્ત થયા સુધી આ અભિયાન ચાલુ રહેશે. ઈરાનને રોકવામાં આવ્યું ન હોત તો તે ૧૫ પરમાણુ બોમ્બ બનાવવા સક્ષમ બની ગયું હોત.
તેમણે કહ્યું કે, ઈરાનના તાનાશાહ દાયકાઓથી ખુલ્લેઆમ ઈઝરાયેલના વિનાશની વાતો કરે છે. તેમણે જનસંહારના તેમના નિવેદનો સાથે જ પરમાણુ હથિયાર વિકસિત કરવા માટે કાર્યક્રમ પણ ચલાવ્યો હતો. ઈરાને નવ પરમાણુ બોમ્બ બનાવવા માટે પર્યાપ્ત ઉચ્ચ-સંવર્ધિત યુરેનિયમનું તાજેતરના વર્ષોમાં ઉત્પાદન કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનામાં ઈરાને એવા પગલાં ભર્યા હતા, જે તેણે પહેલાં ક્યારેય લીધા નહોતા. ઈરાનને રોકવામાં નહીં આવે તો તે ખૂબ જ ટૂંકાગાળામાં એવું પરમાણુ હથિયાર બનાવી શકે છે, જે ઈઝરાયેલના અસ્તિત્વ માટે સ્પષ્ટ જોખમ છે. ઈરાનના વળતા હુમલા અને ધમકીઓના પગલે ઈઝરાયેલે શુક્રવારે ફરી એક વખત ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા. જોકે, આ હુમલામાં ઈરાનને કેટલું નુકસાન થયું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.


