World

ઈઝરાયલ 7 સૈનિકોના મોત બાદ ભડક્યું, ગાઝામાં આડેધડ હુમલામાં વધુ 79 લોકોના જીવ લીધા

By GS TEAM
26 Jun 20253 mins read
TukuTouch Logo
ઇરાન સાથે યુદ્ધવિરામ બાદ હવે ઇઝરાયલે ગાઝા પર હુમલા વધારી દીધા છે. ગાઝામાં ઈઝરાયલના સાત સૈનિકના મોત બાદ ઈઝરાયલ વધુ ભડક્યું હતું અને પેલેસ્ટાઇનના ગાઝામાં નાગરિકો પર હુમલા કરી દીધા હતા જેને કારણે 79 લોકોના મોત નિપજ્યા હતા. અગાઉ ઈઝરાયલના સાત સૈનિકોના મોત નિપજ્યા હતા જે ઇઝરાયલી સૈન્ય પર તાજેતરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. પેલેસ્ટાઇનના એક હુમલાખોરે વિસ્ફટકોથી ભરેલા વાહન સાથે ઈઝરાયલી સૈન્ય પર હુમલો કર્યો હતો. જેથી ઈઝરાયલ ફરી ઉશ્કેરાયું છે અને ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલ 7 સૈનિકોના મોત બાદ ભડક્યું, ગાઝામાં આડેધડ હુમલામાં વધુ 79 લોકોના જીવ લીધા

Israel vs Gaza Updates : ઇરાન સાથે યુદ્ધવિરામ બાદ હવે ઇઝરાયલે ગાઝા પર હુમલા વધારી દીધા છે. ગાઝામાં ઈઝરાયલના સાત સૈનિકના મોત બાદ ઈઝરાયલ વધુ ભડક્યું હતું અને પેલેસ્ટાઇનના ગાઝામાં નાગરિકો પર હુમલા કરી દીધા હતા જેને કારણે 79 લોકોના મોત નિપજ્યા હતા. અગાઉ ઈઝરાયલના સાત સૈનિકોના મોત નિપજ્યા હતા જે ઇઝરાયલી સૈન્ય પર તાજેતરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. પેલેસ્ટાઇનના એક હુમલાખોરે વિસ્ફટકોથી ભરેલા વાહન સાથે ઈઝરાયલી સૈન્ય પર હુમલો કર્યો હતો.  જેથી ઈઝરાયલ ફરી ઉશ્કેરાયું છે અને ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે.

7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાયા હતા જે બાદથી ઈઝરાયલ ગાઝા પર હુમલા કરતુ આવ્યું છે. અમેરિકાએ અનેક વખત શસ્ત્રવિરામનો પ્રયાસ કર્યો જે નિષ્ફળ રહ્યો. ઈઝરાયલના બ્રિ. જનરલ એફી ડેફરીને કહ્યું હતું કે ગાઝામાં ખાન યુનિસ શહેરમાં ઈઝરાયલી સૈન્ય પર હુમલો કરાયો હતો જેમાં કેટલાકના મોત નિપજ્યા છે. હમાસ સાથે ઘર્ષણ દરમિયાન અત્યાર સુધીમાં ઈઝરાયલના 860 સૈનિકો માર્યા ગયા છે જ્યારે ઈઝરાયલના હુમલાઓમાં પેલેસ્ટાઇનના 56000થી વધુ નાગરિક માર્યા ગયા છે, ઈઝરાયલે ગાઝાને કાટમાળમાં ફેરવી નાખ્યું છે. ઇરાન સાથે યુદ્ધ શાંત થયા બાદ હવે ઈઝરાયલે ગાઝા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને ફરી હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે હિઝબુલ્લાહ માટે ફન્ડિંગનું કામ કરતો હયાતમ બાકરી અમારા હુમલામાં માર્યો ગયો છે. તે ઇરાન સમર્થક હિઝબુલ્લાહ માટે લેબેનોનનમાં ફન્ડિંગ, નાણાકીય લેવડ દેવડનું સંચાલન કરતો હતો.  

