- દારૂની છૂટ પચાસ હજાર રિયાલની આવક ધરાવનાર સુધી મર્યાદિત હોવાથી હાંસી અને ટીકાને પાત્ર બની
Saudi Arab News: સાઉદી અરબે દારૂના સખત નિયમોમાં છૂટછાટ આપવાની દિશામાં વધુ એક પગલુ ભર્યું છે, જેમાં બિન-મુસ્લિમ વિદેશી રહેવાસીઓને દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે, જો કે તેની સાથે એક મહત્વપૂર્ણ શરત રાખવામાં આવી છે. એક અહેવાલ મુજબ માત્ર મહિને પચાસ હજાર (લગભગ 11 લાખ રૂપિયા) કે તેથી વધુ આવક ધરાવતા રહેવાસીઓને જ રિયાધમાં દેશના એકમાત્ર દારૂના સ્ટોરમાં પ્રવેશ મળશે. ખરીદી કરવા માટે ગ્રાહકે તેમના પગારનું પ્રમાણપત્ર સહિત આવકનો પુરાવો રજૂ કરવો પડશે, તેમજ તેની વય 21 કે તેથી વધુ હોવી જોઈશે અને તે કોઈ આપરાધિક ઈતિહાસ ન ધરાવતો હોવાનો પુરાવો આપવો પડશે.
ગયા વર્ષે શરૂ થયેલી આ દારૂની દુકાન મૂળ રૂપે ફક્ત વિદેશી રાજદ્વારીઓ માટે જ સેવા પૂરી પાડતી હતી. તાજેતરમાં તેની સેવાઓ સાઉદી પ્રીમિયમ રેસિડન્સી ધરાવતા બિન-મુસ્લિમો સુધી વિસ્તૃત કરવામાં આવી છે જેમાં કુશળ વ્યાવસાયિકો, રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો માટે એક અલગ શ્રેણી છે. જ્યારે આ વિસ્તરણ પ્રગતિશીલ ઉદારીકરણ જેવું લાગે છે, ત્યારે ઉચ્ચ આવકની જરૂરીયાતની વ્યાપક ટીકા અને હાંસી થઈ રહી છે.સોશિયલ મીડિયા વપરાશકારોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા આ નીતિને વર્ગવાદી અને દંભી ગણાવી.
ઘણા લોકોએ વાઈનની એક બોટલ માટે આવકના પુરાવાની શરતને હાસ્યાસ્પદ ગણાવી જ્યારે અન્ય લોકોએ મજાક કરી કે ગરીબો માટે દારૂ હજી પણ પહોંચની બહાર છે. અનેક ટિપ્પણીઓમાં બેવડા ધોરણો પ્રચલિત હોવાનું કહેવાયું જેમાં રાજ્યમાં શ્રીમંત વિદેશીઓ અને ઉચ્ચ વર્ગના પ્રવાસીઓને પ્રાથમિકતા આપવાનો આરોપ મુકાયો, જ્યારે ઓછી આવક ધરાવતા વિદેશીઓ પર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો, જેઓ કાર્યબળનો મહત્વનો હિસ્સો છે.
આલોચકોએ દલીલ કરી છે કે દાયકાઓ સુધી સખત પ્રતિબંધો પછી નવો નિયમ સિદ્ધાંતના આધારે નહિ પણ આર્થિક હિતોથી પ્રેરિત છે, જે એવી વ્યવસ્થા સ્થાપિત કરે છે જેમાં વિશેષાધિકારને મહત્વ આપવામાં આવ્યું છે.
2019માં રજૂ થયેલા સાઉદી પ્રીમિયમ રેસિડન્સી કાર્યક્રમ અનુસાર અરજદારની વય ૨૧ વર્ષથી વધુ હોવી જરૂરી છે, તે મેડિકલી ફિટ હોવો જોઈએ, આર્થિક રીતે સધ્ધર હોવો જોઈએ તેમજ તેનો કોઈ આપરાધિક રેકોર્ડ ન હોવો જોઈએ. વૈશ્વિક પ્રતિભા અને રોકાણ આકર્ષવા બનાવાયેલી આ દારૂની નીતિ બાબતે રાજ્યના ઝડપી આધુનિકીકરણ પ્રયાસોમાં સમાવિષ્ટ અસમાનતા બાબતે વ્યાપક વાદવિવાદ વધુ તીવ્ર બન્યો છે.


