ઇઝરાયેલનો ગાઝા પર હુમલો બાળકો સહિત 34 લોકોનાં મોત

આજે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠક
અનેક દેશો પેલેસ્ટાઇનને રાષ્ટ્રની માન્યતા આપવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે ઇઝરાયેલના હુમલામાં વધારો થયો
ઇઝરાયેલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અનેક દેશો તરફથી પેલેસ્ટાઇનને રાષ્ટ્રની માન્યતા આપવાની તૈયારી કરી રહ્યાં છે.
શિફા હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મોેડી રાતે શહેરના દક્ષિણ ભાગમાં એક રહેણાંક વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ૧૪ લોકોનાં મોત થયા છે. મોટા ભાગના મૃતદેહો શિફા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં.
સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોમાં હોસ્પિટલમાં કાર્યરત એક પુરુષ નર્સ, તેમના પત્ની અને ત્રણ બાળકો પણ સામેલ છે.
શનિવાર રાતે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે કેટલાક પ્રમુખ પશ્ચિમી દેશ સોમવારે થનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પેલ્સ્ટાઇનને રાષ્ટ્રનો દરજ્જો આપવાની તૈયારી કરી રહ્યાં છે.
જેમાં બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, માલ્ટા, બેલ્જિયમ અને લક્સમબર્ગ સામેલ છે. પોર્ટુગલના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે રવિવારે પેલેસ્ટાઇનને રાષ્ટ્રનો દરજ્જો આપશે.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી અગાઉ ઇઝરાયેલમાં શાંતિ કાર્યકર્તાઓએ પેલેસ્ટાઇન રાષ્ટ્રની પ્રસ્તાવિત માન્યતાનું સ્વાગત કર્યુ છે. રવિવારે ૬૦થી વધારે યહુદી અને અરબ શાંતિ સંગઠનોના એક જૂથે યુદ્ધની સમાપ્તિ, બંધકોની મુક્તિ અને પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપવાની અપીલ કરી છે.
ઇઝરાયેલની સેનાએ કોઇ પણ પુરાવા આપ્યા વગર જણાવ્યું છે કે તેેણે માજિદ અબૂ સેલ્મિયાની હત્યા કરી છે. જે હમાસની સૈન્ય શાખાનો એક સ્નાઇપર હતો અને ગાઝા શહેરી વિસ્તારમાં હુમલો કરાવવાની તૈયારી કરી રહ્યો હતો.
માજિદ શિફા હોસ્પિટલના ડાયરેક્ટર ડો. મોહમ્મદ અબૂ સેલ્મિયાનો ભાઇ હતો. જો કે તેમણે ઇઝરાયેલની સેનાના આરોપોને જૂઠા ગણાવ્યા છે અને જણાવ્યું છે કે ઇઝરાયેલ નાગરિકોની હત્યાને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ડો. સેલ્મિયાએ જણાવ્યું હતું કે તેમના ૫૭ વર્ષીય ભાઇ હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટિસ અને દ્રષ્ટિ સંબધી બિમારીઓથી પીડિત હતાં.









