World

શું તારિક રહેમાનનું બાંગ્લાદેશમાં આવવું ભારતના હિતમાં છે?

By GS TEAM
25 Dec 20252 mins read
શું તારિક રહેમાનનું બાંગ્લાદેશમાં આવવું ભારતના હિતમાં છે?

ઢાકા,૨૫ ડિસેમ્બર,૨૦૨૫,ગુરુવાર 

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને હાલમાં અત્યંત ગંભીર બીમાર બેગમ ખાલીદા ઝીયાના પુત્ર તારિક રહેમાનનું પરિવાર સાથે ઢાકામાં આગમન થવાની સાથે જ રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. ડાર્ક પ્રિન્સ તરીકેની ઓળખ ધરાવતા રહેમાનના સ્વાગત માટે લાખો લોકો ઢાકાની ગલીઓમાં ઉમટી પડયા છે. બાંગ્લાદેશની ચુંટણીના થોડાક સપ્તાહ પહેલા રહેમાનનું આગમન બાંગ્લાદેશ જ નહી ભારતની ક્ષેત્રીય સુરક્ષા માટે પણ મહત્વનું માનવામાં આવે છે. અંતરિમ સરકારના સંચાલક મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનો સક્રિય બન્યા છે અને ભારત વિરોધી ઝેર ફેલાવે છે તેમાં જમાતે ઇસ્લામી મુખ્ય છે.

જમાતે ઇસ્લામને પાકિસ્તાનની જાસુસી એજન્સી આઇએસઆઇનો ચહેરો ગણવામાં આવે છે. લાંબા સમય સુધી શાસન કરનાર અવામી લીગ પાર્ટીની શેખ હસીના સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલી પાર્ટી હસીના સરકાર પદભ્રષ્ટ થવાની સાથે જ ફરી રાજકારણમાં પગ પેસારો કરી રહી છે. ભારતમાં રાજયાશ્રય લઇ રહેલા શેખ હસીનાની અવામી લીગ પાર્ટીને ચુંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે કટ્ટરપંથી જમાતે ઇસ્લામી જેવા રાજકિય સંગઠનોને મોકળું મેદાન મળ્યું છે. હવે તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી) ને ચુંટણીમાં સૌથી વધુ બેઠકો મળવાની શકયતા ઉભી થઇ છે. જમાતેની સરખામણીમાં બીએનપી એક લોકતાંત્રિક રાજકીય પક્ષ તરીકે વધુ ફિટ બેસે છે.

આમ તો બીએનપી કરતા શેખ હસીનાની એવામી લીગના શાસનમાં ભારત સાથેના સંબંધો વધુ સારા રહયા છે પરંતુ  જમાતે ઇસ્લામી જેવા કટ્ટર સંગઠનો સત્તા સુધી પહોંચે તેના કરતા બીએનપી ઓછો જોખમી વિકલ્પ હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે. તારિક રહેમાનના આગમનથી પાર્ટીની કેડરમાં ઉત્સાહ વધવાથી ચુંટણીમાં વધારે સારું પ્રદર્શન કરી શકે તેવું જણાય છે. તારિક રહેમાનની બાંગ્લાદેશના રાજકારણમાં એન્ટ્રી અને પ્રભાવ વધે તે ક્ષેત્રીય શાંતિના હિતમાં છે. બાંગ્લાદેશની વર્તમાન અંતરિમ સરકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં પાકિસ્તાન તરફ ઢળી રહયું છે તેમાં નવી ચુંટાયેલી જવાબદાર સરકાર પરિવર્તન લાવી શકે છે જેની આશા બીએનપી પાસેથી રાખવામાં આવી રહી છે.