World

પાકિસ્તાન 'મુસ્લિમ નાટો' બનાવી રહ્યું છે ? સઉદી સાથેના કરારો પછી, પાક. સંરક્ષણ મંત્રીએ પ્લાન દર્શાવ્યો

By GS TEAM
19 Sep 20252 mins read
પાકિસ્તાન 'મુસ્લિમ નાટો' બનાવી રહ્યું છે ? સઉદી સાથેના કરારો પછી, પાક. સંરક્ષણ મંત્રીએ પ્લાન દર્શાવ્યો

- પાક.-સઉદી કરારો પ્રમાણે એક દેશ પરનું આક્રમણ બીજા દેશ પરનાં આક્રમણ સમાન ગણાશે : અન્ય મુસ્લિમ દેશોને પણ તેમાં જોડાવા આમંત્રણ

નવી દિલ્હી : પાકિસ્તાન મુસ્લિમ નાટો રચવાની તૈયારી કરી રહ્યું છે ? સઉદી અરબસ્તાન અને પાકિસ્તાને રણનીતિક-પારસ્પરિક સંરક્ષણ સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. તે પ્રમાણે બેમાંથી એક દેશ પર થયેલું આક્રમણ બીજા દેશ ઉપર થયેલા આક્રમણ બરોબર ગણવામાં આવશે.

આ સમજૂતી પશ્ચિમની નાટો સમજૂતી બરોબર મનાય છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કહ્યું હતું કે, આ સંરક્ષણ કરારોમાં બીજા મુસ્લિમ દેશોને પણ જોડાવા આમંત્રણ અપાયું છે. તેમને માટે દરવાજા બંધ નથી.

આથી પ્રશ્ન તે છે કે પાકિસ્તાન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (શછ્ર્ં) જેવું કોઈ મુસ્લિમ દેશોનું સંગઠન રચવા માગે છે ?

વાસ્તવમાં દ્વિતીય વિશ્વ યુદ્ધ સમાપ્ત થયા પછી લગભગ તુર્ત જ ૩૦ દેશોએ, તે સમયનાં સોવિયેત સંઘ સામે, રક્ષણાત્મક સંગઠન અમેરિકાનાં નેતૃત્વ નીચે રચ્યું હતું. તેનું મુખ્ય મથક બુ્રસેલ્સમાં છે પરંતુ તેની ઉપર અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાંસનું પ્રભુત્વ છે.

પાકિસ્તાનના જીઓ-ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફને જ્યારે પૂછવામાં આવ્યું કે, આપ કહો છો તે પ્રમાણે, સઉદી અરબસ્તાન સાથે તો પારસ્પરિક સંરક્ષણ માટે ડીલ થઈ ગઈ છે, તેવી ડીલ (સમજૂતી) અન્ય મુસ્લિમ દેશો સાથે પણ થશે ? ત્યારે તેઓએ કહ્યું હતું કે, આ તબક્કે હું ચોક્કસ કશું કહી શકું નહીં પરંતુ તેમને માટે દરવાજા બંધ નથી.

આમ બિટવીન-ધી-લાઇન્સ તેઓએ અન્ય મુસ્લિમ દેશોને તેમની સાથે જોડાવા આમંત્રણ આપી દીધું છે. આથી સહજ રીતે જ આશંકા ઉપસ્થિત થાય છે કે પાકિસ્તાન મુસ્લિમ નાટો બનાવવાની તૈયારીમાં છે.