- સંરક્ષણ કરારોમાં પરમાણુ-શક્તિ પણ સામેલ કરાશે ?
- ઢાકામાં પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓની આવન-જાવન : બંને દેશો વચ્ચે નાટો પ્રકારના કરારો થવાની પાકી ગણતરી
નવી દિલ્હી : પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે કાંઈક રંધાઈ રહ્યું છે. ખબર મળ્યા છે કે બન્ને દેશો વચ્ચે ટુંક સમયમાં નાટો પ્રકારના સંરક્ષણ-કરારો થવાના છે. એટલે કે એક દેશ ઉપર હુમલો થાય તો બીજા દેશે તેની સહાયે દોડવું.
બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ પણ સ્થપાવાની ગણતરી છે. ભારતના બંને પાડોશી દેશો તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી રહ્યા છે. સાથે તે પણ જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાયે મહિનાઓથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. અને ભૂમિદળ, વાયુદળ તથા નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ ઢાકાની મુલાકાત લઈ રહ્યા છે. આમ બંને વચ્ચે સંરક્ષણ કરારો થવાની પૂરી સંભાવના સ્પષ્ટ થઈ રહી છે.
ભારત માટે સૌથી વધુ ચિંતાનો વિષય તે છે કે બંને દેશો એક-બીજાને જાસૂસી માહિતી તો આપલે કરશે જ પરંતુ લશ્કરી કવાયતો પણ કરશે.
આથી પણ વધુ ચિંતાનો વિષય ભારત માટે તે છે કે બાંગ્લાદેશ સાથેના સંરક્ષણ કરારોમાં પાકિસ્તાન તેની પરમાણુ-શક્તિને પણ સામેલ કરવા માગે છે. તેણે સાઉદી અરબસ્તાન સાથે પણ પરમાણુ-શક્તિ આપવાના કરારો કર્યા છે. જો આમ બને તો બંને દેશો સાથે મળી ભારત ઉપર ભારે મોટું સંકટ ઉભું કરી શકે તેમ છે.
બીજી તરફ કેટલાક નિરીક્ષકો તેવું પણ અનુમાન બાંધી રહ્યા છે કે બંને દેશોમાં ભારે આંતરિક અશાંતિ ઊભી થઇ છે. તે એટલી હદે વ્યાપક બની છે કે, બાંગ્લાદેશની યુનુસ-સરકાર અને પાકિસ્તાની શરીફ સરકારનાં સત્તાસનો અસ્થિર છે. તેથી આ કરારોનું મહત્વ ન પણ રહે.
નિરીક્ષકોના આ તારણો સ્વીકારીએ તો પણ બંને દેશો વચ્ચેની સાંઠ-ગાંઠની તલભાર પણ ઉપેક્ષા કરવી ભારતને પોસાય તેમ નથી. પાકિસ્તાન ત્યા બાંગ્લાદેશની ચૂંટણી યોજાય તે પહેતાં કરારો પાકા કરી નાખવા માગે છે.


