ઈઝરાયલે યમનનાં બંદરો પર હુમલા કર્યા સાથે કહ્યું : હુથી નેતા અમારા નિશાના પર છે
- હમાસ સાથે મૈત્રી ધરાવતા હુથીએ ઈઝરાયલ ઉપર મિસાઇલ્સ છોડયાં પરંતુ અમેરિકન જહાજો ઉપર હુમલા કરવાનું નિવાર્યું
નવી દિલ્હી : ઈઝરાયલે રાતા સમુદ્ર સ્થિત હોદીદાહ અને સાલીફ બંદરો ઉપર મિસાઇલ હુમલા કર્યા હતા. તે દ્વારા હુથીની યુદ્ધ શક્તિ તોડવા પ્રયત્ન કર્યો હતો સાથે ખુલ્લેઆમ જણાવી દીધું હતું કે, હુથીના નેતા અબ્દુલ-મલિક-અલ-હુથી ઉપર જ હુમલો કરવામાં આવશે માટે ઈઝરાયલ ઉપર થતા મિસાઇલ હુમલા બંધ કરો.
હુથીને હમાસ સાથે મૈત્રી છે તેથી તેઓ ઈઝરાયલ ઉપર મિસાઇલ્સ છોડતા જ રહે છે. પરંતુ અમેરિકાના જહાજોની ઉપર હુમલા કરતા નથી.
બીજી તરફ ઈઝરાયલે વળતાં પગલાં રૂપે હુથીનાં અનેક સ્થળો ઉપર હુમલા ચાલુ રાખ્યા છે. યમનનાં પાટનગર સાનાનાં મુખ્ય વિમાનગૃહ ઉપર પણ ઈઝરાયલે હુમલો કર્યો હતો. તેના પરિણામે વિમાનગૃહની એર-સ્ટ્રિપ તો ખેદાન-મેદાન થઈ ગઈ જ હતી, પરંતુ તે સાથે કેટલાયે માણસોનાં મૃત્યુ પણ થયા હતા.
ઈઝરાયલે શુક્રવારે જણાવ્યું હતું કે, હોદીદાહ અને સાલીફ બંદરો શસ્ત્ર-સરંજામ લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં હતાં. આ બંદરો ઉપર હુમલા કરતાં પૂર્વે અમે તે શહેરોમાં રહેતા નાગરિકોને દૂર ચાલ્યા જવા જણાવ્યું હતું.
આ શહેરોમાં રહેતા નાગરિકોએ ૪ મોટા ધડાકા સાંભળ્યા હતા અને બંદર વિસ્તારમાંથી ધૂમાડા નીકળતા પણ જોયા હતા.
દરમિયાન ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ગમે તેમ કરીને હુથી નેતા અબ્દુલ મલિક અલ હુથીને શોધી કાઢી તેને ઠાર મારશે જ જો હુથીઓ ઈઝરાયલ ઉપર મિસાઇલ છોડયા જ કરશે તો તેમને સખત નશ્યત કરવામાં આવશે અને તેમના નેતાને પણ ખતમ કરવામાં આવશે. અમે હમાસના યાહ્યા સિનવાર અને હીઝબુલ્લાહના હસન નસરૂલ્લાહને પણ ખતમ કર્યા છે.
હુથીઓ ઈરાનની કહેવાતી 'એક્સિ ઓફ રેઝિસસ્ટન્સનાના ભાગ રૂપે છે.' આ એક્સિસ મધ્યપૂર્વમાં ઈઝરાયલ અને અમેરિકા સામે લડે છે. હમાસ ગાઝામાં હિઝબુલ્લાહ લેબેનોનમાં હુથી યમનમાં યમનની ૬૦ ટકા વસ્તી હુથીના હાથ નીચે છે.