World

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ : ચીને ઈરાનને વિમાનથી શસ્ત્રો મોકલ્યાં ટ્રાન્સપોન્ડર્સ બંધ કરી ગુપ્ત રીતે વિમાનો ઈરાન સુધી પહોંચ્યાં

By GS TEAM
19 Jun 20252 mins read
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ : ચીને ઈરાનને વિમાનથી શસ્ત્રો મોકલ્યાં ટ્રાન્સપોન્ડર્સ બંધ કરી ગુપ્ત રીતે વિમાનો ઈરાન સુધી પહોંચ્યાં

- લશ્કરી અધિકારીઓ મહાયુદ્ધની ભીતિ દર્શાવે છે

- ટ્રમ્પના લશ્કરી સલાહકારોના વિરોધ છતાં ઈરાનનાં પરમાણુ સંસ્થાનો ઉપરના હુમલામાં અમેરિકા પણ ઈઝરાયલ સાથે સહભાગી થઈ રહ્યું છે

નવી દિલ્હી : ઈઝરાયલી સંરક્ષણ દળોના જણાવ્યા પ્રમાણે ઈરાનનાં હાઈપરસોનિક મિસાઇલ્સના હુમલામાં ૨૦થી વધુ લોકો માર્યા ગયા છે, ૬૦૦થી વધુ ઘાયલ થયા છે. ઈરાને કહ્યું કે ઈઝરાયલી હુમલામાં ૨૨૦થી વધુનાં મૃત્યુ થયા છે, જ્યારે ૧૮૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

ગત શુક્રવારે એટલે કે ૧૩મી જૂને ઈઝરાયલી સેનાએ સવારના જ 'ઓપરેશન-રાઈઝિંગ-લાયન' લોન્ચ કરી ઈરાનનાં સૈન્ય મથકો અને પરમાણુ કેન્દ્રો ઉપર જોરદાર હુમલા કર્યા હતા. આજે (બુધવારે) આ યુદ્ધનો છઠ્ઠો દિવસ છે.

આ સાથે એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે, ઈરાનનાં સૈન્ય મથકો અને પરમાણુ સંસ્થાનો ઉપરના ઈઝરાયલી હુમલામાં હવે અમેરિકા પણ સહભાગી થવા સંભવ છે. જોકે પ્રમુખ ટ્રમ્પના રાજકીય તેમજ લશ્કરી સલાહકારો ટ્રમ્પના આ નિર્ણય સાથે સહમત નથી. તેઓ કહે છે કે, જો તેમ કરીશું તો યુદ્ધ વિકરાળ રૂપ લઈ શકશે. કારણ કે ઈરાનની મદદે હવે ચીન પણ આવી ગયું છે.

દરમિયાન તેવા સમાચાર મળ્યા છે કે જેવો ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો તેની પહેલાના દિવસે જ ચીનનાં એક માલવાહક વિમાને ઉડાન ભરી હતી. તેની પહેલાના દિવસે એક કાર્ગો પ્લેને પણ ઈરાનને શસ્ત્રો પહોંચાડયા હતા. તેના આગળના સોમવારે પણ એક કાર્ગો પ્લેન ચીને ઈરાનને શસ્ત્રો ભરી મોકલ્યું હતું. આમ ત્રણ દિવસમાં ત્રણ વિશાળ કાર્ગો પ્લેને ઈરાનને ઢગલાબંધ શસ્ત્રો પૂરાં પાડયાં છે.

ચીનનાં આ કાર્ગો વિમાનો, ચીનની ઉત્તર-પશ્ચિમે પહેલા કાઝાકીસ્તાન તરફ ગયા પછી દક્ષિણમાં ઉઝબેકીસ્તાન અને તુર્કમેનીસ્તાન તરફ જતાં રડારમાં પકડાયા હતા, પછી અનાચક રડારમાંથી ગૂમ થઈ ગયા. કારણ સીધું અને સાદુ છે તે વિમાનો ઉતરાણ કરતા હતા તેથી નીચી ઉંચાઈએ ઉડતા હતા.

ચીને પોતાની 'રમત' છુપાવવા તેમ કહ્યું હતું કે અમારા વિમાનો લકઝેમ્બર્ગ તરફ જતાં હતાં, પરંતુ તે વિમાનો પૈકી એક પણ વિમાન યુરોપના આકાશમાં દેખાયું ન હતું. વાત સ્પષ્ટ છે તે વિમાનો ઈરાન જ પહોંચ્યા હતા. આ વિમાનો બોઈંગ ૭૪૭ વિમાનો છે જે સામાન્ય રીતે સૈન્ય ઉપકરણો અને સૈનિકોને લઈ જવા માટે વપરાય છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, ઈરાનમાં ઉતરતી વખતે તેમની ઉંચાઈ નીચી હોવાથી રડારમાં પકડાય જ નહીં તો બીજી તરફ તેણે ટ્રાન્સપોન્ડર્સ પણ ઈરાન તરફ પહોંચતાં બંધ કર્યાં હશે જેથી તે રડાર અને કોમર્શિયલ ટ્રેકીંગ સીસ્ટીમથી બચી શકે. આ રીતે તેણે રહસ્યમય અને ગુપ્ત રીતે ઈરાનને શસ્ત્રો અને લશ્કરી સામાન પહોંચાડયો હશે.

વિશેષજ્ઞો વધુમાં કહે છે કે, હવે ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં બે મહાસત્તાઓ અમેરિકા અને ચીન સામસામે આવી ગઈ છે. વૈશ્વિક શાંતિ ખતરામાં પડી ગઈ છે. લશ્કરી નિષ્ણાતો મહાયુદ્ધની ભીતિ દર્શાવે છે.