ઈઝરાયેલનો સીરીયા પર પ્રચંડ હુમલો : દમાસ્કસમાં ભૂમિદળના હેડ ક્વાર્ટર પરના હુમલા પછી કહ્યું : 'અમે દરેક રીતે તૈયાર છીએ'
- દક્ષિણ સીરીયામાં 'ડ્રૂઝ' નાગરિકો પર સીરીયન સેનાએ હુમલા કર્યા : તેનો બદલો વાળવા આ હુમલો કરાયો હોવાનો ઈઝરાયેલનો દાવો
દમાસ્કસ : ઈઝરાયલી સેનાએ બુધવારે જણાવ્યું હતું કે, તેણે દક્ષિણ સીરીયામાં 'ડ્રૂઝ' નાગરિકો પર શાસને કરેલી કાર્યવાહી પછી તેનો બદલો લેવા સીરીયન ભૂમિદળનાં હેડ ક્વાર્ટર ઉપર હુમલો કર્યો હતો. ઈઝરાયલ ડીફેન્સ ફોર્સે 'ટ' ઉપરના એક પોસ્ટમાં જણાવ્યું કે, 'અમારા સૈન્યે સીરીયાઈ લશ્કરનાં હેડ ક્વાર્ટરના એન્ટ્રી ગેઈટ ઉપર જ હુમલો કર્યો હતો.'
આ સાથે સેનાએ કહ્યું કે અમે પરિસ્થિતિ ઉપર પૂરી નજર રાખી રહ્યાં છીએ.
આ સાથે ઈઝરાયલ ડીફેન્સ ફોર્સે (આઈડીએફે) તેમ પણ જણાવ્યું કે, અમે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છીએ, આ હુમલો અમે અમારા રાજકીય નેતાગણે આપેલા આદેશોને અનુસરીને જ કરવામાં આવ્યો હતો.
વાસ્તવમાં દક્ષિણ સીરીયા સ્થિત ડ્રૂઝ નાગરિકો ઉપર સીરીયાનાં શાસને કરેલા જુલ્મો ચલાવી લેવાય જ નહીં, તેનો બદલો લેવો જ પડે. તેમ પણ ઈઝરાયલી સેનાના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.
નક્કર વાસ્તવિકતા તે છે કે, અમેરિકાનું પ્રચંડ પીઠબળ મેળવેલાં ઈઝરાયલને પડકારવા ઈરાન સહિત પશ્ચિમ એશિયાનો કોઈ દેશ કે ઇરાક સહિત મધ્યપૂર્વનો કોઈ દેશ પૂરતો સમર્થ નથી, તે હજી સુધી બની રહેલા ઘટનાક્રમ ઉપરથી જાણી શકાય છે.