Get The App

યુદ્ધનો અંત આણવા 23 દેશોનું દબાણ છતાં ઈઝરાયલના આક્રમક હુમલા, ગાઝામાં વધુ 90ના મોત

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
યુદ્ધનો અંત આણવા 23 દેશોનું દબાણ છતાં ઈઝરાયલના આક્રમક હુમલા, ગાઝામાં વધુ 90ના મોત 1 - image


Israel vs Hamas War Updates : ઈઝરાયેલ લગભગ દોઢ વર્ષથી ગાઝા પટ્ટીને ઘમરોળી રહ્યું છે. હમાસના આંતકી હુમલાના જવાબમાં ઈઝરાયેલ દોઢ વર્ષથી ગાઝા પટ્ટી પર હવાઈ અને જમીની હુમલા કરી રહ્યું છે, જેમાં સેંકડો બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. આવા સંજોગોમાં હવે બ્રિટન, ફ્રાન્સ, કેનેડા સહિત દુનિયાના 23 દેશોએ ઈઝરાયેલ પર ગાઝામાં યુદ્ધ રોકવા દબાણ કર્યું છે. બીજીબાજુ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા ચાલુ રાખતા મંગળવારે 90 જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે.

ગાઝા પટ્ટી પર હવાઈ અને જમીની હુમલા સાથે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના નાગરિકો સુધી દુનિયાના દેશો દ્વારા અપાતી માનવીય સહાય પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, દુનિયાના દબાણના પગલે ઈઝરાયેલે માનવીય સહાયમાં આંશિક છૂટછાટ આપી છે. જેના પગલે ગાઝામાં મંગળવારે ખાદ્યાન્ન ચીજોથી ભરેલી 100 ટ્રકોને પ્રવેશની મંજૂરી અપાઈ છે. જોકે, લગભગ ત્રણ મહિના કરતાવધુ સમયથી ઈઝરાયેલના પ્રતિબંધોના કારણે ભૂખમરાની સ્થિતિમાં પહોંચી ગયેલા ગાઝાના 20 લાખ લોકો સુધી અત્યંત જરૂરી એવી માનવીય સહાય પહોંચી છે કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું નથી.

દુનિયાના દેશોના દબાણ છતાં ઈઝરાયેલે ગાઝામાં નવું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું છે. તેણે કહ્યું કે તેનો આશય હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને છોડાવવાનો અને હમાસનો ખાત્મો છે. ઈઝરાયેલના હુમલામાં મંગળવારે 85થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં ગાઝામાં 300થી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાના વિરોધમાં બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રો અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવાયું છે કે ઈઝરાયેલ તેના નવા સૈન્ય ઓપરેશનો બંધ નહીં કરે અને ગાઝાના લોકો માટે માનવીય સહાયતા પર લગાવાયેલા પ્રતિબંધો દૂર નહીં કરે તો અમે જવાબમાં ઈઝરાયેલ વિરુદ્ધ વ્યાપારિક પ્રતિબંધો મૂકતા નક્કર પગલાં લઈશું.

ઓસ્ટ્રેલિયાએ ૨૩ અન્ય દેશો સાથે મળીને ગાઝામાં મર્યાદિત સહાયને મંજૂરી આપવા અને આ વિસ્તારનો ઘેરાવો અને સૈન્ય વિસ્તાર માટે ઈઝરાયેલની આકરી ટીકા કરી હતી. બ્રિટન, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત ૨૩ દેશોએ ઈઝરાયેલને ભૂખમરાનો સામનો કરી રહેલી વસતી માટે માનવીય સહાયતાનું રાજકારણ ન કરવા વિનંતી કરી છે.

દુનિયાના ૨૩ દેશોના દબાણના સંદર્ભમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જવાબ આપતા કહ્યું કે, આ દેશોના નેતાઓ અમને એ યુદ્ધ રોકવાનું કહે છે, જે અમે પોતાની સુરક્ષા માટે લડી રહ્યા છીએ. આ સિવાય આ દેશ પેલેસ્ટાઈન રાષ્ટ્રની પણ માગ કરી રહ્યા છે. ઈઝરાયેલની સરહદ પર હમાસના આતંકીઓને ખતમ ખરતા પહેલા જ આ દેશો ઈચ્છે છે કે અમે યુદ્ધ બંધ કરી દઈએ. યુદ્ધ ત્યારે જ ખતમ થઈ શકે છે જ્યારે બાકી બચેલા બંધકોને છોડી મૂકવામાં આવે. હમાસ હાર માની લે તો જ યુદ્ધ ખતમ થશે.

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ દુનિયાના દેશોની સાથે હવે ઘર આંગણે પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઈઝરાયેલના નિવૃત્ત જનરલ અને વિપક્ષના ડેમોક્રેટ પક્ષના નેતા યાર ગોલાને નેતન્યાહુની ટીકા કરતા કહ્યું કે, સરકારના યુદ્ધ અંગેના અભિગમના કારણે ઈઝરાયેલ દુનિયામાં અલગ-થલગ પડી રહ્યું છે. કોઈપણ સમજદાર દેશ નાગરિકો સામે લડાઈ કરતો નથી, નાના બાળકોને મારી નાંખવાનો શોખ રાખતો નથી અને સ્થાનિક વસતીને હાંકી કાઢવાનું લક્ષ્ય રાખતો નથી.

Tags :