World

ઇરાન સાથે યુદ્ધ વચ્ચે પણ ગાઝામાં ઇઝરાયેલના હુમલા : 16નાં મોત

By GS TEAM
15 Jun 20252 mins read
ઇરાન સાથે યુદ્ધ વચ્ચે પણ ગાઝામાં ઇઝરાયેલના હુમલા : 16નાં મોત

- રાહત લેવા આવનારા પર ગોળીબારનો આરોપ

- ગાઝામાં યુદ્ધવિરામની દરખાસ્તની તરફેણમાં 149 અને વિરોધમાં 10 મત પડયા, ભારત ગેરહાજર

ગાઝા : ઇઝરાયેલે ઇરાનના પરમાણુ મથકો અને લશ્કરી મથકો પર હુમલો કર્યો છે અને નવો મોરચો ખોલ્યો છે. આની વચ્ચે તે ગાઝાને તો ભૂલ્યું જ નથી. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ૧૬ના મોત થયા હતા અને ૧૨૫થી વધુને ઇજા થઈ હતી.  એમ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. હમાસ સાથે ઇઝરાયેલના યુદ્ધને ૨૦ મહિના થયા છે. હવે તેણે હમાસના સમર્થક ઇરાનને નિશાન બનાવી હુમલા કર્યા છે. 

ઇઝરાયેલી અને અમેરિકા સમર્થિત માનવતાવાદી જૂથ દ્વારા ચલાવવામાં આવતા સહાય કેન્દ્રો પર ઇઝરાયેલે કરેલા ગોળીબારમાં કમસેકમ ૧૧ પેલેસ્ટાઇન માર્યા ગયા હતા.  ઘટનાના સાક્ષીઓનું કહેવું હતું કે ઇઝરાયેલના સૈનિકોએ ત્યાં અનાજ સહાય વિતરણ કેન્દ્રો પર ભોજન લેવા આવનારા ખુલ્લેઆમ ગોળીબાર કરતાં ૧૧ના મોત થયા હતા અને ૧૨૫થી વધુ ઇજા પામ્યા છે. જ્યારે ઇઝરાયેલના લશ્કરનું કહેવું છે કે તેણે ફક્ત વોર્નિંગ શોટ્સ જ છોડયા હતા. તેનું માનવું છે કે લોકોની વચ્ચે હમાસના સમર્થકો પણ હતા. 

ખાન યુનિસના નાસીર હોસ્પિટલે જણાવ્યું હતું કે તેને ૧૬ મૃતદેહો મળ્યા છે. તેમા પાંચ મહિલાઓના છે. ઇઝરાયેલના લશ્કરી દળોના ગોળીબારના લીધે સામાન્ય નાગરિકોના મોત થયા છે. દક્ષિણના રફા સિટીમાં પણ બીજા ત્રણ જણા ઇઝરાયેલના ગોળીબારમાં માર્યા ગયા હતા. આ સિવાય મિલિટરી ઝોન મનાતા રફામાં પણ બીજા ત્રણના મોત થયા હતા.

યુએન જનરલ એસેમ્બલી (યુએનજીએ) ગાઝામાં બિનશરતી યુદ્ધવિરામ લાદવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેની તરફેણમાં બહુમતી ૧૪૯ દેશોએ ઠરાવ પસાર કર્યો હતો. જ્યારે ભારત આ ઠરાવના મતદાનમાં ગેરહાજર રહેનારા ૧૯ દેશોમાં એક દેશ હતો. અમેરિકાના મહત્વના સહયોગીઓ યુકે, ઓસ્ટ્રલિયા અને જાપાને તેની તરફેણમાં મતદાન કર્યુ છે. અમેરિકા, ઇઝરાયેલ અને બીજા દસ દેશોએ તેના વિરોધમાં મતદાન કર્યુ હતું.