World

ટ્રમ્પની મહેનત પાણીમાં? હિઝબુલ્લાહનો સીઝફાયર માનવાનો ઇન્કાર, ઈઝરાયલે કહ્યું- દક્ષિણ લેબેનૉન ખાલી કરો!

By GS TEAM
25 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી બાદ ઇઝરાયલ અને લેબનોન વચ્ચેનો યુદ્ધવિરામ વધુ ત્રણ અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. જોકે, કાગળ પરના આ યુદ્ધવિરામ છતાં દક્ષિણ લેબનોનની ધરતી હજુ પણ ધડાકાઓથી ધ્રૂજી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની મહેનત પાણીમાં? હિઝબુલ્લાહનો સીઝફાયર માનવાનો ઇન્કાર, ઈઝરાયલે કહ્યું- દક્ષિણ લેબેનૉન ખાલી કરો!

Israel Lebanon Ceasefire Extension: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી બાદ ઈઝરાયલ અને લેબેનૉન વચ્ચેનો યુદ્ધવિરામ વધુ ત્રણ અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. જોકે, કાગળ પરના આ યુદ્ધવિરામ છતાં દક્ષિણ લેબેનૉનની ધરતી હજુ પણ ધડાકાઓથી ધ્રૂજી રહી છે. શુક્રવારે ઈઝરાયલી હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે વળતા પ્રહારમાં હિઝબુલ્લાહે ઈઝરાયલનું અત્યાધુનિક ડ્રોન તોડી પાડ્યું છે.

હિઝબુલ્લાહનો આકરો વિરોધ

હિઝબુલ્લાહના સાંસદ અલી ફય્યાદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યારે ઈઝરાયલ સતત ગોળીબાર, બોમ્બમારો અને હત્યાઓ ચાલુ રાખતું હોય, ત્યારે આ યુદ્ધવિરામનો કોઈ અર્થ રહેતો નથી. નોંધનીય છે કે, હિઝબુલ્લાહ આ યુદ્ધવિરામ સમજૂતીનો ભાગ નથી અને તે લેબેનૉન સરકારની ઈઝરાયલ સાથેની સીધી વાતચીતનો વિરોધ કરી રહ્યું છે.

શું છે વિવાદનું મુખ્ય કારણ?

16 એપ્રિલની સમજૂતી મુજબ ઈઝરાયલી સૈનિકોએ લેબેનૉનની સરહદની અંદર 5થી 10 કિમી સુધી બનાવેલા બફર ઝોનમાંથી હટવાનું નથી. ઈઝરાયલનું કહેવું છે કે, આ વિસ્તાર તેના નાગરિકોની સુરક્ષા માટે જરૂરી છે, જ્યારે લેબેનૉન આ વિસ્તાર પર ઈઝરાયલના કબજાને અસ્વીકાર્ય ગણાવી રહ્યું છે.

આ પણ વાંચો : બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબકારા વધ્યા

હાલના સંઘર્ષની વિગતો

હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે, તેમણે ઈઝરાયલનું હર્મિસ 450 ડ્રોન સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ વડે તોડી પાડ્યું છે. બીજી તરફ, આખો દિવસ બેરૂત પર ઈઝરાયલી ડ્રોન મંડરાતા જોવા મળ્યા હતા. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબેનૉનના દેઇર આમેસ શહેરના રહેવાસીઓને તાત્કાલિક ઘર છોડવા આદેશ આપ્યો છે. યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ આ પ્રકારની આ પ્રથમ મોટી ચેતવણી છે. 2 માર્ચથી અત્યાર સુધીમાં લેબેનૉનમાં આશરે 2,500 લોકોએ જીવ ગુમાવ્યા છે.

શાંતિની આશા કે માત્ર દેખાવો?

બેરૂતના રહેવાસીઓ આ યુદ્ધવિરામને લોકોની બુદ્ધિની મજાક ગણાવી રહ્યા છે. જોકે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આશાવાદી છે. તેમણે વ્હાઇટ હાઉસમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને લેબેનૉનના રાષ્ટ્રપતિ જોસેફ આઉનનું યજમાનપદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચે કાયમી શાંતિ કરાર થઈ શકે છે.