World

ઇઝરાયલનો હમાસ પર વધુ એક હુમલો, કતારમાં સીનિયર નેતાઓને બનાવ્યા નિશાન

By GS TEAM
9 Sep 20253 mins read
TukuTouch Logo
ઇઝરાયલે ફરી એકવાર હમાસ પર હુમલો કર્યો છે. ઇઝરાયલી વાયુસેનાએ મંગળવારે(9 સપ્ટેમ્બર) કતારમાં હમાસના વરિષ્ઠ નેતાઓને સટીક નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇઝરાયલનો હમાસ પર વધુ એક હુમલો, કતારમાં સીનિયર નેતાઓને બનાવ્યા નિશાન

Israel Attack on Hamas Leaders: ઇઝરાયલે ફરી એકવાર હમાસ પર હુમલો કર્યો છે. ઇઝરાયલી વાયુસેનાએ મંગળવારે(9 સપ્ટેમ્બર) કતારમાં હમાસના વરિષ્ઠ નેતાઓને સટીક નિશાન બનાવીને હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયામાં હુમલા બાદનો એક વીડિયો પણ વાયરલ થયો છે. બીજી તરફ આ હુમલા અંગે ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે, 'IDF અને ISA એ હમાસના ટોચના નેતૃત્વને નિશાન બનાવીને સટીક હુમલો કર્યો હતો. હમાસ ઘણા વર્ષોથી આતંકવાદી સંગઠનના ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું છે. 7 ઓક્ટોબરના ક્રૂર હત્યાકાંડ માટે હમાસ સીધી રીતે જવાબદાર છે. આ સંગઠન ઇઝરાયલ સામે યુદ્ધનું સંચાલન કરી રહ્યું છે.' જણાવી દઇએ કે, કતાર કતાર અરેબિયન દ્વીપકલ્પનો એક ઉર્જા સંપન્ન દેશ છે.

ઇઝરાયલે મંગળવારે કતારની રાજધાની દોહામાં હમાસના ટોચના નેતાઓ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલી અધિકારીઓ અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. માહિતી અનુસાર, ઇઝરાયલની સુરક્ષા એજન્સી શિન બેટે આ કાર્યવાહી હાથ ધરી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, જે નેતાઓ બેઠક કરી રહ્યા હતા તેમને યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી પછી નિશાન બનાવવામાં આવ્યા હતા, જેઓ યુદ્ધવિરામ અંગેના તાજેતરના યુએસ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા.

ઇઝરાયલી વડાપ્રધાને હુમલાની જવાબદારી લીધી

જોકે, ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ આ કાર્યવાહીને સ્વતંત્ર કાર્યવાહી ગણાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'હમાસના ટોચના આતંકવાદી આકાઓ સામે આજની કાર્યવાહી સંપૂર્ણપણે સ્વતંત્ર ઇઝરાયલી કાર્યવાહી હતી. ઇઝરાયલે તેની શરૂઆત કરી, ઇઝરાયલે તેનું સંચાલન કર્યું અને ઇઝરાયલ તેની સંપૂર્ણ જવાબદારી લે છે.'

દોહાના આકાશમાં કાળા ધુમાડાના વાદળો દેખાયા

દોહાના આકાશમાં કાળા ધુમાડાના વાદળો દેખાયા. કતારના અધિકારીઓએ પણ હુમલાની પુષ્ટિ કરી છે. જોકે, હુમલામાં કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી. દોહાના રસ્તાઓ પર તણાવ અને ભયનું વાતાવરણ છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલા પછી યહૂદી દેશ દ્વારા કતાર પર આ બીજો મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

હુમલો ઇઝરાયલી વાયુસેના દ્વારા કરવામાં આવ્યો: IDF

હુમલાની ટેકનિકલ વિગતો હજુ સ્પષ્ટ નથી, પરંતુ ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલો ઇઝરાયલી વાયુસેના દ્વારા કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન કતાર એરવેઝની ફ્લાઇટ્સ દોહામાં સામાન્ય રીતે કાર્યરત રહી, જ્યારે કતાર વાયુસેનાના ઓછામાં ઓછા એક વિમાને દેશની સુરક્ષા પર નજર રાખવા માટે ઉડાન ભરી હતી.

એક નિવેદનમાં, ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF)એ જણાવ્યું હતું કે, હુમલો હમાસ આતંકવાદી સંગઠનના વરિષ્ઠ નેતાઓને ટાર્ગેટમાં રાખીને કરવામાં આવ્યો હતો, જેઓ 7 ઓક્ટોબરના હમાસ હુમલા માટે જવાબદાર છે. નાગરિકોના નુકસાનને ઓછું કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે, જેમાં ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ અને વધારાની ગુપ્ત માહિતીનો ઉપયોગ સામેલ છે. IDF હમાસ સામે દૃઢ નિશ્ચય સાથે કાર્યવાહી ચાલુ રાખશે.

હમાસના ખલીલ અલ-હય્યા અને ઝહેર જબરીનને નિશાન બનાવાયા: IDF

IDFએ કહ્યું કે, હમાસના નેતાઓ ખલીલ અલ-હય્યા અને ઝહેર જબરીનને કતારમાં નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ વાટાઘાટકારને નુકસાન થયું નથી. આ હુમલો એવા સમયે થયો જ્યારે ઇઝરાયલી આર્મી ચીફ એયાલ ઝમીરે વિદેશમાં હમાસના નેતાઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી, અને તેના થોડા કલાકો પહેલા જ ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિડીઓન સારએ કહ્યું હતું કે દેશે ગાઝા માટે યુએસ દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ સ્વીકાર્યો છે.


કતારે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો

હુમલા બાદ કતાર સરકારે તેને કાયરતાપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવ્યું. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ કહ્યું કે સુરક્ષા દળો, નાગરિક સંરક્ષણ અને સંબંધિત એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે.

કતારે ચેતવણી આપી હતી કે તે આ પ્રકારના ઇઝરાયલી વર્તનને સહન કરશે નહીં અને તે તેની સુરક્ષા અને પ્રાદેશિક સાર્વભૌમત્વ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહીની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈરાને પણ આ હુમલાની નિંદા કરી છે.