World

'મેક્રોન માટે ઈઝરાયલના દરવાજા બંધ...', ફ્રાંસના પ્રમુખ પર કેમ ભડક્યાં નેતન્યાહૂ?

By GS TEAM
5 Sep 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલ દ્વારા ગાઝામાં વિનાશકારી હુમલાના કારણે યુરોપ તેના પર રોષે ભરાયું છે. ગાઝામાં થયેલા વિનાશથી નાખુશ છે. ફ્રાન્સ, યુકે સહિત યુરોપના ઘણા દેશો પેલેસ્ટાઈનને સત્તાવાર રીતે માન્યતા આપવા તૈયાર છે. ફ્રાન્સના આ વલણના કારણે ઈઝરાયલે આકરા પગલાં લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મેક્રોન માટે ઈઝરાયલના દરવાજા બંધ...', ફ્રાંસના પ્રમુખ પર કેમ ભડક્યાં નેતન્યાહૂ?

Israel Defused France Macron's Wish: ઈઝરાયલ દ્વારા ગાઝામાં વિનાશકારી હુમલાના કારણે યુરોપ તેના પર રોષે ભરાયું છે. ગાઝામાં થયેલા વિનાશથી નાખુશ ફ્રાન્સ, યુકે સહિત યુરોપના ઘણા દેશો પેલેસ્ટાઈનને સત્તાવાર રીતે માન્યતા આપવા તૈયાર છે. ફ્રાન્સના આ વલણના કારણે ઈઝરાયલે આકરા પગલાં લીધા છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ઈઝરાયલ જવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ધરાર ના પાડી દીધી. તેમણે કહ્યું કે, 'ઈઝરાયલમાં મેક્રોન માટે કોઈ સ્થાન નથી.'

ઈઝરાયલની સુરક્ષા નબળી બનાવવાનો પ્રયાસ

ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારે આજે ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટ સાથે ફોન પર વાતચીત કરતાં કહ્યું કે, પેલેસ્ટાઈનને માન્યતા આપવાના વિરોધમાં ઈઝરાયલ ફ્રાન્સના પ્રમુખની મેજબાની કરશે નહીં. ઈઝરાયલમાં મેક્રોન માટે ત્યાં સુધી કોઈ સ્થાન નથી, જ્યાં સુધી ફ્રાન્સ ઈઝરાયલના હિતોનું નુકસાન કરવાના પ્રયાસો બંધ ન કરે. પેલેસ્ટાઇનને માન્યતા આપવાથી ઇઝરાયલની સુરક્ષા નબળી પડશે. પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ વાટાઘાટો માટે વિશ્વસનીય ભાગીદાર નથી. ફ્રાન્સના આ પ્રયાસો ઈઝરાયલ માટે નુકસાનકારી છે. જેથી અમે તેમનું સ્વાગત કરવા માગતા નથી.

આ પણ વાંચોઃ GST બાદ વધુ એક રાહત આપવાની તૈયારીમાં સરકાર, ટેરિફનું ટેન્શન થઈ જશે દૂર

મેક્રોનના નિર્ણયનો વિરોધ

અગાઉ, ઇઝરાયલના સરકારી મીડિયા Kanએ અહેવાલ આપ્યો હતો કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આગામી UN મહાસભા સેશન પહેલાં મેક્રોન સાથે ટૂંકી મુલાકાતના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. એક અનામી ઇઝરાયલી અધિકારીએ કહ્યું હતું કે, 'અમે મેક્રોનને બેવડું વલણ અપનાવવા દઈશું નહીં.' નોંધનીય છે, મેક્રોને આ મહિનાના અંતમાં યોજાનારી મહાસભામાં પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે, તેમણે ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ અને ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાની હાકલ કરી છે. નેતન્યાહૂએ મેક્રોનના આ નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને તેમણે કહ્યું છે કે આ યહૂદી વિરોધીતાને પ્રોત્સાહન આપશે. પરંતુ મેક્રોને નેતન્યાહૂના આ દાવાને નકારી કાઢ્યો છે.

ઈઝરાયલના હુમલામાં 64,000ના મોત

યુરોપિયન દેશો અને યુએનએ પણ ઇઝરાયલને ગાઝામાં વધુ માનવતાવાદી સહાયની મંજૂરી આપવા અપીલ કરી છે. 7 ઓક્ટોબર 2023 ના રોજ પેલેસ્ટિનિયન જૂથ હમાસ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલા પછી ગાઝા પર ઇઝરાયલના ભીષણ હુમલાઓ ચાલુ છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 64,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. હુમલાઓ માટે ઇઝરાયલ ટીકાનો સામનો કરી રહ્યું છે, તેમ છતાં તે પીછેહઠ કરવા તૈયાર નથી અને હવે ગાઝા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાની તૈયારી કરી રહ્યું છે.