ઇઝરાયેલની દોહામાં પહેલી વખત હમાસની ટોચની નેતાગીરી પર એર સ્ટ્રાઇક

- હુમલામાં અત્યાર સુધી જાનહાનિના સમાચાર નથી
- અગાઉ ઇરાને કતારમાં આવેલા અમેરિકન હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતોઃ નેતન્યાહુએ હુમલો થયાનું સ્વીકાર્યુ
- ગાઝામાં યુદ્ધવિરામ માટે ઇઝરાયેલે અમેરિકાની ઓફર સ્વીકારી
ગાઝા : ઇઝરાયેલે મંગળવારે કતારની રાજધાની દોહામાં હમાસના ટોચના રાજકીય આગેવાનોને લક્ષ્યાંક બનાવીને હુમલો કર્યો. ઇઝરાયેલના અધિકારીઓએ પણ આ વાતને સમર્થન આપ્યું. ઇઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટે આ હુમલાને અંજામ આપ્યો હતો. તેણે આખુ ઓપરેશન પાર પાડયું હતું. ઇઝરાયેલે હમાસના આતંકવાદીઓ પર આ હુમલો અમેરિકન પ્રમુખ ટ્રમ્પની મંજૂરી બાદ કર્યો છે.
હમાસના રાજકીય આગેવાનો કતારમાં યુદ્ધવિરામને લઈને અમેરિકાના નવા પ્રસ્તાવ પર ચર્ચા કરવા ભેગા થયા હતા. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ આ ઓપરેશનને સ્વતંત્ર અભિયાન ગણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હમાસના ટોચના આતંકવાદી આગેવાનો સામે આજની કાર્યવાહી સ્વતંત્ર ઇઝરાયેલી અભિયાન હતું. ઇઝરાયેલે તેનો પ્રારંભ કર્યો હતો. ઇઝરાયેલે તેનું સંચાલન કર્યુ અને ઇઝરાયેલ તેની પૂરેપૂરી જવાબદારી લે છે. આ હુમલામાં કેટલા મોત થયા તે હજી જાહેર થયું નથી, પરંતુ આ હુમલાના લીધે દોહામાં ભયનું વાતાવરણ છે.
આઇડીએફે જણાવ્યું હતું કે હુમલામાં હમાસના નેતાઓ ખલીલ અલ હૈયા અને જાહેર જબરીનને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈપણ મંત્રણાકારને નુકસાન થયું નથી. આ હુમલો ત્યારે થયો જ્યારે ઇઝરાયેલના લશ્કરી વડા એયાલ જમિરે વિદેશમાં હમાસના નેતાઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી.
કતારે ઇઝરાયેલના આ હુમલાને કાયરતાપૂર્વકને ગણાવ્યો છ અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સુરક્ષા દળ, સિવિલ ડિફેન્સ અને સંલગ્ન એજન્સીઓએ તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને અસરગ્રસ્ત ક્ષેત્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. કતારે ઇઝરાયેલને ચેતવણી આપતા જણાવ્યું હતું કે તે ઇઝરાયેલનો આવો કોઈપણ પ્રકારનો વ્યવહાર સહન નહીં કરે.
ઇઝરાયેલના હુમલા વખતે કતારના એરપોર્ટ પર વિમાનો નિયમિત રીતે ઉડ્ડયન ભરી રહ્યા હતા. બધુ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું ત્યારે આ હુમલો થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા અમેરિકા-ઇરાન વચ્ચે સ્થિતિ બગડી ત્યારે ઇરાને પણ કતારમાં આવેલા અમેરિકાના મુખ્ય મથક પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલે આ દરમિયાન ગાઝામાં કાર્યવાહી દરમિયાન લોકોને શહેર ખાલી કરી દેવા વિનંતી કરી છે.








