પ્રમુખ ટ્રમ્પના પીસ પ્લાન પર ઈઝરાયેલ-હમાસ બંને સહમત

- નેતન્યાહુનો ઈઝરાયેલ સૈન્યને ગાઝામાં હુમલા રોકવા નિર્દેશ
- બાકીના 48 બંધકોને છોડવા, પેલેસ્ટાઈનના અન્ય એકમને સત્તા સોંપવા માટે હમાસની તૈયારી પરંતુ શસ્ત્રો હેઠા મૂકવા અંગે મૌન
દુબઈ/તેલ અવીવ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી આખરે મધ્ય-પૂર્વમાં ગાઝા પટ્ટીમાં બે વર્ષથી ચાલતું ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પૂરું થવાની આશા છે. પ્રમુખ ટ્રમ્પના ૨૦ મુદ્દાના પીસ પ્લાનને ઈઝરાયેલ પછી હવે હમાસે પણ સ્વીકારવા માટે સહમતી વ્યક્ત કરતા ઈઝરાયેલના બધા જ બંધકોને પાછા સોંપવાની તૈયારી દર્શાવી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ટ્રમ્પની શાંતિ યોજનાના પહેલા તબક્કાને લાગુ કરવાની તૈયારી કરતા સૈન્યને ગાઝા પટ્ટીમાં હુમલા નહીં કરવા આદેશ આપ્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે, હમાસ 'સ્થાયી શાંતિ' માટે તૈયાર છે. આ સાથે પ્રમુખ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ગાઝામાં હુમલા રોકવા માટે આદેશ આપ્યો હતો. આ પહેલા પ્રમુખ ટ્રમ્પે હમાસને ચેતવણી આપતાં કહ્યું હતું કે, 'તો આ શાંતિ યોજના સ્વીકારે નહીં તો તેમના ઉપર નરક તૂટી પડશે.' નિરીક્ષકોનું માનવું છે કે, ટ્રમ્પની ધમકીની સીધી અસર હમાસ ઉપર થઈ હશે તેથી તેઓ શાંતિ યોજના સ્વીકારવા તૈયાર થયા છે.હમાસે ટ્રમ્પની શાંતિ યોજના અંગે કહ્યું કે, તે આ યોજનાના કેટલાક ભાગને સ્વીકારવા તૈયાર છે. તેઓ બાકીના ૪૮ બંધકોને છોડી મુકવા અને ગાઝાની સત્તા અન્ય કોઈ સ્વતંત્ર પેલેસ્ટાઈન એકમને સોંપવા માટે તૈયાર છે. જોકે, આ યોજનાની અન્ય શરતો પૂરી થશે ત્યારે જ તેમને મુક્ત કરાશે. આ સાથે હમાસે સ્પષ્ટ કર્યું કે તે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર હજુ પણ વાતચીત કરવા માગે છે. હમાસના વરિષ્ઠ નેતા મુસા અબુ મરઝૂકે કહ્યું કે, આ યોજના વિસ્તૃત વાતચીત વિના લાગુ થઈ શકે તેમ નથી અને બધા જ કેદીઓના શબ ત્રણ દિવસમાં સોંપવા વ્યવહારિક નથી. તેમણે ઉમેર્યું કે, ગાઝાના ભવિષ્ય અને પેલેસ્ટાઈનના અધિકારો સંબંધિત મુદ્દાઓ પર નિર્ણય એક 'સર્વસંમત પેલેસ્ટાઈન વલણ' અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર પર લેવાવો જોઈએ. હમાસે સત્તાવાર નિવેદનમાં હથિયારો હેઠા મૂકવા અને આત્મસમર્પણ અંગે કોઈ ઉલ્લેખ નથી કર્યો, જે ઈઝરાયેલની સૌથી મહત્વની માગ છે.
ગાઝામાં હમાસ પછી બીજા સૌથી શક્તિશાળી આતંકી જૂથ પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદે શનિવારે કહ્યું કે, તે ટ્રમ્પની શાંતિ યોજના સ્વીકારવા અંગે હમાસના પ્રતિભાવ સાથે સહમત છે. આ જૂથે અગાઉ ટ્રમ્પની દરખાસ્તો નકારી કાઢી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, લગભગ બે વર્ષ ચાલેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ૬૭,૦૦૦ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત થયા છે.
ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અન્ય ટોચનના નેતાઓએ તેમના સૈન્યને ગાઝા સિટી પર કબજો કરવાનું અભિયાન રોકવા અને માત્ર રક્ષણાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રો મુજબ ટ્રમ્પે નેતન્યાહુને ગાઝામાં હુમલા રોકવા કહ્યું ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું, પરંતુ તેમણે અનિચ્છા છતાં હુમલા રોકવા પડયા છે.
દરમિયાન હમાસે ટ્રમ્પની શાંતિ દરખાસ્ત સ્વીકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ગાઝામાં શાંતિ સ્થાપવાના પ્રમુખ ટ્રમ્પના પ્રયાસોએ નિર્ણયાત્મક પ્રગતિ' કરી છે. આ સાથે બંધકોની મુક્તિની આશા એક નિર્ણયાત્મક આગે કદમ છે. ભારત ગાઝામાં સતત જળવાઈ રહેનારી ન્યાયયુક્ત શાંતિને સતત અનુમોદન આપશે જ.








