75 ટકા ગાઝા-પટ્ટી ઉપર ઇઝરાયેલનો કબજો, 10,000 ત્રાસવાદી મથકોનો કરાયેલો ખાતમો

- ગાઝામાં ભૂખમરો અને માતમ સિવાય રહ્યું છે શું
- ઈઝરાયેલી સેનાએ કહ્યું : ''ગીડીઓનનો રથ ફરી વળ્યો છે, 20,000 અનામતના દળો કાર્યરત છે બીજા 60,000 અનામત દળો સક્રિય થશે
તેલ અવીવ, (ઇઝરાયેલ) : ઇઝરાયલી સેનાએ બુધવારે જણાવ્યું હતું કે, (શાંતિ-મંત્રણા-પડી ભાંગતાં) ફરી કરાયેલા પ્રચંડ હુમલાને બુધવારે જ ૨૦૦ ત્રાસવાદી મથકોનો નાશ કરાયા સાથે કુલ ૧૦,૦૦૦ જેટલાં ત્રાસવાદી મથકોનો ખાતમો કરાયો છે. અને ૭૫ ટકા જેટલી ગાઝાપટ્ટી ઉપર અમે કબજો જમાવી દીધો છે. છેક દક્ષિણે ૨૫ ટકા જેટલી પટ્ટી જ હમાસના કબજામાં છે.
આ હુમલામાં ૨૦,૦૦૦ જેટલાં અનામતદળો સક્રિય હતાં અને હજી વધુ ૬૦,૦૦૦ અનામત દળોને બોલાવી લેવાયાં છે.
ઇઝરાયલી સેનાએ વધુમાં જણાવ્યું હતું કે અમારા આક્રમણમાં હમાસના અગ્રીમ તેમજ ટોચના નેતાઓ સહિત ૨,૦૦૦ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. તેમાં માર્યા ગયેલા ટોચના નેતાઓ જ ઇઝરાયલ ઉપર હુમલા કરવાનું આયોજન કરતા હતા તેમજ તે હુમલા માટે દોરવણી પણ આપતા હતા. અમે હજી સુધીમાં ૧૦,૦૦૦ જેટલાં ત્રાસવાદી મથકોનો નાશ કર્યો છે. તેમાં હમાસનાં પાયાનાં સ્થળો, શસ્ત્ર ભંડારો અને ભૂગર્ભ સ્થિત ટનલ નેટવર્ક સમાવિષ્ટ છે.
ઇઝરાયલ સેનાએ મોરાગ અને માગન ઓઝ નામક બે પટ (કોરિડોર્સ) બનાવ્યા છે. હમાસ ઉપર ઉપરથી અને જમીન ઉપરથી પણ હુમલા ચાલુ છે.
(શાંતિ મંત્રણા પડી ભાંગ્યા પછી) ઇઝરાયલની કેબિનેટે વ્યાપક આક્રમણને મંજૂરી આપી હતી. તે પૂર્વે ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયે તેની સંપૂર્ણ યોજના કેબિનેટને સમજાવી હતી. આ પછી કરાયેલાં પ્રચંડ હવાઈ તેમજ ભૂમિ આક્રમણને ઓપરેશન ગીડીઓન તેવું નામ અપાયું (ગીડીઓન તે ઇઝરાયલનાં યુદ્ધ-દેવ છે.) તેના પ્રચંડ વિનાશક હુમલા અંગે સેનાએ કહ્યું ગિડીઓનનો રથ ફરી વળ્યો છે. અત્યારે ગાઝાપટ્ટીમાં લાશનું મંજર છવાઈ ગયું છે. ભૂમખરા અને માતમ સિવાય બીજું કશું દેખાતું નથી. તેમ નિરીક્ષકો આક્રોશ સાથે કહી રહ્યાં છે.









