VIDEO : ભીષણ યુદ્ધ: એકસાથે 50 ફાઇટર જેટ સાથે ઇઝરાયલનો ઈરાન પર હુમલો, સૈન્ય ઠેકાણા પર ભારે નુકસાન
Iran-Israel War News : ઇઝરાયલે 50થી વધુ ફાઇટર જેટ મોકલીને ઈરાન પર ભયાનક હુમલા કર્યા છે. તેણે દાવો કર્યો છે કે, ગુપ્ત માહિતી મળ્યા બાદ ઇઝરાયલી સેના(IDF)એ તેહરાનમાં મુખ્ય કમાન્ડ સેન્ટરો અને સંપત્તિઓ પર મિસાઇલ હુમલા કર્યા છે. આઇડીએફએ કહ્યું કે, ‘તાજેતરમાં મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે, તેમાં ઈરાની સેનાના હથિયારોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમે ઈરાન સેનાના હેડક્વાર્ટર, મિસાઇલ-રડાર પ્રોડક્શન સાઇટ અને મિસાઇલ સંગ્રહ સ્થળોને ટાર્ગેટ કરીને હુમલા કર્યા છે.
ઇઝરાયલના હુમલામાં ઈરાનના અનેક મહત્ત્વના ઠેકાણા નાશ
આઇડીએફએ કહ્યું કે, ‘ઈરાન સરકારના અનેક સૈન્ય હેડક્વાર્ટર પર હુમલા થયા છે, જેમાં થરલ્લાહ હેડક્વાર્ટર સામેલ છે. હુમલાથી બચવા માટે બનાવાયેલા રિવોલ્યુશનરી ગાર્ડ્સના જનરલ હેડક્વાર્ટરને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇઝરાયલી ફાઇટર જેટે ઈરાનની સુરક્ષા કરતાં અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના સૈયદ અલશહાદા બ્રિગેડ પર બોંબ ઝીંક્યા છે. અમે ઈરાન પર વધુ હુમલા શરુ કરી દીધા છે. અમે અમારા દેશની સુરક્ષા કરવા માટે કાર્યવાહી ચાલુ રાખીશું.
ઈરાનના છ ઍરપોર્ટ પર હુમલો
ઇઝરાયલે વધુમાં કહ્યું કે, ‘અમારી સેના આઇડીએફએ પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ઈરાનમાં 6 ઍરપોર્ટ પર હુમલો કર્યો છે, જેમાં રનવે, ભૂગર્ભ હેંગર, રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ, F-14, F-5 અને AH-1 એરક્રાફ્ટનો નાશ કરવામાં આવ્યો. નાશ પામેલા એરક્રાફ્ટ IAF જેટને રોકવા માટે હતા. IAFએ આ ઍરપોર્ટ પરથી ટેક ઑફ ક્ષમતાઓ તેમજ ઈરાની સૈન્યની તેમના હવાઈ દળને ચલાવવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યું છે.
ઇઝરાયલનો પણ ફોર્ડોમાં હુમલો, ઈરાને પણ મિસાઇલો છોડી
અમેરિકા બાદ હવે ઇઝરાયલ તરફથી ઈરાનના ફોર્ડો સ્થિત અંડરગ્રાઉન્ડ પરમાણુ મથક પર હુમલો થયો છે. જેનો વળતો જવાબ આપતાં ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોનનો વરસાદ કર્યો છે. ઈરાને અમેરિકાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલા પરમાણુ મથકો પર હુમલાના કારણે અમને અમેરિકાના સૈન્ય મથકો પર હુમલો કરવાની છૂટ મળી છે. રવિવારે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથક પર હુમલો કરી યુદ્ધમાં એન્ટ્રી લીધી હતી.
ઇઝરાયલના પણ હુમલા
ઈરાનની રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઇઝરાયલની એરસ્ટ્રાઇક ચાલુ જ છે. ઈરાનના પરમાણુ મથકોને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. વિયેનામાં ગ્રોસીએ જણાવ્યું કે, IAEA સહિત કોઈપણ હજી સુધી ફોર્ડો પરમાણુ મથક પર થયેલા નુકસાનની આકલન કરવાની સ્થિતિમાં નથી.
ફોર્ડો પરમાણુ મથકને મોટું નુકસાન
ઈરાને સરકારી ટીવીમાં જણાવ્યું હતું કે, ફોર્ડો સ્થિત પરમાણુ મથક રવિવારના હુમલામાં પ્રભાવિત થયું છે. સોમવારે ફરી આ મથક પર હુમલો થયો હતો. આ હુમલો કોણે કરાવ્યો અને કેટલું નુકસાન થયુ તેની માહિતી નથી. જો કે, ઇઝરાયલે અગાઉ આ હુમલો પોતે કરાવ્યો હોવાનો દાવો કર્યો હતો. વિયેનામાં યુએન ન્યુક્લિયર વોચડોગના હેડએ કહ્યું હતું કે, રવિવારે અમેરિકા દ્વારા બંકર બસ્ટર બોમ્બ મારફત કરવામાં આવેલા હુમલાના કારણે ફોર્ડો પરમાણુ મથકને ભારે નુકસાન થયું હોવાની શક્યતા છે. આ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલા વિસ્ફોટક પેલોડને ધ્યાનમાં લેતાં મોટાપ્રમાણમાં નુકસાન થયું હોવાની આશંકા છે.
ઈરાનની અમેરિકા-ઇઝરાયલને ચેતવણી
પરમાણુ મથકો પર હુમલા બાદ ઈરાને કહ્યું કે, અમેરિકાએ મિસાઇલો અને 30,000 પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ મારફત ત્રણ મથકો પર હુમલો કરી પોતાનું જોખમ વધાર્યું છે. તેના માઠા પરિણામ ભોગવવા પડશે. ઇઝરાયલને પણ ખુલ્લેઆમ હુમલા કરવાની ધમકી આપી છે. ઇઝરાયલના લોકોને સુરક્ષિત આશ્રય સ્થળો પર જવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઈરાને હાઇફા અને તેલ અવીવને ટાર્ગેટ બનાવ્યું હતું. જેરુસેલમમાં પણ હુમલા કર્યા છે. જો કે, નુકસાનનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી.