Pakistan Former ISI DG Faiz Hameed News : પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ચીફ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદને મિલિટરી કોર્ટે 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમને તેમને રાજકીય પ્રવૃત્તિમાં સામેલ થવા, ઑફિશિયલ સિક્રેટ ઍક્ટનું ઉલ્લંઘન કરવા અને હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. રાવલપિંડીમાં 11 ડિસેમ્બર, 2025ના રોજ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ દ્વારા આ માહિતી અપાઈ હતી.
15 મહિના સુધી ચાલી કોર્ટ માર્શલ પ્રક્રિયા
પાકિસ્તાન આર્મી ઍક્ટ હેઠળ ઑગસ્ટ 2024માં ફૈઝ હમીદ વિરુદ્ધ 15 મહિના લાંબી કાનૂની કાર્યવાહી શરુ કરાઈ હતી. ત્યાર પછી ફિલ્ડ જનરલ કોર્ટ માર્શલે આ ચુકાદો સંભળાવ્યો છે. મિલિટરી કોર્ટની તપાસ પ્રમાણે, હમીદે દેશની સુરક્ષા અને હિતોને નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત સરકારી સંસાધનોનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો. આ સાથે પાકિસ્તાની સેનાએ સ્પષ્ટતા કરી છે કે આરોપીને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોતાની પસંદગીની બચાવ ટીમ સહિત તમામ કાનૂની અધિકારો અપાયા હતા. દોષિત જાહેર કરાયેલા પૂર્વ વડાને આ ચુકાદા વિરુદ્ધ અપીલનો પણ અધિકાર અપાયો છે.
ફૈઝ હમીદ સામે મુખ્યત્વે ચાર ગંભીર આરોપો
1. પાકિસ્તાનની રાજકીય ગતિવિધિમાં સક્રિયપણે ભાગ લેવો.
2. ઑફિશિયલ સિક્રેટ ઍક્ટનું ઉલ્લંઘન, જે પાકિસ્તાનની સુરક્ષા માટે નુકસાનકારક છે.
3. ICIના વડા તરીકે પોતાના હોદ્દા-અધિકારોનો સરેઆમ દુરુપયોગ.
4. સરકારી સંસાધનોનો દુરુપયોગ, જેના કારણે અનેકને ખોટી રીતે હાનિ પહોંચી.
રાજકીય સાંઠગાંઠ મુદ્દે અલગથી કાર્યવાહી
આ સાથે ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સે સંકેત આપ્યો છે કે, ફૈઝ હમીદની રાજકીય તત્ત્વો સાથે કથિત મિલીભગત અને દેશમાં અસ્થિરતા ફેલાવવામાં તેમની ભૂમિકાને લઈને મામલો અહીં સમાપ્ત થતો નથી. રાજકીય અસ્થિરતા ફેલાવવા સંબંધિત મામલે તેમની સામે અલગથી કાર્યવાહી કરાશે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં તેમના પર કાનૂની કાર્યવાહીનો ગાળિયો વધુ મજબૂત રીતે કસાઈ શકે છે. જોતા, એવી સંભાવના છે કે ફૈઝને આ કેસોમાં પણ સજા સંભળાવવામાં આવી શકે છે.


