ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા વચ્ચે મોટા સમાચાર! હોર્મુઝની નાકાબંધી કરનારા કમાન્ડરનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran America War : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના ચોથા સપ્તાહમાં ઈરાનને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ઇઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના (IRGC) નેવી કમાન્ડર અલીરેઝા તંગસીરી બંદર અબ્બાસના દરિયાકાંઠાના વિસ્તારમાં અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં માર્યા ગયા છે.
કોણ હતા અલીરેઝા તંગસીરી?
તંગસીરી 2018થી ઈરાની નેવીના કમાન્ડર તરીકે કાર્યરત હતા અને અત્યાર સુધી અનેક જીવલેણ હુમલાઓમાંથી બચવામાં સફળ રહ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, વિશ્વના સૌથી વ્યૂહાત્મક જળમાર્ગ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. જો આ મોતના સમાચારની સત્તાવાર પુષ્ટિ થશે, તો તે ઈરાન માટે અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન સાબિત થશે.
તેલ અને ગેસનો વેપાર 95% ઠપ
ઈરાને હોર્મુઝની સામુદ્રધુની પર પોતાનો પંજો મજબૂત કરીને અમેરિકા અને ઇઝરાયલ સાથે જોડાયેલા જહાજોને રોક્યા છે. તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. લોયડ્સ લિસ્ટ મુજબ, સામાન્ય રીતે આ માર્ગ પરથી દરરોજ 120 જહાજો પસાર થાય છે, પરંતુ 1 થી 25 માર્ચ દરમિયાન માત્ર 155 જહાજો પસાર થઈ શક્યા છે, એટલે કે શિપિંગમાં 95% નો ઘટાડો નોંધાયો છે.
એવા અહેવાલો પણ છે કે, ઈરાન હવે જહાજો પાસેથી પસાર થવા માટે ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. કેટલાક જહાજો પાસેથી ચીની કરન્સી યુઆનમાં ચૂકવણી લેવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
મોટા નેતાઓના મોત છતાં ઈરાન હજુ મેદાનમાં
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનેઈ અને તેમના મુખ્ય સલાહકાર અલી લારીજાની સહિત અનેક ટોચના કમાન્ડરો માર્યા ગયા છે.1979 ની ક્રાંતિમાંથી જન્મેલું ઈરાનનું સત્તાવાર માળખું કોઈ વ્યક્તિ વિશેષ પર નહીં, પરંતુ સંસ્થાઓ પર ટકેલું છે. તેથી મોટા નેતાઓના મોત છતાં ઈરાન હજુ પણ યુદ્ધમાં ટકી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે અલી લારીજાની જેવા અનુભવી નેતાઓના મોત બાદ, હવે જે નવા નેતાઓ સત્તા સંભાળશે તે જૂના નેતાઓ કરતા પણ વધુ કટ્ટરપંથી હોઈ શકે છે.
ભારત અને અન્ય દેશો પર અસર
આ યુદ્ધ અને હોર્મુઝનો રસ્તો બંધ થવાની અસર માત્ર ઇઝરાયલ જ નહીં, પણ ભારત પર પણ પડી રહી છે. કેરલમ અને અન્ય દક્ષિણ ભારતીય રાજ્યોના હજારો લોકો ખાડી દેશોમાં વસેલા છે, જેમની સુરક્ષા અને ભારતની ઉર્જા જરૂરિયાતો હવે જોખમમાં છે. જોકે, ઈરાને તેના મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે ભારતના કેટલાક જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે, જે રાહતની વાત છે.









