ઈઝરાયલે ગાઝામાં શાળામાં રહેતા શરણાર્થીઓ પર કર્યો હુમલો, પત્રકાર અને રેડ ક્રોસના કાર્યકર્તા સહિત 30ના મોત
Israel attacks refugees living in school in Gaza : ઈઝરાયલે રવિવારે મોડી રાત્રે ગાઝામાં અનેક સ્થળોએ હુમલા કર્યો. આ હુમલાઓમાં એક શાળાને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેમાં પત્રકાર અને રેડ ક્રોસના કાર્યકર્તા સહિત 30ના મોત થયાના રિપોર્ટ મળ્યા છે. શાળામાં લાગેલી આગમાં લોકો જીવતા બુજાયા હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ તે એક કિન્ડરગાર્ટન સ્કૂલ હતી, અને આ શાળાનો ઉપયોગ શરણાર્થી શિબિર તરીકે થઈ રહ્યો હતો.
પત્રકાર અને રેડ ક્રોસના કાર્યકર્તા સહિત 30ના મોત
આ હુમલામાં બે રેડ ક્રોસના કાર્યકરો, એક પત્રકાર અને કેટલાક બાળકોનો મોત થયા છે. આ અંગે મળેલા રિપોર્ટ પ્રમાણે સોમવારે ગાઝામાં ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોનાં મોત થયા છે. તો બીજી બાજુ સ્પેને માંગ કરી છે કે વિશ્વભરના દેશો ઇઝરાયલ પર પ્રતિબંધો લાદે. ગાઝા પર 23 મેના રોજ ઇઝરાયલી હુમલામાં ખાન યુનિસના મહિલા ડોક્ટર ડૉ. અલ-નજ્જરના નવ બાળકો માર્યા ગયા હતા, જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 7 મહિનાથી 12 વર્ષ સુધીની હતી. આ હુમલામાં ડોક્ટરના પતિને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
ઇઝરાયલનો ગાઝાના 77% ભાગ પર કબજો
ઇઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે ગાઝામાં મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે હેઠળ 14 થી 20 મે દરમિયાન હમાસના 670 થી વધુ ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો. જેમાં ગાઝાના લગભગ 512 લોકો માર્યા ગયા હતા. અલ જઝીરાના અહેવાલ પ્રમાણે ગાઝાના સરકારી મીડિયા કાર્યાલય દ્વારા રવિવારે દાવો કરવામાં આવ્યો હતો કે, ઇઝરાયલે ગાઝા પટ્ટીના 77% ભાગ પર નિયંત્રણ મેળવી લીધું છે.
ઇઝરાયલ પર નરસંહારનો આરોપ
ગાઝાના મીડિયા ઓફિસે ઇઝરાયલ પર ગાઝાપટ્ટીને પેલેસ્ટિનિયન વસતિથી મુક્ત કરવાનું કાવતરું ઘડવાનો અને નરસંહારનો આરોપ લગાવ્યો હતો. તેમજ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયલી સેનાએ બફર ઝોન, સુરક્ષા કોરિડોર અને ભારે તોપમારા દ્વારા ગાઝાના ઉત્તરી અને દક્ષિણ ભાગો પર કબજો કરી લીધો છે.