ઇઝરાયેલનો સીરિયામાં સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર પર હુમલો

- સીરિયામાં આંતરિક સંઘર્ષમાં 250થી વધુ માર્યા ગયાનો દાવો
- ઇઝરાયેલના હુમલાના પગલે સીરિયામાં ન્યૂઝ ટીવી એન્કર ડરની મારી લાઇવ શો છોડીને ભાગી ગઈ
તેલઅવીવ : ઇઝરાયેલે ગાઝાની સાથે સીરિયામાં પણ હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયેલે સીરિયામાં કરેલા બે ડ્રોન હુમલામાં એક હુમલો સીરિયાના સંરક્ષણ મંત્રાલય અને બીજો આર્મી હેડક્વાર્ટર પર કર્યો હતો. ઇઝરાયેલનો દાવો છે કે તે સીરિયામાં રહેતા લઘુમતી સમુદાય ડ્રુઝ લોકોના સંરક્ષણ માટે આ પગલું ભરી રહ્યુ છે. આ દરમિયાન ગાઝામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ના મોત થયા છે.
હાલમાં સીરિયાના દક્ષિણ શહેર સ્વેદામાં સ્થાનિક સુરક્ષા દળો અને ડ્રુઝ સમુદાયના લડવૈયાઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયા પછી ઇઝરાયેલે સીરિયાના સુરક્ષા દળો પર હુમલા શરૂ કર્યા. ઇઝરાયેલનું કહેવું છે કે તે ડ્રુઝ લઘુમતીને બેદુઇન આરબો અને સ્થાનિક સુરક્ષા દળોથી બચાવવા માટે આ હુમલા કરી રહ્યું છે. તેની સાથે ડ્રુઝ લઘુમતીઓ પર હુમલા થતાં રહ્યાં તો ઇઝરાયેલે વધુ હુમલા કરવાની સીરિયાને ચેતવણી પણ આપી છે. ડ્રુઝ લઘુમતી સમુદાય નથી મુસ્લિમોમાં આવતો કે નથી યહૂદીઓ કે નથી ખ્રિસ્તીઓમાં આવતો. તે હિંદુ, બૌદ્ધ અને અન્ય ધર્મોનો મિશ્રણથી બનેલો સંપ્રદાય મનાય છે. ડ્રુઝ સમુદાય મુખ્યત્વે સીરિયા, લેબનોન, જોર્ડન, ઇઝરાયેલમાં ફેલાયેલો છે. સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સંઘર્ષનો પ્રારંભ ડ્રુઝ લડવૈયાઓ અને બેદુઇન શસ્ત્રજૂથો વચ્ચેની લડાઈને રોકવા સરકારી સૈનિક શહેરમાં ઘૂસ્યા ત્યારે થયો. લડાઈ રોકવા ઘૂસેલા સરકારી સૈનિકો સાથે જ ડ્રુઝ ફાઇટરોની લડાઈ થઈ ગઈ. બંને પક્ષે સંઘર્ષવિરામ થયો, પરંતુ વારંવાર તેનો ભંગ પણ થયો. ઇઝરાયેલમાં પણ ડ્રુઝ સમુદાયના લગભગ દોઢ લાખ લોકો રહે છે અને તેમણે ઇઝરાયેલનું નાગરિકત્વ પણ લઈ રાખ્યું છે. તે ઇઝરાયેલના લશ્કરમાં પણ કામ કરે છે. ઇઝરાયેલે સીરિયા પર હુમલો કર્યો તે દરમિયાન ટીવી પર લાઇવ ન્યૂઝ આપી રહેલી એન્કર હુમલાનો અવાજ સાંભળીને ભાગી ગઈ હતી. સીરિયાની સરકાર ડ્રુઝ લડવૈયાઓને ગેરકાયદેસરની ટોળી કરી રહી છે જ્યારે ડ્રુઝ લોકોનું કહેવું છે કે ડ્રુઝ લડાકુઓ ફક્ત અમારી રક્ષા કરી રહ્યા છે. સ્વૈદામાં રહેતા ડ્રુઝવાસીઓને નવી ઇસ્લામિક સરકારની સેના પર જરા પણ ભરોસો નથી. તેથી ઇઝરાયેલે અહીં ઝંપલાવ્યું છે.આ સંઘર્ષમાં સત્તાવાર રીતે તો ૩૦ના જ મોત ગણાવાયા છે, પરંતુ લંડન સ્થિત વોર ઓબ્ઝર્વેટરીના જણાવ્યા મુજબ બુધવાર સવાર સુધીમાં સીરિયામાં ૨૫૦થી વધુના મોત થયા છે. તેમા ૧૩૮ સૈનિકો, સુરક્ષા દળો, પાંચ મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.
ગાઝામાં ઇઝરાયેલની અન્ન વિતરણ કેન્દ્ર પર થયેલા ભાગદોડમાં ૧૯ લોકોના મોત થયા હતા. જ્યારે ઇઝરાયેલના હુમલામાં ૨૨ના મોત થયા હતા. ગાઝાના ખાન યુનિસ શહેરમાં ભૂખ માટેની ભાગદોડમાં ૧૯ના મોત થયા હતા. આ ભાગદોડની ઘટના ઇઝરાયેલના અન્ન વિતરણ કેન્દ્ર પર બની હતી. ઇઝરાયેલે અન્ન લેવા માટે આવેલા લોકો પર મરીનો સ્પ્રે કરતાં આ ભાગદોડ મચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવાર સુધીમાં ૮૭૫ લોકો ફક્ત અનાજ લેવા જતાં માર્યા ગયા છે.
હુથી બળવાખોરોને મોટો ફટકો પડયાની સંભાવના
ઇરાને હુથી બળવાખોરો માટે મોકલેલો 750 ટન શસ્ત્રોનો જથ્થો ઝડપાયો
દુબઈ : યેમેનની હાંકી કાઢવામાં આવેલી સરકારના લડવૈયાઓએ ઇરાન દ્વારા હુથી બળવાખોરોને પૂરો પાડવા જનારો ૭૫૦ ટન શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો છે. આ બતાવે છે કે યેમેનમાં દાયકાઓથી ચાલતા ગૃહયુદ્ધમાં ઇરાન કેવી રીતે સંકળાયેલું હતું.
વર્ષોથી અમેરિકન નૌકાદળ અને અન્ય પશ્ચિમી નૌકાદળો ઇરાન દ્વારા હુથીઓને મોકલવામાં આવતા શસ્ત્રો પકડતા રહ્યા છે. ઇરાનના શસ્ત્રોની મદદથી જ હુથીઓએ યેમેનની રાજધાની પર ૨૦૧૪થી કબ્જો જમાવી રાખ્યો છે. તેઓએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન ત્યાંથી હુમલા કર્યા હતા.
ઇરાને મોકલેલો જથ્થો પકડીને નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સે લાંબા સમયે તેની હાજરી હવે નોંધાવી છે. યેમેનના ભૂતપૂર્વ સ્ટ્રોંગમેન લીડર અલી અબ્દુલ્લાહ સાલેહના ભત્રીજા તારેક સાલેહ સાથે સંકળાયેલા લડવૈયાઓના જૂથને નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સ કહેવાય છે. તનું કહેવું છે કે તેણે જૂનના અંતે આ જથ્થો જપ્ત કર્યો હતો.
ઇરાન અને હુથીઓએ શસ્ત્રોના આ જપ્ત થયેલા જથ્થા અંગે હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી. આ અંગે નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સે ટૂંકો વિડીયો પણ જારી કર્યો છે.તેમા શસ્ત્રોનો જંગી જથ્થો જોઈ શકાય છે.









