ગાઝામાં યુદ્ધ 15 દિવસમાં સમાપ્ત થશે ! નેતન્યાહૂ અને ટ્રમ્પે સાથે મળીને નિર્ણય લીધો
Israel-Hamas War : છેલ્લા દોઢ વર્ષની માનવ સંકટનો સામનો કરી રહેલા ગાઝાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરાવ માટે માની ગયા છે. નેતન્યાહૂ અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં વહેલામાં વહેલી તકે યુદ્ધ બંધ કરવા તેમજ અબ્રાહમ સમજૂતીનો વિસ્તાર વધારવા સંમત થઈ ગયા છે.
ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટ મુજબ ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનીક વાતચીત થઈ છે. બંને નેતાઓ ગાઝામાં ઈઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ બુધ કરવા સંમત થયા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, યુએઈ-ઈજિપ્ત ઈઝરાયલના નેતૃત્વ હેઠળ ગાઝામાં સરકાર બનાવશે.
દેશમાંથી હમાસ જૂથને હાંકી કઢાશે
બંને વચ્ચે એવી પણ વાતચીત થઈ છે કે, દેશમાંથી હમાસ જૂથને હાંકી કાઢવામાં આવશે અને તમામ બંધકોને મુક્ત કરાશે. ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે સોમવારે (23 જૂન) વાતચીત થઈ હતી. રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયા-સીરિયા ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપશે અને અન્ય મુસ્લિમ દેશો પણ આવું જ કરશે. બીજીતરફ આરબ દેશો વારંવાર કહી રહ્યા છે કે, ગાઝામાં યુદ્ધ બાદ પેલેસ્ટિનિયન ઓથોરિટીને સત્તા આપવામાં આવે. જો આમ કરવામાં આવશે તો જ તેઓ ગાઝામાં યુદ્ધ બાદ પુર્નવસનમાં ભાગ લેશે.
યુદ્ધમાં 50 હજારથી વધુના મોત
સાત ઓક્ટોબર-2023ના રોજ હમાસના લડાકુઓએ ઈઝરાયલમાં અચાનક હુમલો કરી દીધો હતો. આ યુદ્ધને લગભગ દોઢ વર્ષ થઈ ગયા છે. કતારે મંગળવાર (24 જૂન) કહ્યું હતું કે, તે ગાઝામાં યુદ્ધવિરામ કરાવવા માટે નવો પ્રયાસ કરશે. હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબસ ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીમાં ઓછામાં ઓછા 56,156 લોકોના મોત થયા છે.