World

ગાઝામાં યુદ્ધવિરામની ઐસી-તૈસી ઈઝરાયેલનો રાફામાં ભયાનક હુમલો

By GS TEAM
20 Oct 20252 mins read
ગાઝામાં યુદ્ધવિરામની ઐસી-તૈસી ઈઝરાયેલનો રાફામાં ભયાનક હુમલો

શાંતિ કરાર મુજબ શસ્ત્રો હેઠા મૂકવા હમાસનો ધરાર ઈનકાર

હમાસે રાફામાં ઈઝરાયેલના સૈનિકો પર ગોળીબાર કરતા ફાઈટર જેટ અને આર્ટિલરીથી આતંકીઓ પર હુમલા કર્યા : ઈઝરાયેલ

તેલ અવિવ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સપ્તાહની શરૂઆતમાં ગાઝા શાંતિ કરાર પર હસ્તાક્ષર કરી મધ્ય-પૂર્વમાં ૩,૦૦૦ વર્ષ પછી લાંબાગાળાની શાંતિ સ્થપાઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે, આ શાંતિ કરાર એક સપ્તાહ પણ ટક્યો નહીં. યુદ્ધવિરામ તોડવાના દોષનો ટોપલો હમાસના માથે નાંખી દેતા ઈઝરાયેલે રવિવારે ગાઝામાં હવાઈ અને આર્ટીલરીથી ભયાનક હુમલો કર્યો હતો. હમાસ પેલેસ્ટાઈનમાં નાગરિકો પર હુમલા કરવાનું છે તેવા અમેરિકન અહેવાલો પછી આ હુમલા કર્યા હોવાનું ઈઝરાયેલે કહ્યું હતું.

ઈઝરાયેલના સૈન્યે રવિવારે જણાવ્યું કે, તેણે ફાઈટર જેટ અને આર્ટિલરી મારફત ગાઝામાં અનેક સ્થળો પર હુમલા કર્યા છે. હમાસના આતંકીઓએ હજુ પણ ઈઝરાયેલના નિયંત્રણ હેઠળના વિસ્તારોની અંદર ઈઝરાયેલના સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. આ સાથે હમાસે ગયા સોમવારે થયેલા શાંતિ કરારોનો પહેલો મોટો ભંગ કર્યો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલના સિક્યોરિટી વડાઓ સાથે ચર્ચા કરીને સૈન્યને યુદ્ધવિરામના કોઈપણ ભંગ સામે આકરો જવાબ આપવા છૂટ આપી હતી. નેતન્યાહુએ ગાઝામાં આતંકી સ્થળો સામે આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, તેમણે ઈઝરાયેલને ફરીથી યુદ્ધમાં નહીં નાંખવા પણ સૂચના આપી હતી.

ઈઝરાયેલના સૈન્યે કહ્યું, આઈડીએફે આતંકીઓના ગોળીબારના જવાબમાં હવાઈ હુમલાને મંજૂરી અપાઈ હતી. રાફા વિસ્તારને નિશાન બનાવતા ફાઈટર જેટ્સથી હુમલા કરાયા હતા અને આર્ટિલરી ફાયરિંગ કરાયું હતું, જેમાં અનેક ટનલ્સ અને મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરાયો હતો. આ સ્થળ પર આતંકી પ્રવૃત્તિ ચાલતી હતી. 

આ સિવાય અમેરિકાએ વિશ્વસનીય સૂત્રોને ટાંકીને હમાસ પર પેલેસ્ટાઈનના નાગરિકોની હત્યા માટે મોટું કાવતરું ઘડવાનો આક્ષેપ કર્યો હતો. આ અહેવાલો પછી ઈઝરાયેલે ગાઝામાં હુમલા કર્યા હતા. જોકે, હમાસે કહ્યું કે, દક્ષિણ ગાઝામાં રાફામાં તે કોઈ અથડામણમાં સંડોવાયેલું નથી. હમાસે પેલેસ્ટાઈનના નાગરિકો પર હુમલા અંગે અમેરિકાના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા.

હમાસે મૃત્યુ પામેલા બે બંધકોના અસ્થી ઈઝરાયેલને સોંપ્યા હતા, જેની ઈઝરાયેલે ઓળખ કરી હતી. પેલેસ્ટાઈનના જૂથોએ શાંતિ કરારનો બીજો તબક્કો શરૂ કરવા માટે વાટાઘાટો શરૂ કરવા જણાવ્યું હતું. બીજીબાજુ ઈઝરાયેલે વધુ નોટિસ ના અપાય ત્યાં સુધી ગાઝા અને ઈજિપ્ત વચ્ચેની રાફા સરહદ બંધ રાખવાની ધમકી આપી હતી. ઈઝરાયેલે કહ્યું કે, હમાસ બંધક કરાયેલા બધા જ ૨૮ ઈઝરાયેલીઓના અસ્થી સોંપે પછી જ રાફા સરહદ ખોલવા અંગે વિચાર કરાશે.

જોકે, હમાસે યુદ્ધવિરામનો ભંગ કર્યો હોવાના ઈઝરાયેલના આરોપો નકારી કાઢ્યા હતા અને યુદ્ધવિરામનો બીજો તબક્કો શરૂ કરવા મધ્યસ્થીઓ સાથે વાટાઘાટો શરૂ કરાઈ છે. વધુમાં હમાસે શાંતિ કરારની કેટલીક શરતો મુજબ હથિયારો હેઠા મુકવાનો ધરાર ઈનકાર કરી દીધો હતો.