ઈરાન કોઈ ડેન્જરસ પ્લાનિંગ કરે છે ? અમેરિકી હુમલા પછી ન્યુક્લિયર એક્ષપર્ટએ આપેલી ચેતવણી
- ઉ.કોરિયાની જેમ જ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી સાથેનો સંબંધ તેણે તોડી નાખ્યો : કોઈ ગુપ્ત સ્થળે એ બોમ્બ બનાવવાની તૈયારી કરે છે
નવીદિલ્હી : ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ) સાથે સહકાર નહીં રાખવા માટે ઈરાનની મજલિસે (સંસદે) ગત સપ્તાહે પસાર કરેલાં વિધેયક ઉપર ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાએ હસ્તાક્ષર કર્યા છે.
ન્યુક્લિયર આર્મ્સ એક્સપર્ટસ જણાવે છે કે ઇઝરાયલ-અમેરિકા સાથેનાં ૧૨ દિવસનાં યુદ્ધ પછી ઇરાન વધુ ભયાવહ બની રહ્યું છે, તેમ કહેતાં ન્યૂક્લિયર એક્ષપર્ટસ તેવી સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારે છે. ઈરાન અત્યારે કોઈ ગુપ્ત સ્થળે એ-બોમ્બ (એટમ-બોમ્બ) બનાવી રહ્યું હશે, અથવા ઓછામાં ઓછું તે માટે જરૂરી તેવું ૯૦ ટકા વિશુદ્ધ યુરેનિયમ બનાવી રહ્યું હશે.
તે ૧૨ દિવસનાં યુદ્ધમાં અમેરિકાએ બંકર બસ્ટર બોમ્બ દ્વારા ઈરાનનાં ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન સ્થિત ત્રણ પરમાણુ સંકૂલો તોડી નાખ્યાં હતાં. પરંતુ આ હુમલાથી ઇરાન વધુ છંછેડાયું છે. તેણે આઇ.એ.ઈ.એ. સાથે તો સંબંધ તોડી જ નાખ્યો છે. પરંતુ હવે તે ૫૭ વર્ષ જૂની નોન-પ્રોલિફરેશન ઓફ ન્યૂક્લિયર વેપન્સ ટ્રીટી (એન.પી.ટી.)માંથી પણ તે ખસી જવા વિચારે છે. આ પૂર્વે ઉત્તર કોરિયાએ એનપીટી છોડી દીધી હતી.
૧૯૬૮માં ૧૯૧ દેશોએ આ સંધિ પર હસ્તાક્ષરો કર્યા હતા. જેમાં સ્વીકૃત તેવાં પાંચ દેશો સિવાય અન્ય કોઈને પરમાણુ શસ્ત્ર બનાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. માત્ર ઊર્જા ઉત્પાદન જેવા શાંતિમય હેતુ સિવાય પરમાણુ શક્તિનો ઉપયોગ કરવા ઉપર અન્ય તમામ દેશોને સ્પષ્ટ ના કહેવામાં આવી હતી. પરંતુ સેન્ટર ફોર આર્મ્સ એન્ડ નોન પ્રોલિફરેશન સીનીયર પોલિસી ડીરેક્ટર જ્હોન એરાથે કહ્યું કે, તેઓ છેક છેડા સુધી પહોંચી જઈ શકે. પરમાણુ બોમ્બ બની શકે તેટલું સમૃદ્ધ યુરેનિયમ પણ બતાવી શકે પરંતુ પરમાણુ બોમ્બ ન બનાવે તેથી ટેકનિકલ તેઓ એનપીટી સાથે જોડાયેલા રહી પણ શકે પરંતુ તેથી ઈરાનના કેટલાએ પાડોશી દેશો ખાસ કરીને ઇઝરાયલ માટે તો તે ભયાવહ બની જ રહે.
ઈરાને ૨૦૧૫માં અમેરિકાનાં નેતૃત્વ નીચેના કેટલાએ દેશો સાથે ન્યુક્લિસ્ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. બારાક ઓબામા વહીવટીતંત્રમાં જોઈન્ટ કોમ્પ્રી કેન્સીવ પ્લાન ઓફ એકશન (જેપીપીઓએ) તરીકે ઓળખાતા આ કરારો થયા હતા. પરંતુ ૨૦૧૮માં પ્રમુખ ટ્રમ્પે જ અમેરિકાને તેમાંથી છૂટ્ટું પાડી દીધું હતું. તે પછી તેહરાન સાથે એક યા બીજી રીતે પરમાણુ વિસ્તાર રોધક કરારો કરવા ઈરાન પર દબાણ થઈ રહ્યું છે, પરંતુ તે નમતું જોવામાં તૈયાર જ નથી. ટૂંકમાં ઈરાનની વર્તમાન કાર્યવાહી ભયાવહ બની રહે છે.