- વોર સિમ્યુલેશનમાં એઆઈએ પરમાણુ હુમલાનો વિકલ્પ પસંદ કરતાં ચિંતા
- યુદ્ધમાં પણ અલ્ગોરિધમ અને મશીલ લર્નિંગની મહત્ત્વની ભૂમિકા
નવી દિલ્હી : અમેરિકા અને ઇઝરાયેલ સતત ઇરાન પર હુમલો કરી રહ્યા છે. તેના જવાબમાં ઇરાને પણ અમેરિકન સ્થળો અને ઇઝરાયેલના શહેરો પર મિસાઇલ ફેકી છે. તાજેતરના હુમલામાં ઇરાનના મહત્ત્વના પરમાણુ મથકોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હોવાના પણ સમાચાર છે. તેનાથી આખા પશ્ચિમ એશિયામાં તનાવ ચરમસીમા પર પહોંચી ગયો છે.
હાલમાં સ્થિતિ એવી છે કે દરેક નવા હુમલા પછી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગવા લાગે છે. જો કે આ વખતે યુદ્ધ ફક્ત આકાશમાં જ લડતાં ફાઇટર જેટ કે જમીન પર પડતા મિસાઇલો પૂરતું સીમિત નથી. આ વખતે ચર્ચા વધુ એક બાબતની છે અને તે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની. અહેવાલ મુજબ તાજેતરના હુમલા પહેલાં અમેરિકન લશ્કરે મોટાપાયા પર એઆઈ ટૂલ્સનો ઉપયોગ ડેટા એનાલિસિસ અને ઓપરેશન પ્લાનિંગમાં કર્યો.
સેટેલાઇટ તસ્વીરો, ડ્રોન ફૂટેજ, સિગ્નલ ઇન્ટેલિજન્સ અને જમીની રિપોર્ટ જેવા ભારે ભરખમ ડેટા માનવીને સમજવો અઘરો હોય છે, પરંતુ એઆઈ ગણતરીની મિનિટોમાં પેટર્ન પકડી લે છે અને સંભવિત ટાર્ગેટની યાદી પણ તૈયાર કરી આપે છે.
આ અહેવાલમાં એન્થ્રોપિકના ક્લાઉડ જેવા મોડેલનું નામ આવ્યું છે. તેનો ઉપયોગ શસ્ત્રો ચલાવવા નહીં પરંતુ વિશ્લેષણ કરવા અને રણનીતિ બનાવવા કરવામાં આવ્યો. આ બતાવે છે કે ફક્ત વેપારમાં જ નહીં યુદ્ધમાં પણ અલ્ગોરિધમની ભૂમિકા વધી ચૂકી છે. જો કે અંતિમ નિર્ણય હજી પણ માનવી લે છે, પરંતુ નિર્ણય લેતા પહેલાં મશીનોની સલાહ લેવામાં આવી રહી છે.
આ દરમિયાન એક નવા અભ્યાસે ચિંતા વધારી છે. જુદાં-જુદાં એઆઈ મોડેલ્સને જ્યારે વોર સિમ્યુલેશન્સમાં નાખવામાં આવ્યા અને તેમને ન્યુક્લિયર કોડ જેવી કાલ્પનિક તાકાત આપવામાં આવી તો આ મોડેલોએ મોટી સંખ્યામાં યુદ્ધ વધે તેવા જ વિકલ્પો પસંદ કર્યા.
કેટલાક સિમ્યુલેશનમાં તો એઆઈએ પરંપરાગત શસ્ત્રોના બદલે ન્યુક્લિયર ઓપ્શનને યોગ્ય ઠેરવ્યો.નિષ્ણાતોનું કહેવું છે કે માનવીમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગને લઈને નૈતિકતા હોય છે, તે મશીનમાં સ્વાભાવિક રીતે હોતી નથી. મશીન ફક્ત ડેટા અને સંભવિત હારજીતનું ગણિત જ જુએ છે. આના લીધે ભવિષ્યમાં એઆઈના યુદ્ધમાં ઉપયોગને લઈને નવી ચર્ચા છેડાઈ છે.


