ઇઝરાયલે ગાઝા પર ફરી બોમ્બ વરસાવ્યા, 34 લોકોના મોત, અત્યાર સુધીમાં 56 હજારથી વધુ લોકોના ગયા જીવ
Israel Gaza Conflict : ઇઝરાયલે શુક્રવારે અને શનિવારે ગાઝા પર કરેલા હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. શિફા હૉસ્પિટલના કર્મચારીઓના કહેવા પ્રમાણે ગાઝા શહેરના ફલિસ્તીન સ્ટેડિયમમાં 12 લોકોના મોત થયા હતા. આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે, આ હુમલામાં ગાઝામાં આશરે 34 લોકોના મોત થયા છે. હૉસ્પિટલના કહેવા પ્રમાણે દક્ષિણ ગાઝામાં મુવાસીમાં વિસ્થાપિત લોકો માટે લગાવવામાં આવેલા તંબુ પર હુમલામાં 6 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: ખૈબર પખ્તૂનખ્વાંમાં પાકિસ્તાની સૈન્યના કાફલા પર આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત
ટ્રમ્પે યુદ્ધવિરામની વાત કરી
ઇઝરાયલ દ્વારા આ હુમલો એવા સમયે થયો હતો કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું કે, આવતા અઠવાડિયાની અંદર યુદ્ધવિરામ કરાર થઈ શકે છે. શુક્રવારે ઓવલ ઑફિસમાં પત્રકારોના સવાલોના જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે, 'અમે ગાઝા પર કામ કરી રહ્યા છીએ અને તેને સંભાળવાની કોશિશ કરી રહ્યા છીએ.' આ અંગે પરિસ્થિતિથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઇઝરાયલના વ્યૂહાત્મક બાબતોના પ્રધાન રોન ડર્મર ગાઝા યુદ્ધવિરામ, ઈરાન અને અન્ય મુદ્દાઓ પર વાતચીત માટે આવતા અઠવાડિયે વોશિંગ્ટન પહોંચશે.
અત્યાર સુધીમાં 56 હજારથી વધુ લોકોના ગયા જીવ
નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ મીડિયાને માહિતી આપતાં કહ્યું કે, મને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી આપવામાં નથી આવી. ગાઝામાં લગભગ 50 બંધકો બાકી છે, જેમાંથી અડધાથી ઓછા લોકો બચી ગયા હોવાનું માનવામાં આવે છે. આ તમામ લોકો 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યા પછી બંધક બનાવવામાં આવેલા લગભગ 250 લોકોમાંથી હતા, જે બાદ 21 મહિના સુધી યુદ્ધ ચાલ્યું. ગાઝા આરોગ્ય મંત્રાલય અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 56 હજારથી વધુ માર્યા ગયા છે.