તેલ અવીવ, તા. 15 ઓક્ટોબર 2023
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં હવે સીરિયાના મીડિયાએ દાવો કર્યો છે કે, ઈઝરાયેલે સીરિયાના અલેપ્પો ઈન્ટરનેશન એરપોર્ટ પર એર સ્ટ્રાઈક કરી છે.
ઈઝરાયેલ ગાઝામાં તો હમાસના આશ્રય સ્થાનોને ટાર્ગેટ કરી જ રહ્યુ છે અને તેમાં ઘણા લોકોના મોત પણ થયા છે. પેલેસ્ટાઈનનુ કહેવુ છે કે, ગાઝામાં 2228 લોકો મોતને ભેટ્યા છે અને બીજા 8000 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલે સ્પષ્ટપણે કહ્યુ છે કે, હમાસ સરેન્ડર કરે અને જેમને બંધક બનાવવામાં આવ્યા છે તેમને છોડી મુકે તો જ લશ્કરી કાર્યવાહી રોકવામાં આવશે.
જોકે હમાસ સાથેના યુધ્ધની વચ્ચે સીરિયાની મીડિયાના અહેવાલ સાચા હોય તો ઈઝરાયેલે અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરેલી એર સ્ટ્રાઈકના કારણે યુધ્ધમાં નવો મોરચો ખુલે તેવી દહેશત પણ દેખાઈ રહી છે.
ઈઝરાયેલે સીરિયાના મીડિયાના દાવા પર હજી સુધી પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ ઈરાન પણ આ યુધ્ધમાં ઝંપલાવવા માટે ઈઝરાયેલને ધમકી આપી રહ્યુ છે. બીજી તરફ અમેરિકા આરબ દેશોની સાથે સતત વાટાઘાટો કરી રહ્યુ છે અને સ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે.


