Donald Trump and Canada News : કેનેડાના સૌથી ધનિક અને તેલના ભંડાર ધરાવતા પ્રાંત અલ્બર્ટાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર વિવાદ સર્જાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને કેનેડાના ભાગલાવાદી જૂથો વચ્ચેની કથિત ગુપ્ત મુલાકાતોએ ઓટાવા અને વોશિંગ્ટન વચ્ચે તણાવ વધારી દીધો છે.
ભાગલાવાદીઓ અને ટ્રમ્પ પ્રશાસનની ગુપ્ત મુલાકાતો
કેનેડાના તેલ સમૃદ્ધ પ્રાંત અલ્બર્ટાને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની માંગ કરી રહેલા જૂથો અને ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓ વચ્ચે એપ્રિલ 2025થી અત્યાર સુધીમાં ત્રણથી વધુ ગુપ્ત બેઠકો થઈ હોવાના અહેવાલે ખળભળાટ મચાવ્યો છે. 'અલ્બર્ટા પ્રોસ્પરિટી પ્રોજેક્ટ' (APP) નામનું આ દક્ષિણપંથી જૂથ આવતા મહિને અમેરિકન અધિકારીઓ સાથે વધુ એક બેઠક કરવાનું છે, જેમાં તેઓ નવા દેશની આર્થિક સ્થિરતા માટે $500 બિલિયન(અંદાજે ₹42 લાખ કરોડ)ના દેવાની માંગણી કરવાના છે.
તેલનો ભંડાર અને અમેરિકાનો સ્વાર્થ
અમેરિકાની અલ્બર્ટામાં વધતા રસ પાછળનું મુખ્ય કારણ 'ઓઇલ' માનવામાં આવે છે. કેનેડા વિશ્વનો ચોથો સૌથી મોટો ઓઇલ ઉત્પાદક દેશ છે અને તેના કુલ ઉત્પાદનનો 85% હિસ્સો એકલું અલ્બર્ટા પૂરું પાડે છે. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટે તાજેતરમાં જ અલ્બર્ટાને 'કુદરતી સંસાધનોનો ભંડાર' અને અમેરિકાનો 'સ્વાભાવિક ભાગીદાર' ગણાવ્યો હતો. ટ્રમ્પ અગાઉ પણ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની અને તેના પર ભારે ટૅરિફ લાદવાની ધમકી આપી ચૂક્યા છે.
જનમત સંગ્રહની તૈયારી
અલ્બર્ટામાં 'સ્ટે ફ્રી અલ્બર્ટા' જેવા જૂથો અત્યારે સમગ્ર પ્રાંતમાં હસ્તાક્ષર અભિયાન ચલાવી રહ્યા છે. જો તેઓ 1,77,000થી વધુ પ્રમાણિત હસ્તાક્ષરો એકત્ર કરી લેશે, તો આ વર્ષના અંતમાં કેનેડાથી અલગ થવા માટે જનમત સંગ્રહની પ્રક્રિયા શરુ થઈ શકે છે. જો કે, અલ્બર્ટાના પ્રીમિયર (મુખ્યમંત્રી) ડેનિયલ સ્મિથે આ અટકળોને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેઓ એક અખંડ કેનેડાની અંદર મજબૂત અલ્બર્ટાના પક્ષધર છે.
અમેરિકાનો સત્તાવાર પક્ષ
વ્હાઇટ હાઉસ અને અમેરિકાના વિદેશ મંત્રાલયે આ બેઠકોને સામાન્ય ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમણે ભાગલાવાદીઓને કોઈ સત્તાવાર સમર્થન કે પ્રતિબદ્ધતા આપી નથી. તેમ છતાં, વિવેચકો તેને અમેરિકાની 'તેલના લાલચ'ની વિદેશ નીતિના ભાગરૂપે જોઈ રહ્યા છે, જે રીતે અગાઉ ઈરાક અને તાજેતરમાં વેનેઝુએલામાં તેલના સંસાધનો પર અંકુશ મેળવવા માટે હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો.


