Get The App

વધુ એક યુદ્ધના ભણકારા ? : તાઈવાને HIMARS અને પેટ્રિઅટ મિસાઇલ્સ તૈનાત કર્યા

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
વધુ એક યુદ્ધના ભણકારા ? : તાઈવાને HIMARS અને પેટ્રિઅટ મિસાઇલ્સ તૈનાત કર્યા 1 - image


- ધી ઇસ્ટ ઇઝ રેડ : ચીનનું રાષ્ટ્ર ગીત છે : ઇસ્ટ રેડ બનશે, શેનાથી ?

- અમેરિકા  અને ચીન, ટેરિફ-એન્ડ-ટ્રેડ વૉરમાં સામ સામાં છે હવે તાઈવાન મુદ્દે બંને સામ સામા આવી ગયા છે

નવી દિલ્હી : તાઈવાનમાં ૧૦ દિવસીય યુદ્ધાભ્યાસ એવે સમયે થઇ રહ્યો છે કે જ્યારે ક્ષેત્રીય તણાવ ચરમ સીમાએ છે. ચીન અને તેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા તાઈવાનને લગાતાર ધમકીઓ અપાઈ રહી છે.

વિશ્વની બે મહાશક્તિઓ યુ.એસ. અને ચીન ટેરિફ એન્ડ ટ્રેડ વૉરમાં તો સામસામે છે જ. હવે તાઈવાન મુદ્દે પણ સામ સામે આવી ગઈ છે.

બે દિવસ પહેલાં જ ટ્રમ્પે તાઇવાન અંગે ચીન સાથે જો સંઘર્ષ થાય તો, તેવી સંભવિત સ્થિતિમાં અમેરિકાના સાથી દેશોને પૂછ્યું હતું કે તેમાં કયો કયો દેશ સાથ આપશે તેમાં તેના બે મુખ્ય સાથીઓએ તો ટ્રમ્પને ઝટકો આપી દીધો છે.

દરમિયાન તાઈવાને એક એવું પગલું ભર્યું છે કે તેથી પૂર્વ એશિયામાં એક વધુ યુદ્ધ જાગવાની સંભાવના દેખાઈ રહી છે. તાઈવાને પાટનગર તાઈપેનાં હવાઈ મથક પાસે, શનિવારથી જ હાઈ મોબિલિટી આર્ટીલરી રોકેટ સીસ્ટીમ (HIMARS) પોર્ટેબલ સ્ટિંગર મિસાઇલ લૉન્ચર અને ટ્રક માઉન્ટેડ મિસાઇલ સીસ્ટીમ પાટનગર તાઈપે તથા અન્ય મહત્ત્વનાં શહેરો આસપાસ ગોઠવી દીધા છે.

ઉલ્લેખનીય તે છે કે તાઈવાને ૪૧મો હાન કુઆંગ નામક સૈન્ય અભ્યાસ એવા સમયે શરૂ કર્યો છે કે જ્યારે ચીન સાથેની તંગદિલી ટોચ ઉપર છે. ચીન તાઈવાનને પોતાનું ગણે છે. તાઈવાન પોતાને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર માને છે. (જે અત્યારે છે જ) આથી તાઈવાન અંગે વૈશ્વિક અભિગમ જટિલ બનતો જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક દેશોએ તાઈવાનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. તો કેટલાએ દેશો (જેવા કે ભારત) તાઇવાનને સત્તાવાર માન્યતા નથી આપતા. પરંતુ તેનાં શૈક્ષણિક અને વ્યાપારી એકમોને પોતાનાં દેશમાં સ્થાન આપે છે. જેના કાર્યકરો અને અધિકારીઓ દૂતાવાસનું કામ કરે છે.

ચીન અમેરિકાનો તાઈવાન અંગે ટકરાવ ઘણો જૂનો છે. અમેરિકા તેના વૈશ્વિક નકશામાં તાઈવાનને એક સ્વતંત્ર દેશ તરીકે દર્શાવે છે. તેણે તાઈવાનને સંરક્ષણની ગેરેન્ટી આપી છે. તેટલું જ નહીં પરંતુ તાઈવાનને શસ્ત્રોની આપૂર્તિ સૌથી વધુ યુ.એસ. જ કરે છે. તાઈવાન રીલેશન્સ એક્ટ (૧૯૭૯) પ્રમાણે, અમેરિકા તેને સંરક્ષણ સાધનો અને સમર્થન આપી રહ્યું છે. જેથી હિન્દ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં તેની પોતાની સલામતી જળવાઈ રહે.

તાઈવાન અંગેના રીપોર્ટમાં કહેવાયું છે કે તાઈવાનના સૈનિકો, અમેરિકા નિર્મિત માનવ પોર્ટેબલ સ્ટિંગર મિસાઇલ લોન્ચર તેમજ વાહન પર ગોઠવેલાં તેનાં વેરિયન્ટને લઇ જતા માર્ગો ઉપર દેખાય છે. તેઓ HIMARS સીસ્ટમથી પણ સજ્જ છે. જે સીસ્ટીમ રશિયન સૈન્ય વિરૂધ્ધ યુક્રેન વાપરી રહ્યું છે. આમ પૂર્વ એશિયા ફરી રેડ બનવા તરફ જઈ રહ્યું છે તે લાલ રંગ કેવો હશે ? તેની વિશ્વને ચિંતા થઇ રહી છે. પૂર્વમાં મહાયુદ્ધની દુંદભી વાગી રહી છે.

Tags :