બોમ્બીંગ બંધ કરવા ટ્રમ્પે કહ્યું હોવા છતાં ઇઝરાયેલના હુમલા ચાલુ : 6નાં મોત

- આ પૂર્વે શનિવારે સવારે નેતન્યાહૂની ઓફિસે જણાવ્યું હતું કે ટ્રમ્પના ગાઝા પ્લાનના પહેલા ભાગનો અમલ કરવા અમે તૈયારીઓ કરી રહ્યા છીએ
નવી દિલ્હી : બોમ્બીંગ બંધ કરવા અમેરિકી પ્રમુખ ડોનાાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને કહ્યું હતું છતાં ઇઝરાયલે આજે (શનિવારે) બોમ્બીંગ ચાલુ રાખ્યું હતું. જેથી ગાઝામાં ૬નાં મોત થયાં હતાં.
પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે હમાસ શાંતિ માટે તૈયાર છે, સાથે તેણે બંધકોને મુક્ત કરવા પણ સંમતિ દર્શાવી હતી. તેણે આ શાંતિ સમજૂતીની અન્ય શર્તો પણ સ્વીકારી છે.
આમ છતાં ઇઝરાયલે બોમ્બીંગ કરતાં ગાઝા શહેરમાં ૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે બેનાં ખાન યુનિસમાં મૃત્યુ થયાં હતાં.
જો કે આ પછી તુર્ત જ ઇઝરાયલી મીડીયાએ જણાવ્યું હતું કે દેશના રાજકીય નેતૃત્વએ સેનાને ગાઝા પટ્ટીમાં આક્રમકતા ઘટાડી નાખવા જણાવ્યું હતું.
શુક્રવારે હમાસ જીવંત તેમ જ મૃત તેવા તમામ અપહૃતોને મુક્ત કરવા સંમત થયું હતું. આ તેમણે ટ્રમ્પની ૨૦ મુદ્દાની દરખાસ્તને સ્વીકાર્યા પછી જાહેર કર્યું હતું.
શુક્રવારે પ્રમુખ ટ્રમ્પે ખુલ્લી ધમકી આપી હતી કે લશ્કરી દ્રષ્ટિએ તમે પૂરેપૂરા ફસાઈ ગયા છો, આથી આ શાંતિયોજના સ્વીકારવા તમોને છેલ્લી તક અપાય છે. હવે પછી બીજી તક નહીં અપાય. તમારી ઉપર નર્ક વરસી રહેશે.
આ પછી શનિવારે સવારે જ હમાસે ટ્રમ્પની શાંતિ યોજના સ્વીકારી લીધી હતી અને મધ્યસ્થીઓના માધ્યમથી શાંતિ મંત્રણા માટે સહમત થયું હતું. પરંતુ તે સાથે સ્પષ્ટતા પણ કરી હતી કે અમારે આ એગ્રીમેન્ટની વિગતો તો બરોબર સમજવી પડશે, જાણવી પડશે. હમાસની તે દરખાસ્ત અંગે બંને દેશો વચ્ચેના મધ્યસ્થીઓ તેમજ અમેરિકા પણ સંમત થયા હતા.








