મોસાદનો એ જાસૂસ જેણે દુશ્મન દેશના રાષ્ટ્રપતિ સાથે કરી લીધી હતી મિત્રતા, ફાંસીના 60 વર્ષે ઈઝરાયલને મોટી સફળતા
Eli Cohen : ઈઝરાયલની ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ના પરાક્રમોથી વિશ્વ આખું પરિચિત છે. ઈઝરાયલ આજે વિશ્વભરમાં ‘પાવરફૂલ રાષ્ટ્ર’ ગણાતું હોય તો એની એ શાખ ઊભી કરવામાં મોસાદના એજન્ટો દ્વારા પાર પાડવામાં આવેલા એક એકથી ચઢિયાતા જાસૂસી મિશનોનો સિંહફાળો છે. તાજેતરમાં જ ઈઝરાયલે એવા એક મહાન જાસૂસની વસ્તુઓ દુશ્મન દેશમાં જાસૂસી મિશન પાર પાડીને મેળવી અને તેમને અંજલિ આપી.
કોણ હતા એ મહાન જાસૂસ?
નામ એમનું એલી કોહેન. 1960ના દાયકામાં ઈઝરાયલી જાસૂસ એલી કોહેને સીરિયન સૈન્ય અને સરકારમાં ઊંડે સુધી ઘૂસીને ગુપ્ત માહિતી મેળવી હતી. મોસાદ માટે જાસૂસી કરતાં પકડાયા બાદ એલીને ફાંસી આપવામાં આવી હતી. એમને ફાંસી અપાઈ એના 60 વર્ષ થયા ત્યારે ઈઝરાયલે એક ઔર જાસૂસી મિશન ખેલીને કોહેનને લગતી ચીજો સીરિયામાંથી હસ્તગત કરી લીધી છે.
કોહેનને લગતી 2,500 વસ્તુઓ મેળવી!
ઈઝરાયલે સીરિયામાંથી એલી કોહેન સાથે સંબંધિત 2,500 જેટલી વસ્તુઓ મેળવી છે, જેમાં મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો, ઓડિયો રેકોર્ડિંગ્સ, કોહેન દ્વારા લખાયેલા પત્રો, સીરિયામાં મિશનના ફોટોગ્રાફ્સ, ધરપકડ પછી તેમના ઘરમાંથી જપ્ત કરાયેલી કાંડા ઘડિયાળ જેવી વસ્તુઓ, કોહેનના દમાસ્કસ એપાર્ટમેન્ટની ચાવીઓ, નકલી પાસપોર્ટ, ઓળખ કાર્ડ અને એલીની મુક્તિ માટે વિશ્વભરના નેતાઓ તથા કોહેનનાં વિધવા નાદિયા દ્વારા કરવામાં આવેલી અરજીના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. રવિવાર, 18 મેના રોજ ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ કોહેનના પત્ની સાથે શેર કરી હતી. નેતન્યાહૂએ કોહેનને યાદ કરીને તેમને ઈઝરાયલના હીરો ગણાવ્યા હતા.
એલી કોહેન ઈઝરાયલનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી
વૈશ્વિક સ્તરે ‘મોસાદ’ની ઓળખ એક મજબૂત જાસૂસી સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં કોહેને સૌથી મોટી ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. સીરિયામાં કોહેનનું મિશન વૈશ્વિક મંચ પર મોસાદની પહેલી મોટી સિદ્ધિ હતી. કોહેનની જાસૂસીને પરિણામે જ ઈઝરાયલ 1967નું સીરિયા સામેનું યુદ્ધ જીતી ગયું હતું, એમ કહેવાય છે. આ યુદ્ધે આરબ વિશ્વમાં ઈઝરાયલનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. તેથી જ એલી કોહેનને ઈઝરાયલમાં રાષ્ટ્રીય હીરો તરીકેનું સન્માન આપવામાં આવે છે.
કોહેનનો જન્મ અને મોસાદ સાથે કામની શરૂઆત
એલી કોહેનનો જન્મ 6 ડિસેમ્બર, 1924માં ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં એક સીરિયન-યહૂદી પરિવારમાં થયો હતો. તેમના પિતા 1914માં સીરિયાથી જ સ્થળાતંર કરીને ઈજિપ્ત ગયા હતા. 1949માં કોહેનનો પરિવાર ઈઝરાયલમાં સ્થાયી થયો. અનુવાદક અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કોહેનનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું અને અંગ્રેજી, અરબી અને ફ્રેન્ચ ભાષાઓ પરની તેમની પકડ મજબૂત હતી, તેથી મોસાદે તેમને પોતાની પાંખમાં સમાવી લીધા.
બનાવટી ઓળખ સાથે જાસૂસી શરૂ કરી
1960 માં કોહેન મોસાદમાં જોડાયા. જાસૂસીની તાલીમ લીધા બાદ તેઓ 1961 માં આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસ પહોંચ્યા. ત્યાં તેમણે સીરિયન મૂળના ઉદ્યોગપતિની બનાવટી ઓળખ ઊભી કરી. નામ રાખ્યું કામિલ અમીન થાબેટ. ટૂંકા ગાળામાં તેમણે આર્જેન્ટિના સ્થિત સીરિયન દૂતાવાસના અધિકારીઓ સાથે દોસ્તી કરી લીધી.
સીરિયન સત્તાના કોરિડોરમાં કઈ રીતે પ્રવેશ મેળવ્યો?
