World

ઈરાન સાથે દુશ્મનાવટ મામલે ઈઝરાયલે હવે અમેરિકાને જ આપી ધમકી! કહ્યું- અમે એકલા હાથે કરીશું હુમલો

By GS TEAM
10 Feb 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવને કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા દ્વારા ઈરાનને વારંવાર લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી રહી છે, જે દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ 11 ફેબ્રુઆરી, 2026ના રોજ વોશિંગ્ટનની મુલાકાતે જઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથે દુશ્મનાવટ મામલે ઈઝરાયલે હવે અમેરિકાને જ આપી ધમકી! કહ્યું- અમે એકલા હાથે કરીશું હુમલો
(IMAGE - IANS)

Israel Warns US: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવને કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા દ્વારા ઈરાનને વારંવાર લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી રહી છે, જે દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ 11 ફેબ્રુઆરી, 2026ના રોજ વોશિંગ્ટનની મુલાકાતે જઈ રહ્યા છે. 

ઈઝરાયલની ટ્રમ્પને ચેતવણી

ઈઝરાયલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો ઈરાન તેની બેલિસ્ટિક મિસાઇલની નિર્ધારિત 'રેડ લાઇન' ઓળંગશે, તો ઈઝરાયલ અમેરિકાની મદદ વગર પણ એકલે હાથે તેહરાન પર સૈન્ય હુમલો કરી શકે છે. ઈઝરાયલના રક્ષા અધિકારીઓનું માનવું છે કે ઈરાનનો આક્રમક મિસાઇલ કાર્યક્રમ તેમના અસ્તિત્વ માટે મોટો ખતરો છે, તેથી તેઓ કોઈપણ સંજોગોમાં પોતાની સુરક્ષા સાથે બાંધછોડ કરવા તૈયાર નથી.

ઈરાન પર માત્ર 'મર્યાદિત કાર્યવાહી'થી ઈઝરાયલ સંતુષ્ટ નથી

ઈઝરાયલને એવી ચિંતા સતાવી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ ઈરાન પર માત્ર મર્યાદિત લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ પસંદ કરી શકે છે, જે રીતે યમનમાં હુતી બળવાખોરો સામે કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે જો અમેરિકા માત્ર જૂજ ટાર્ગેટ પર હુમલો કરીને સંતોષ માની લેશે, તો ઈરાનની મુખ્ય સૈન્ય અને મિસાઇલ ક્ષમતા સુરક્ષિત રહેશે અને તેનો ભોગ અંતે ઈઝરાયલને બનવું પડશે. આ ગંભીર ચર્ચાઓ વચ્ચે ઈઝરાયલની વાયુસેનાના ભાવિ કમાન્ડર બ્રિગેડિયર જનરલ ઓમર ટિશલર પણ નેતન્યાહુ સાથે અમેરિકા જશે, જે આક્રમક રણનીતિના સંકેત આપે છે.

આ પણ વાંચો: કોણ છે શબાના મહેમૂદ? જે બની શકે છે યુકેના પ્રથમ મુસ્લિમ મહિલા PM, PoK સાથે છે નાતો

બેલિસ્ટિક મિસાઇલો પર ચર્ચા કરવાનો ઈરાનનો સાફ ઇન્કાર

બીજી તરફ, ઓમાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં કોઈ નક્કર પરિણામ આવતું દેખાતું નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે તેહરાન બેલિસ્ટિક મિસાઇલો અથવા તેમના પ્રાદેશિક સંગઠનો(પ્રોક્સી ગૃપ્સ) મુદ્દે કોઈ ચર્ચા કરશે નહીં. ઈરાને પોતાના પરમાણુ પ્રોજેક્ટને કાયમી ધોરણે બંધ કરવાની માંગ પણ ફગાવી દીધી છે. 

પશ્ચિમી દેશોને પડકાર

આ તણાવ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈએ જનતાને સંબોધતાં કહ્યું છે કે, 'રાષ્ટ્રની સાચી તાકાત માત્ર મિસાઇલોમાં જ નહીં, પરંતુ દુશ્મનને જડબાતોડ જવાબ આપવાના મક્કમ નિર્ધારમાં છે.' બુધવારે ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિની ઉજવણી માટે રેલીઓ યોજાવાની છે, જેની પૂર્વસંધ્યાએ આ નિવેદન પશ્ચિમના દેશો માટે મોટો પડકાર માનવામાં આવે છે.