ગાઝામાં ઈઝરાયલ દ્વારા ફરી રાહત કેમ્પો પર હુમલા કરાયા હતા, અહીંયા ફૂડ વિતરણ પર કરાયેલા હુમલામાં ૭૯ લોકો માર્યા ગયા હતા. જેમાંથી 33 લોકો જ્યારે ભોજન લઇ રહ્યા હતા ત્યારે માર્યા ગયા હતા. ગાઝાનો મૃત્યુઆંક 56156એ પહોંચ્યો છે જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. બીજી તરફ ઈઝરાયલ માન્ય સંસ્થાઓ દ્વારા ગાઝામાં ફૂડ વિતરણ કેન્દ્રો ચલાવાઇ રહ્યા છે તેને અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન દ્વારા 30 મિલિયન ડોલર એટલે કે આશરે અઢી અબજ રૂપિયાની સહાય કરવામાં આવશે. 

સીઝફાયર બાદ ઇરાનની મોટી કાર્યવાહી

ઈઝરાયલ અને ઇરાન વચ્ચે શસ્ત્ર વિરામ થઇ ગયું હોવા છતા પણ સ્થિતિ થાળે નથી પડી. ઈઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું કાવતરુ ઘડવા બદલ ઇરાને ત્રણ લોકોને ફાંસીએ લટકાવી દીધા હતા. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસ્સાદ માટે આ ત્રણેય લોકો કામ કરતા હોવાનો તેમના પર આરોપ હતો. જ્યારે ઈઝરાયલ માટે જાસૂસી કરવા બદલ ઇરાને યુદ્ધ વચ્ચે કુલ ૭૦૦ લોકોની ધરપકડ કરી હોવાના અહેવાલો છે.  

ઇરાનમાં જાણિતા લોકોની હત્યામાં હથિયારો પુરા પાડવાનો પણ આ ત્રણ લોકો પર આરોપ હતો. ત્રણેય સામે કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી અને બુધવારે સવારે ઉરમિયા શહેરમાં તેમને ફાંસીએ લટકાવી દેવાયા હતા. ત્રણેય આરોપીઓની ઇરાન દ્વારા તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. વધુ ત્રણ સાથે  છેલ્લા 10દિવસમાં ઇરાન દ્વારા કુલ છ લોકોને ફાંસીએ લટકાવાયા છે. જ્યારે ઈઝરાયલી મીડિયાનો દાવો છે કે ઇરાને છેલ્લા 12 દિવસમાં 700 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર ઈઝરાયલ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવવામાં આવ્યો છે.  

જ્યારે ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે જ્યારથી ઈઝરાયલ અને ઇરાન વચ્ચે સામસામે યુદ્ધ શરૂ થયું હતું ત્યારથી ઇરાનમાં ઈઝરાયલ માટે જાસૂસીનું પ્રમાણ વધી ગયું હતું. જે લોકોને ફાંસીએ લટકાવવામાં આવ્યા છે તેમના નામ ઇદરીસ અલી, આઝાદ શોજાઇ અને રસુલ અહેમદ છે. આ ત્રણેય પર આરોપ છે કે તેમણે ઈઝરાયલની જાસૂસી સંસ્થાને ઇરાનની અત્યંત ગુપ્ત માહિતી પુરી પાડી છે. માનવ અધિકાર સંસ્થાઓના દાવા મુજબ ચીન બાદ ઇરાનમાં જ સૌથી વધુ લોકોને ફાંસીએ લટકાવવામાં આવ્યા છે.  ઇરાન દ્વારા જે પણ લોકોને ફાંસીએ લટકાવવામાં આવ્યા છે તેમાં પત્રકારો, એક્ટિવિસ્ટ્સ માનવ અધિકાર કાર્યકર્તાઓ વગેરેનો પણ સમાવેશ થાય છે.