- ઈરાન, ઈરાક, સીરીયા, ઈઝરાયેલ, યમન બધાં જ અશાંત છે
- નવેમ્બર 23 થી જાન્યુ. 25 સુધીમાં હુથીએ 100થી વધુ વ્યાપારી જહાજોને નિશાન બનાવ્યાં છે તેની પાસે બોટ મિસાઇલ્સ અને ડ્રોન વિમાનો પણ છે
દુબઈ (યુ.એ.ઈ) : યમનના હુથી બળવાખોરોનાં પોર્ટસ તથા અન્ય સવલતો ઉપર ઈઝરાયેલે પ્રચંડ એર સ્ટ્રાઇકસ કરી છે. તો તેના વળતા જવાબ રૂપે હુથીએ ઈઝરાયલ પર મિસાઇલ વર્ષા કરી હતી. ઈઝરાયલે સોમવારે સવારે આ હુમલો એટલે કર્યો હતો કે હુથીએ રવિવારે લાઈબેરિયાનાં વ્યાપારી જહાજ ઉપર રાતા સમુદ્રમાં બોમ્બ લઈ જતી ડ્રોન બોટ (પાણીમાં પણ તરતા રહે તેવા ડ્રોન) દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.
હુથી હમાસના સમર્થક છે, ઈઝરાયેલ પ્રત્યે કટ્ટર વેર ધરાવે છે. ઈઝરાયેલના કે તેને સહાય કરતા દેશોનાં વ્યાપારી જહાજોને પણ ડૂબાડી દે છે. હુથીએ નવેમ્બર ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં ૧૦૦થી વધુ વ્યાપારી જહાજો ઉપર હુમલા કર્યા છે. વ્યાપારી જહાજો પર ચઢી જઈ ત્યાં લૂંટફાટો કરી છે. સુએઝ કેનાલમાંથી આવતાં કે સુએઝ કેનાલ તરફ જતાં તેમજ એડનના અખાતમાં અને અરબી સમુદ્રના ઉત્તરના વિશેષત: અરબી સમુદ્રના ઉત્તર પશ્ચિમના વિસ્તારમાંથી પસાર થતાં જહાજોની સંખ્યા ઘટી ગઈ છે. આથી હવે ઈઝરાયેલી અને અમેરિકા સાથે મળી હવે હુથીનો સફાયો કરવા યોજના તૈયાર કરી રહ્યા છે કારણ કે આ વિસ્તારમાંથી આશરે ૩૦ ટકા જેટલો સમુદ્રીય વ્યાપાર ચાલે છે.
કેટલાક વિશ્લેષકોએ આ હુમલાઓને અનુલક્ષીને ગંભીર ટીકા કરી હતી કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાનથી શરૂ કરી ઈરાક, સીરીયા, ઈઝરાયેલ અને યમન (હુથીનું ઉદ્ગમ સ્થાન) સુધી સમગ્ર વિસ્તાર અશાંત છે.


