ઇરાનના ત્રીજા ભાગના મિસાઇલ લોન્ચર નષ્ટ કરવાનો ઇઝરાયેલનો દાવો

- તેહરાનના આકાશમાં અમારા હવાઈદળનું પ્રભુત્વ: નેતન્યાહુ
- ઇઝરાયેલ અને ઇરાનના એકબીજા પરના મિસાઇલ અને ડ્રોન હુમલામાં અનુક્રમે 400 તથા 24ના મોત
- અણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની તૈયારી કરતું ઇરાન આગામી દિવસોમાં તેનો ખરડો લાવશે
- તેહરાન છોડીને ભાગી રહેલા લોકો, અઝરબૈજાનની સરહદ પર મોટાપાયા પર ઇરાનીઓનો જમાવડો થયો
નવી દિલ્હી : ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને ચાર દિવસ થઈ ગયા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ (આઇડીએફ)એ જણાવ્યું છે કે અમે ફક્ત ચાર જ દિવસમાં ઇરાનના ૧૨૦થી વધુ મિસાઇલ લોન્ચર્સ નષ્ટ કરી દીધા છે. તેનો દાવો છે કે અમે ઇરાનના ત્રીજા ભાગના મિસાઇલ લોન્ચર્સ ખતમ કરી નાખ્યા છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ જણાવ્યું હતું કે ઇરાનના આકાશમાં અમારું પ્રભુત્વ છે.
આઇડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મધ્ય ઇરાનના ઇસ્ફાહનમાં લગભગ ૧૦૦થી પણ વધુ મિલિટરી ટાર્ગેટ પર અમે ૫૦ ફાઇટર જેટ અને એરક્રાફ્ટ સાથે હુમલો કર્યો હતો. આ ઇઝરાયેલ તરફ છોડવામાં આવેલી ૨૦થી વધુ મિસાઇલને પણ હવામાં જ ખતમ કરવામાં આવી હતી. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ જણાવ્યું હતું કે ઇરાનના આકાશ પર ઇઝરાયેલનો અંકુશ છે. ઇઝરાયેલના હુમલામાં ઇરાનમાં ૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ઇરાનના હુમલાના લીધે ઇઝરાયેલમાં ૨૪ના મોત થયા છે અને ૧૬ને ઇજા થઈ છે અને તેમાના ૧૦ ગંભીર છે. ઇરાને ઇઝરાયેલ પર ૩૭૦થી વધુ બેલિસ્ટિક મિસાઇલ છોડયા છે. ઇરાનના મિસાઇલોના લીધે ઇઝરાયેલના તેલઅવીવમાં ઘણા બિલ્ડિંગોને નુકસાન થયું છે.
અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનની ટીમે ઇઝરાયેલના કેટલાય બિલ્ડિંગોને નુકસાન થયું તે દર્શાવ્યું હતું. ઇઝરાયેલે હમાસના હુમલા પછી પહેલી વખત આ પ્રકારનું નુકસાન વેઠયું છે. ઇરાનના ફોર્ડો પરમાણુ મથક જોડે સોમવારે સવારે જબરદસ્ત વિસ્ફોટ સંભળાયા છે. ઇરાનના શહેર કોમની બહાર ફોર્ડો ન્યુક્લિયર ફેસિલિટી પર કેટલાય વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે. ઇરાને પણ વળતો હુમલો કરતાં ઇઝરાયેલ પર ૧૦૦થી વધુ મિસાઇલો વડે પ્રહાર કર્યો છે. જો કે આ સાઇટ પર કેટલું નુકસાન થયું છે તેના આંકડા હજી ઇરાને આપ્યા નથી. બંને દેશ પાછળ હટવા માંગતા નથી તે જોતાં આગામી દિવસોમાં યુદ્ધ વધુ આકરું થઈ શકે છે.
ઇઝરાયેલના હુમલાના લીધે ઇરાનના રાજધાની તેહરાનમાંથી નીકળતા રસ્તાઓ કારોથી ભરાઈ ગયા છે. રસ્તા પર જબરદસ્ત ટ્રાફિક જામ છે. શહેરમાં જે પણ જુઓ તે શહેર છોડવા દોટ લગાવી રહ્યું છે. તહેરાન પર ઇઝરાયેલના બોમ્બાર્ડિંગ અને મિસાઇલ હુમલા તથા સતત મોતોની સાથે ઘાયલ લોકોએ શહેરનું વાતાવરણ ડરામણુ બનાવી દીધું છે. મિસાઇલ હુમલાથી લોકોમાં ભયનું વાતાવરણ છે. ઇરાનની સરકાર લોકોની શંકાઓ દૂર કરવા પ્રયત્ન કરી રહી છે. તે જણાવી રહી છે કે લોકો મસ્જિદો, સ્કૂલો અને મેટ્રો સ્ટેશનોમાં આશરો લઈ શકે છે. જો કે સરકારે કબૂલ્યું છે કે નાગરિકો માટે તેણે કોઈ મોટાપાયે બંકર જેવી વ્યવસ્થા કરી નથી. જો કે તેનો દાવો છે કે અનાજ, દવા, ઇંધણ પૂરતા પ્રમાણમાં છે. ઇરાનના કટેલાય લોકો તુર્કીયે ભાગી રહ્યા છે. અઝરબૈજાનની સરહદ પર લોકો મોટાપાયા પર જમા થઈ રહ્યા છે. અઝરબૈજાન પણ મોટાપાયા પર શરણાર્થી સંકટનો સામનો કરવા સજ્જ થઈ રહ્યું છે.
આ બધાની વચ્ચે ઇરાને જણાવ્યું છે કે તેઓ પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાનો ખરડો તૈયાર કરી રહ્યા છે. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ઇરાન સામૂહિક વિનાશના શસ્ત્રોનો વિરોધ કરે છે અને અમે પરમાણુ શસ્ત્રો બનાવવાની તરફેણમાં નથી. આ પહેલા ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને જણાવ્યું હતું કે ઇરાનનો પરમાણુ શસ્ત્રો બનાવવાનો કોઈ ઇરાદો નથી, પરંતુ તે પરમાણુ ઉર્જા પર રિસર્ચ કરવાના તેના અધિકારનું પાલન કરશે.









