25 જ મિનિટમાં 7 બોમ્બર્સનો ત્રણ પરમાણુ ઠેકાણા પર હુમલો: અમેરિકાએ આપી ઓપરેશન મિડનાઇટ હેમરની સંપૂર્ણ માહિતી
US Operation Midnight Hammer : ઈઝરાયલના મિસાઈલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહેલા ઈરાન પર હવે અમેરિકાએ ભયાનક હુમલા કર્યા છે. અમેરિકાઓ ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હેઠળ માત્ર 25 મિનિટમાં 7 બોમ્બર્સ ઝીંકી ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાનો નાશ કરી દીધો છે. અમેરિકાએ ઓપરેશનની માહિતી જાહેર કરી કહ્યું કે, ‘અમેરિકી વાયુસેનાએ સાત સ્ટીલ્થ B2 બોમ્બર્સથી ફોર્ડો, નતાન્જ અને ઈસ્ફાહાન સ્થિત ત્રણ પરમાણુ સ્થળે હુમલા કર્યા છે. આ દરમિયાન 12 ભારે ભરખમ બોંબ ઝીંકવામાં આવ્યા છે. સેનાના ગુપ્ત ઓપરેશનમાં 125થી વધુ ફાઈટર જેટ સામેલ હતા, જેમાં એક વિશેષ ‘ડિસેપ્શન’ એટલે કે ચાલાકીની રણનીતિ અપનાવી હતી.
અમેરિકન જનરલે શું કહ્યું?
અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને આજે વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવા માટે 18 કલાક ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. અમે શાંતિપૂર્વ ઓપરેશન પાર પાડ્યું છે. ઓપરેશનમાં 7 સ્ટીલ્થ B2નો ઉપયોગ કરાયો હતો. મિસૌરીના એરબેઝ પરથી અમેરિકાના B2 સ્ટીલ્થ બોમ્બર્સ ફાઈટર જેટ નિકળ્યા હતા અને ઈરાનના પરમાણુ સ્થળો ફોર્ડો અને નતાન્જમાં 30000 પાઉન્ટ (લગભગ 13608 કિલોગ્રામ) વજનના બંકર બસ્ટર બોંબ ઝીંક્યા હતા, જ્યારે ટોમાહૉક ક્રૂઝ મિસાઈલથી ઈસ્ફાહાનમાં હુમલો કરવામાં આવ્યો હતો. અમારા સાત B2 બોમ્બર્સ ફાઈટર જેટમાં બે-બે ક્રૂ મેમ્બર હતા.
હુમલો ક્યારે કરવામાં આવ્યો?
અમેરિકાએ ભારતીય સમય પ્રમાણે રવિવારે સવારે 4.10 કલાકે ઓપરેશન શરૂ કર્યું હતું. ડેન કેને કહ્યું કે, B2 બોમ્બર્સે સૌપ્રથમ ફોર્ડો પરમાણુ સ્થળ પરના બે બંકરો પર બસ્ટર બોંબ ઝિંક્યા હતા. ત્યારબાદ તુરંત નતાન્જ અને ઈમ્ફાહાન પરમાણુ સાઈટ પર હુમલા કરાયા હતા. પછી તમામ અમેરિકન ફાઈટર જેટ સવારે 4.35 કલાકે ઈરાનના હવાઈ વિસ્તારમાંથી બહાર નીકળી ગયા હતા. ઓપરેશનમાં 13 બંકર-બસ્ટર બોંબ, બે ડઝનથી વધુ ટોમહૉક મિસાઈલો અને 125થી વધુ ફાઈટર જેટ સામેલ હતા.
અમેરિકાએ હુમલા માટે ચાલાકી વાપરી
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે ઈરાનને ભ્રમમાં રાખવા માટે ખાસ રણનીતિ બનાવી હતી. આ મુજબ ગુપ્ત મિશન પાર પાડવા માટે સૌપ્રથમ કેટલાક બોંબ ઝિંકતા ફાઈટર જેટ પ્રશાંત મહાસાગર તરફ મોકલ્યા હતા. આ મિશનને ડૉકોય નામ અપાયું હતું. આ મિશન અંગે માત્ર કેટલાકને જ માહિતી અપાઈ હતી.
ટ્રમ્પના આદેશ બાદ કરાયો હુમલો
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘હું આગામી બે સપ્તાહમાં નિર્ણય કરીશ કે, અમેરિકા ઈરાન પર હુમલો કરવા માટે ઈઝરાયલનો સાથ આપશે કે નહીં.’ ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકા તરફથી ઈરાન પર ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. ટ્રમ્પના આ નિવેદનના બે દિવસ બાદ તેઓ વ્હાઈટ હાઉસના સિચુએશન રૂમમાં મિશનની દેખરેખ રાખી હતી અને હુમલા માટે આદેશ આપ્યો હતો.
ઈરાનને છેક સુધી ભ્રમમાં રખાયો
ડેન કેને કહ્યું કે, ‘જ્યારે અમારા ફાઈટર જેટ ઈરાનની અંદર અને બહાર ગયા, ત્યારે ઈરાને કોઈપણ હુમલો કર્યો નથી. અમેરિકા ઈરાનને ભ્રમમાં રાખી શકે તે માટે અમે છેલ્લે ટૉકહોમ મિસાઈલથી ઈસ્ફહાન પર હુમલો કર્યો હતો. હુમલા બાદ અમે એવું કહી શકીએ કે, ઈરાનની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ અમને શોધી શકી નથી.’
ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નષ્ટ : સંરક્ષણ મંત્રી
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું કે, ‘અમારી વાયુસેનાએ ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ સફળતાપૂર્વક પાર પાડ્યું છે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ નષ્ટ થઈ ગયા છે. ટ્રમ્પે પહેલાથી જ કહ્યું હતું કે, ઈરાનને ક્યારેય પરમાણુ હથિયારો બનાવવા નહીં દઈએ.’
આ પણ વાંચો : અમેરિકાના 'મિત્ર દેશે' ઈરાન પર થયેલા હુમલાનો કર્યો વિરોધ, પાકિસ્તાને પણ કરી ટીકા