1962માં કોહેન સીરિયાની રાજધાની દમાસ્કસ પહોંચ્યા. દમાસ્કસના સત્તાના કોરિડોરમાં પ્રવેશ મેળવવા માટે તેમણે આર્જેન્ટિનામાં સીરિયન અધિકારીઓ સાથે કરેલા સંપર્કોનો લાભ લીધો. સીરિયન નેતાઓ અને અધિકારીઓ સાથેની નિકટતાને કારણે કોહેનને ટૂંક સમયમાં સીરિયન સૈન્ય સંબંધિત ગુપ્ત માહિતી મળવા લાગી. એ સંવેદનશીલ માહિતી તેમણે ગુપ્ત રીતે ઈઝરાયલને મોકલવાનું શરૂ કર્યું.
સીરિયાનો બળવો કોહેનને ફળ્યો
1963માં સીરિયામાં રાજકીય ઉથલપાથલ મચી. સરકાર સામે બળવો થયો અને સત્તાધારી પક્ષને ઉથલાવીને બાથ પાર્ટી સત્તામાં આવી. બળવાનું નેતૃત્વ કરનાર અમીન અલ-હાફિઝ સત્તા પરિવર્તન પછી રાષ્ટ્રપતિ બન્યા. કોહેન આર્જેન્ટિનામાં હતા ત્યારે હાફિઝ પણ આર્જેન્ટિનામાં જ હતા અને બંને મિત્રો બની ગયા હતા. જેને લીધે હાફિઝ સત્તામાં આવતાં જ તેમના વિશ્વાસુ હોવાથી કોહેનનું કદ પણ નોંધપાત્ર રીતે વધી ગયું.
કોહેન પર હાફિઝનો આંધળો વિશ્વાસ સીરિયાને ભારે પડ્યો
કોહેન પર હાફિઝને એટલો બધો વિશ્વાસ હતો કે ગુપ્ત લશ્કરી બ્રીફિંગમાં પણ કોહેનને પ્રવેશ મળતો. કોહેને સંવેદનશીલ ગણાતા ગોલાન હાઈટ્સ વિસ્તારમાં આવેલા સીરિયન લશ્કરી થાણાઓની પણ મુલાકાત લીધી. એ વિસ્તારમાં ઈઝરાયલ અને સીરિયા વચ્ચે સતત તણાવ રહેતો હતો. ગોલાન હાઈટ્સ વિશે કોહેને ઈઝરાયલને આપેલી માહિતી યુદ્ધમાં ઈઝરાયલ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ. ઘણા સંરક્ષણ નિષ્ણાતો ગોલાન હાઈટ્સ સંબંધિત માહિતી ઈઝરાયલ સુધી પહોંચવાને જ સીરિયાની હારનું કારણ માને છે.
કોહેન કઈ રીતે પકડાઈ ગયા
વિશ્વના સૌથી જાસૂસો પૈકીના એક ગણાયેલા કોહેન બહુ ચોકસાઈ અને સફાઈથી પોતાનું કામ કરતા હતા, પણ રેડિયો ટ્રાન્સમિશનને કારણે તેઓ પકડાઈ ગયા હતા. જાન્યુઆરી, 1965માં સીરિયન કાઉન્ટર-ઈન્ટેલિજન્સ અધિકારીઓએ કોહેનના રેડિયો સિગ્નલો શોધી કાઢ્યા. એ પછી તેમણે છટકું ગોઠવીને કોહેનને ઈઝરાયલમાં ટ્રાન્સમિશન મોકલતી વખતે રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
કોહેનને જાહેરમાં ફાંસી અપાઈ
જાસૂસીના આરોપસર એલી કોહેન પર દમાસ્કસમાં કેસ ચલાવવામાં આવ્યો અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. કોહેનને મૃત્યુદંડને બદલે જેલવાસ થાય એ માટે તેમના પરિવારે અને ઈઝરાયલી સરકારની વિનંતીને માન આપીને વિશ્વના અન્ય દેશોએ પણ સીરિયાને અપીલ કરી, પણ એ પ્રયાસો સફળ ન થયા. સીરિયાએ કોઈપણ કિંમતે કોહેનને ફાંસીથી ઓછી સજા આપવાના મૂડમાં નહોતું. 18 મે, 1965ના રોજ તેમને જાહેર રસ્તા પર ફાંસી આપવામાં આવી. ફાંસી પછી ઈઝરાયલે કોહેનનું શરીર અને તેની સાથે સંબંધિત વસ્તુઓ મેળવવાના પ્રયાસો કર્યા, પણ સીરિયાએ એય ન આપ્યાં. હવે, છેક 60 વર્ષે ઈઝરાયલે જાસૂસી મિશન ખેલીને એ મહાન જાસૂસની વસ્તુઓ મેળવવામાં સફળતા મેળવી છે.
એલી કોહેનના પરાક્રમો પર એકથી વધુ ફિલ્મો બની છે
વર્ષ 2019 માં નેટફ્લિક્સ દ્વારા એલી કોહેનના જીવન પર આધારિત ‘ધ સ્પાય’ નામની શ્રેણી બનાવવામાં આવી હતી, જેમાં ‘સાચા બેરોન કોહેન’એ એલી કોહેનની ભૂમિકા ભજવી હતી. બંનેની અટકમાં રહેલી સામ્યતા ફક્ત સંયોગ છે. આ શ્રેણી ઉરી ડેન અને યેશાયાહુ બેન પોરાટ દ્વારા લખાયેલા પુસ્તક ‘લ'એસ્પિયન ક્વિ વેનાઈટ ડી'ઈઝરાયલ’ (ધ સ્પાય હુ કેમ ફ્રોમ ઈઝરાયલ) પર આધારિત છે. 1987 માં બીબીસી દ્વારા ‘ધ ઈમ્પોસિબલ સ્પાય’ નામની ટેલીવિઝન મૂવી બનાવવામાં આવી હતી, જેમાં જોન શિયાએ કોહેનનું પાત્ર ભજવ્યું હતું.